Western Times News

Gujarati News

વિદેશના ૧૦ હજાર જેટલા વિધાર્થીઓ ગુજરાતમાં શિક્ષણ લેવા આવશે

ઉપરાષ્ટ્રપતિશ્રી  વૈંકેયા નાયડુજીએ ચારૂત્તર વિધામંડળ યુનિવર્સિટીના સ્થાપના પટલનું કર્યુ ડિઝીટલ વિમોચન

નવીન વિશ્વવિધાલય ગ્રામ સમાજના સશક્તિકરણ માટે ઉપયોગી શિક્ષણ આપે: શિલ્પકારો અને અન્ય હુન્નરમંદોના કૌશલ્યોના વિકાસ માટે કામ કરે એવો કર્યો અનુરોધ

સરદાર પટેલને દેશની એકતાના યુગપુરૂષ ગણાવીને અંજલી આપી : ગુજરાત સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને વિરાટ કામ કર્યુ છે સરદાર સાહેબનું આ સ્મારક વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે ઉદબોધનનો પ્રારંભ ગુજરાતી ભાષામાં કરીને ઉપરાષ્ટ્રપતિશ્રીએ માતૃભાષાની મહિમાની સાર્થક અનુભૂતિ કરાવી

સ્ટડી ઇન ગુજરાતના આયોજનને પગલે આગામી વર્ષમાં વિદેશના ૧૦ હજાર જેટલા વિધાર્થીઓ ગુજરાતમાં શિક્ષણ લેવા આવશે -મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

વિધાર્થીઓ પોતાની શિક્ષણ સંસ્થા માટે ગૌરવ અનુભવે કોઇ પણ શિક્ષણ સંસ્થા સામાન્ય નથી હોતી તે તમને અસામાન્ય ઉંચાઇએ પહોંચાડી શકે છે શ્રી અનિલ મણીભાઇ નાયક (એલ એન્ડ ટી ગ્રુપ ચેરમેન)

આણંદ-શનિવાર – અંગ્રેજી શીખો , હિન્દી શીખો કે અન્ય કોઇપણ ભાષા શીખો  પરંતુ સૌથી પહેલા માતૃભાષા શીખો એવી લાગણી વ્યક્ત કરતા ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વૈંકૈયા નાયડુ જીએ જણાવ્યુ કે ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામા જ અપાય એ ઇચ્છનીય છે. અને શિક્ષણમાં આપણી ભારતીય સંસ્કૃતિ તેની પરંપરાઓ આપણા મહાપુરૂષો અને પૂર્વ સુરીઓની ઉત્તમ વિચારધારાનો સમાવેશ અવશ્ય થવો જોઇએ. તેમણે સરદાર વલ્લભભાઇ પટેલને રાષ્ટ્રની એકતાના યુગપુરુષ તરીકે મૂલવીને આદરાંજલી આપી હતી અને ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચારોને અનુરૂપ શિક્ષણ આપવા અને તેના મૂલ્યોનું સંવર્ધન કરવા માટે અનુરોધ કર્યો હતો.

તેમણે સાંપ્રત પ્રવાહોને ઉદબોધનમાં વર્ણી લેતા જણાવ્યુ કે મંદી કામચલાઇ ઘટના છે અને દેશ ખૂબ ઝડપથી તેમાંથી બહાર આવશે નરેન્દ્રભાઇ મોદીના એબલ અને સ્ટેબલ નેતૃત્વ હેઠળ ભારત  વિશ્વના ત્રીજા ક્રમની આર્થિક મહાસત્તા બનીને ઉભરશે. તેમણે જણાવ્યુ કે પ્રધાનમંત્રીશ્રીએ આપેલા રીફોર્મ, પરફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મના આપેલા મંત્રને અપનાવીને સહુ રાષ્ટ્ર વિકાસમાં જોડાય અને યોગદાન આપે. તેમણે ઉમેર્યુ કે બધુ સરકાર જ કરશે તે વિચારધારાથી બહાર આવીને પોતાની નૈતિક ફરજ સમજીને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા ભારપૂર્વક જણાવ્યુ હતુ.

ઉપરાષ્ટ્રપતિશ્રીએ વલ્લભવિધાનગર ખાતે ચારૂત્તર વિધામંડળના અમૃત મહોત્સવ પ્રસંગે ચારૂત્તર વિધામંડળ વિશ્વ વિધાલય ના સ્થાપના પટલનું, મુખ્યમંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડિઝીટલ વિમોચન કર્યુ હતુ.

