Western Times News

Gujarati News

સંસદમાંથી વધુ ૪૯ સાંસદો સહિત કુલ ૧૪૧ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા

નવી દિલ્હી, સંસદમાં અત્યારે સત્તાપક્ષ અને વિરોધપક્ષો વચ્ચે જાેરદાર ધમાલ ચાલી રહી છે જેમાં વિપક્ષના સાંસદો સામે સસ્પેન્શનનું હથિયાર ઉગાવવામાં આવ્યું છે. આજે લોકસભામાંથી વિપક્ષના ૪૯ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ સાથે જ આ વખતે સસ્પેન્ડ થયેલા સાંસદોની સંખ્યા ૧૪૧ સુધી પહોંચી ગઈ છે. તેમાં રાજ્યસભા અને લોકસભા બંનેના સભ્યોનો સમાવેશ થાય છે.

ગયા અઠવાડિયે સંસદભવનમાં બે લોકો ગેરકાયદે ઘૂસી આવ્યા હતા અને સુરક્ષા વ્યવસ્થાનો ભંગ કર્યો હતો. આ મામલે ગૃહમંત્રી અમિત શાહ નિવેદન આપે તેવી માંગણી કરીને વિપક્ષોએ હંગામો મચાવ્યો છે.

કેટલાક સભ્યો અમિત શાહના રાજીનામાની માંગણી કરે છે તેથી સંસદના બંને ગૃહોમાંથી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. આ લોકો આખા સત્ર દરમિયાન સંસદમાં આવી નહીં શકે.
સોમવારે સંસદમાંથી ૭૯ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જે એક રેકોર્ડ હતો. ત્યાર પછી આજે વધુ ૪૯ સાંસદોને સસ્પેન્ડ કરાયા છે.

તેના કારણે હવે સંસદમાં વિરોધપક્ષના સાંસદોની કોઈ શક્તિ જ રહી નથી. તમામ સાંસદોને તેમની ગેરવર્તણૂકના કારણોસર ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગૃહમાંથી સસ્પેન્ડ થયા પછી સાંસદોએ બહાર ઉભા રહીને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી. તેમનું કહેવું છે કે સરકાર વિરોધપક્ષોની વાત સાંભળતી નથી અને સરમુખત્યારશાહી ચલાવે છે.

સસ્પેન્ડ થયેલા સાંસદોમાં કોંગ્રેસના શશી થરૂર, મનીષ તિવારી અને કાર્તિ ચિદમ્બરમ, એનસીપીના સુપ્રીયા સૂળે, સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવ, તૃણમુલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય સામેલ છે. કેન્દ્રિય મંત્રી અર્જુન રામ મેઘવાલ આ સાંસદોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ લાવ્યા હતા અને પછી બધાને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દેવાયા હતા.

નીચલા ગૃહમાં સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જાેશીએ જણાવ્યું કે સંસદમાં પ્લેકાર્ડ લઈને નહીં આવવાનું નક્કી કરવામાં આવ્યું હતું છતાં પ્લેકાર્ડ લાવવામાં આવ્યા હતા. તાજેતરની ચૂંટણી હાર્યા પછી હતાશાના કારણે તેઓ આવા પગલાં લઈ રહ્યા છે. તેના કારણે અમે આ દરખાસ્ત લાવ્યા છીએ.

આ સાથે જ હવે સંસદમાંથી કુલ ૧૪૧ સાંસદો સસ્પેન્ડ થઈ ગયા છે. સોમવારે લોકસભાના ૪૬ અને રાજ્યસભાના ૪૫ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કેટલાક સાંસદો વિરુદ્ધ પ્રિવિલેજ કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે. નવી સંસદના ચાલુ શિયાળુ સત્રમાં સંસદમાં અભૂતપૂર્વ ધમાલ થઈ છે.

તેના કારણે સરકારે શિક્ષાત્મક પગલાં લઈને વિપક્ષોને શાંત પાડવાનો માર્ગ અપનાવ્યો છે. વિપક્ષોની દલીલ છે કે સરકાર લોકતાંત્રિક રીતે કામ કરવા માંગતી નથી. સંસદના શિયાળુ સત્રમાં લોકસભામાં સુરક્ષા ભંગ કરનારા કેટલાક યુવકોની હરકત બાદ વિપક્ષી સાંસદોએ તેના પર પ્રશ્ન કરતા આ અંગે હોબાળો કર્યો હતો.