તેમણે  સીવીએમ યુનિવર્સિટીને બદલે ચારૂત્તર વિધામંડળ વિશ્વ વિધાલય તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવા ભારપુર્વક અનુરોધ કર્યો હતો અને વિશ્વ વિધાલયને ગ્રામ સમાજના સશક્તિકરણ માટે ઉપયોગી શિક્ષણ આપે ગામડામાંથી શહેરો તરફની હિજરત અટકે એવું શિક્ષણ આપે અને પોતાના અભ્યાસક્રમોમાં શિલ્પકારો અને અન્ય ગ્રામીણ કલાકારીગરોની કલા કારીગરી વધુ વિકસીત બને એવી બાબતોનો સમાવેશ કરે અને એમના ઉત્પાદનોનાં વેંચાણ માટે બજારો મળે તેમને મદદરૂપ બને તેવો અનુરોધ કર્યો હતો.

ગુજરાત એની ઉધમશીલતા અને સાહસિકતા માટે વિશ્વમાં ખ્યાતનામ છે એની જાળવણીની પણ તેમણે ખાસ ભલામણ કરી હતી. ઉપરાષ્ટ્રપતિશ્રીએ કુદરત અને સંસ્કૃતિની કાળજી લેવાની, વૃક્ષો ઉછેર કરવાની અને સર્વસમાવેશી વિકાસની પરંપરાઓને આગળ ધપાવવાનો ખાસ અનુરોધ કર્યો હતો. એક સર્વેને ટાંકતા ઉપરાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યુ કે જીવનની આદતો બદલાવવાને કારણે નોન કોમ્યુનિકેબલ ડિસીઝ (બિન સંસર્ગજન્ય રોગો) વધી રહ્યા છે એના અનુસંધાને તેઓએ જણાવ્યું કે પશ્ચિમી ખોરાક ત્યાંના પર્યાવરણ અને વાતાવરણ પ્રમાણે  સુયોગ્ય છે પરંતુ આપણી આહાર પરંપરાઓને વળગી રહેવું જોઇએ. દેશના ખેડૂતો ચરોત્તરની અમૂલ સહિતની સહકારી સંસ્થાઓની મુલાકાત લે અને એના સશ્કત માળખાની સમજણ કેળવે તેવી પણ તેઓએ હિમાયત કરી હતી.

ભારતીય યોગ પરંપરાની વિશ્વમાં સ્વીકૃતિ વધી રહી છે એનો નિર્દેશ કરતા તેઓએ જણાવ્યુ કે ભારત વિશ્વમાં સૌથી મોટી યુવા સંપદા (ડેમોગ્રાફીક ડિવિડન્ડ) દેશ છે યુવા સમુદાય દેશનું ભવિષ્ય છે ત્યારે યુવાનો યોગ પરંપરાથી શારિરીક તંદુરસ્તી કેળવે અને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બની. અને માતાપિતા, જન્મભૂમિ, માતૃભાષા, ગુરૂ અને શિક્ષણ સંસ્થા તથા સંસ્કૃતિ અને વારસાની હંમેશા કાળજી લેવા અને તેની જાળવણી રાખવા ઉપર ભાર આપ્યો હતો. તેમણે ચારુત્તર વિધામંડળની સ્થાપનામાં ભાઇકાકાથી લઇને ભીખાભાઇ સુધીના મહાનુભાવોના યોગદાનને બિરદાવ્યુ હતુ.

આપણે  Cast , Creed, Cash & Criminality ના ખોટા માર્ગેથી પાછા વળીને આપણી સંસ્કૃતિએ આપેલી ધરોહર સમાન Character, Calibar, Capacity, Contact ના ચાર C  ના મુદ્રાલેખને અપનાવીને રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા તેમણે જણાવ્યુ હતુ.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરદાર સાહેબના વિરાટ સ્મારકનું નિર્માણ કરવાની પહેલ કરી હતી એનો ઉલ્લેખ કરતા  ઉપરાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યુ હતુ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને સાકાર કરવા માટે ગુજરાત સરકારને અભિનંદન આપ્યા હતા. આ વિરાટ સરદાર સ્મારક હવે વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. તાજેતરના એક સર્વે પ્રમાણે અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા વધી ગઇ છે. ભારત સરકારે રેલ અને હવાઇ માર્ગે કેવડીયાને સાંકળી લેવાનું આયોજન કર્યુ છે તેના પગલે વિશ્વના પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતનું અનિવાર્ય અને આકર્ષણ સ્થળ બનશે.­ તેમણે ચારુત્તર વિધામંડળ વિશ્વ વિધાલય મહાત્માં ગાંધી ,સરદાર પટેલ, મોરારજી દેસાઇ જેવા તેજસ્વી વિધાર્થીઓનું ઘડતર કરે એવી શુભેચ્છા પાઠવી હતી.તેમણે બાબુભાઇ જશભાઇ પટેલ, કેશુભાઇ પટેલ, એચ.એમ. પટેલ, ના યોગદાનને પણ આ પ્રસંગે યાદ કર્યુ હતુ.

­­­­            મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આવતીકાલે તા.૧૫ ડિસેમ્બરે સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતિથી છે તેના પૂર્વદિને આજે ચારૂતર વિદ્યામંડળના ૭૫ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં એકઠા થયેલા તમામને શુભકામનાઓ પાઠવી હતી.

ચારૂતર વિદ્યામંડળ હવે યુનિવર્સિટી બની રહી છે, વિશ્વવિદ્યાલયનું સ્વરૂપ, માન્યતા પ્રાપ્ત કરી છે ત્યારે આનંદ થાય છે કે વિદ્યાર્થીને અભ્યાસ, અભ્યાસક્રમ સાથે જોડ્યા તેટલું નહિ પરંતુ ચારિત્ર્ય નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ થયું છે. રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપનાર લોકોના નિર્માણમાં પણ ચારૂતર વિદ્યામંડળનો ઘણો ફાળો છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં કહ્યું કે, જુલાઇ-૨૦૧૯માં ચારૂતર વિદ્યામંડળને વિશ્વવિધાલય શરૂ કરવા માટે રાજય સરકાર દ્વારા માન્યતા આપવામાં નિમિત્ત બન્યાનો મને આનંદ છે. સરદાર વલ્લભભાઇ પટેલના સહકારી મંડળી થકી ગ્રામોત્થાન અને શિક્ષણ થકી સમાજ સુધારણા સહિતના સ્વપ્નો સાકાર થયા છે. ચારૂતર વિદ્યામંડળ પાસે ભવ્ય ઇતિહાસની સાથોસાથ માનવીય મૂલ્યો છે અને વિકાસની કલ્પનાને પણ સાકાર કરી છે. ચારૂતર વિદ્યામંડળને શિક્ષણ અને જ્ઞાનના આદાનપ્રદાનની સાથે ભાવિ પેઢીના ઘડતરની જવાબદારી પણ રહેલી છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, રાજયમાં બે દાયકા પૂર્વે ૯ યુનિવર્સિટી હતી, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ રાષ્ટ્રના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિથી રાજયમાં ફોરેન્સિક યુનિવર્સિટી, યોગ યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી સહિત અલગ-અલગ વિષય વૈવિધ્ય ધરાવતી ૭૦ યુનિવર્સિટીસ કાર્યરત છે. માત્ર અભ્યાસ પૂર્ણ કરી ગ્રેજ્યુએટ બહાર પડે તેટલું જ નહિ પરંતુ કૌશલ્યસભર યુવાનો સ્વનિર્ભર થાય તેવું શિક્ષણમાળખું બનાવવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. અનેક યુનિવર્સિટીને કારણે આજે ગુજરાતના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રાજયની બહાર જવાની આવશ્યકતા રહે નહિ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આમ, ગુજરાત રાજયએ શિક્ષણમાં નવો રાહ ચીંધ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, ગુજરાતમાં વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસની તક આપવા માટે રાજય સરકારે કાર્યક્રમો અમલી કર્યા છે. સ્ટડી ઇન ગુજરાત કાર્યક્રમ અંતર્ગત આગામી વર્ષે અંદાજે ૧૦ હજાર જેટલા વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતમાં ભણવા આવશે.