જેથી આ બાબતને અશોભનીય માનતા લોકસભામાં વિપક્ષના વધુ ૪૯ સાંસદ સસ્પેન્ડ તેમજ અત્યાર સુધી કુલ ૧૪૧ સાંસદની હકાલપટ્ટી કરી છે. તેમને નિયમ ૨૫૬ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં વિપક્ષી પાર્ટીઓના ઘણા સાંસદો છે.

ચાલો જાણીએ કે જે સભ્યોના આચરણ અને તેમની સામે શિસ્તબદ્ધ કાર્યવાહીને વ્યાખ્યાયિત કરતો નિયમ ૨૫૬ શું છે. આ પહેલા પણ ૧૯૮૯માં લોકસભાનું સૌથી મોટું સસ્પેન્શન કરવામાં આવ્યું હતું. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાનો ઠક્કર કમિશનનો રિપોર્ટ સંસદમાં રજૂ કર્યો ત્યારે સાંસદોએ હંગામો કર્યો હતો.

ત્યારે સ્પીકરે ૬૩ સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા.લોકસભા અને રાજ્યસભાના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પણ નિયમો બનેલા છે. સસ્પેન્શનની કાર્યવાહી અંગેના નિયમો બંને ગૃહો દ્વારા નિયમ પુસ્તક દ્વારા સંચાલિત થાય છે.

તેમજ બંધારણમાં પણ એવી જાેગવાઈ છે કે સંસદમાં થતી કાર્યવાહી કોઈપણ અદાલત પ્રત્યે જવાબદાર નથી. તેમજ તેને કોર્ટમાં પડકારી શકાય નહીં. સાંસદોએ બંને ગૃહોના નિયમો અનુસાર વર્તવું પડશે. રાજ્યસભામાં નિયમ ૨૫૫ હેઠળ અધ્યક્ષ સમગ્ર સત્ર માટે સભ્યોને સસ્પેન્ડ કરી શકે છે.

જ્યારે નિયમ ૨૫૬ હેઠળ સ્પીકર સાંસદને સત્રના બાકી સમય કરતાં વધુ સમય માટે સસ્પેન્ડ કરી શકે છે. લોકસભામાં નિયમ ૩૭૪ હેઠળ, સસ્પેન્શન નિર્ધારિત સમયથી બાકીના સત્ર સુધી ચાલી શકે છે.
જે સભ્યો સભાપીઠના અધિકારની ઉપેક્ષા કરે અથવા તો જાણીજાેઇને વારંવાર સભાના કાર્યમાં અવરોધ ઉભા કરે છે અથવા તો રાજ્યસભાના નિયમોનો દુરુપયોગ કરે છે ત્યારે અધ્યક્ષ સભ્યોને સસ્પેન્ડ કરી શકે છે.

તેમજ સત્રના અંત સુધીના સમયગાળા માટે અધ્યક્ષ કોઈપણ સભ્યને રાજ્યસભાની સેવામાંથી સસ્પેન્ડ કરી શકે છે. આ ઉપરાંત સસ્પેન્ડ થતાની સાથે જ રાજ્યસભા અથવા લોકસભાના સભ્યએ તરત જ ગૃહ છોડવું પડે છે.

જાે સ્પીકરને એવું લાગે કે કોઈ સભ્ય વારંવાર સદનની કાર્યવાહીમાં અવરોધ ઉભા કરે છે તો તે સભ્યને બાકી રહેતા સેશન માટે સસ્પેન્ડ કરી શકે છે.

આ સસ્પેન્શન રાજ્યસભા અધ્યક્ષની મરજીથી રદ પણ થઇ શકે છે. જાે સાંસદ તેના કાર્યો માટે માફી માંગે તો અધ્યક્ષ અને લોકસભા અધ્યક્ષ સસ્પેન્શન રદ કરવા માટે તેમની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી શકે છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.