તેઓએ ઉમેર્યુ કે બે દાયકા પહેલા રાજ્યમાં ૮ મેડીકલ કોલેજ હતી જેમાં ૧૦૨૫ જેટલી જ બેઠકો હતી  જે આજે વધીને ૨૯ કોલેજે માં ૫૫૦૦ બેઠકો ઉપલબ્ધ બની છે હવે ગુજરાતના વિધાર્થીઓને રશિયા, યુક્રેઇન, તેમજ કઝાકિસ્તાન જેવા દેશોમાં મેડીકલ શિક્ષણ મેળવવા નહીં જવુ પડે. ગુજરાતના વિધાર્થીઓને શિક્ષણ મેળવવા માટે અન્ય રાજ્યમાં પણ ન જવુ પડે તે માટે શિક્ષણ સંસ્થાઓની પુરતી વ્યવસ્થા ગુજરાતમાં કરી છે.તેમણે ૭૫ વર્ષના સમયગાળામાં ૧૦ લાખથી વધુ વિધાર્થીઓને શિક્ષણ આપીને સક્ષમ બનાવવા માટે ચારૂત્તર વિધામંડળના સંચાલકોને અભિનંદન આપ્યા હતા. અને વિશ્વકક્ષાનું જ્ઞાન વિધાર્થીઓ આ નવા વિશ્વવિધાલયમાંથી મેળવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે સરદાર સરોવર બંધ, સરદાર પટેલ યુનિવર્સિટી,ઇરમા, અમુલ સહિત ના સશક્ત સહકારી માળખાના પ્રેરણા દાતા તરીકે સરદાર સાહેબને યાદ કરીને એ સાકાર કરવામાં ભાઇકાકા સહિતના મહાનુભાવોએ આપેલા યોગદાનને અંજલિ આપી હતી.

આ પ્રસંગે એલ એન્ડ ટી ના ગ્રુપ ચેરમેન શ્રી અનિલ મણીભાઇ નાયકનું સંસ્થાના ભુતપુર્વ તેજસ્વી વિધાર્થી તરીકે  સન્માન કરવામાં આવ્યુ હતુ. ઉપરાષ્ટ્રપતિ શ્રીએ તેમને પ્રસશ્તિપત્ર પ્રદાન કરવાની સાથે શાલ ઓઢાળી હતી.

શ્રી અનિલ નાયકે વિનમ્રતા પુર્વક પોતાના સન્માનનો પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે પહેલા નંબરે રહેવાની જીજીવીશા રાખવાને બદલે સર્વાંગી શિક્ષણ ગ્રહણ કરવાની નેમ રાખવી જોઇએ.તેમણે હંમેશા રાષ્ટ્રનિર્માણ કરવા માટે તેમજ સમાજ અને દેશ માટે સમય ફાળવવાની ભલામણ કરી હતી. તેમને આત્મવિશ્વાસ રાખીને દેશોપયોગી બનાવાની ભલામણ કરતા વેદક સવાલ કર્યો હતો કે આજે શિક્ષણ મેળવીને ૯૦ ટકા વિધાર્થીઓ વિદેશ જાય છે તેવા સમયે દેશનું ઘડતર કોણ કરશે ?

શ્રી નાયકે જણાવ્યુ કે કોઇપણ લક્ષ્ય હાંસલ કરવા માટે વ્યક્તિમાં Passion, devotion, Conviction, And Commitment નું ગુણો જરૂરી છે. એલ એન્ડ ટી ના માધ્યમથી વિશ્વના સૌથી વિરાટ સરદાર પ્રતિમાના નિર્માણમાં યોગદાન આપવાની જે તક મળી તે માટેનો આનંદ તેઓએ વ્યક્ત કર્યો હતો.

ચારૂત્તર વિધામંડળના અધ્યક્ષ શ્રી ભીખુભાઇ પટેલે સંસ્થાના ઉજ્જવળ શૈક્ષણિક ઇતિહાસની ઝાંખી કરાવવાની સાથે જણાવ્યુ કે ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ અહીં શરૂ થઇ હતી. તેમણે ચારુત્તર વિધામંડળ વિશ્વવિધાલય શરૂ કરવા માટેની માન્યતા આપવા માટે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજી ચુ઼ડાસમા, ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક શ્રી પંકજ દેસાઇ, આણંદ સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, ચારૂત્તર વિધામંડળના પ્રમુખ શ્રી પ્રયાસ્વિન પટેલ તેમજ જિલ્લાના અગ્રણીઓ, વિધા સંસ્થાના પદાધિકારીઓ-અધ્યાપકો અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.