Western Times News

Gujarati News

વિકસિત ભારત-2047ના નિર્માણમાં ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ જેવા નવતર પ્રયોગો મદદરૂપ થશે: મુખ્યમંત્રી

‘જાણશે ગુજરાત, જીતશે ગુજરાત’  મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના વરદહસ્તે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨.૦નો રાજકોટ ખાતેથી ભવ્ય શુભારંભ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતેથી “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q 2.0)” નો વિધિવત રીતે શુભારંભ કરાવ્યો હતો. રાજકોટના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણા વિદ્યાર્થીઓ-યુવાનો દેશ-દુનિયાના પ્રવાહોથી સતત અપડેટ રહે, તેમની જિજ્ઞાસા વૃત્તિ કેળવાય  અને યુવા શક્તિ જ્ઞાનસભર, માહિતી સભર બને તેવી વડાપ્રધાનશ્રીની નેમને પાર પાડવા ગુજરાત સરકારે આ ક્વિઝરૂપી અભિનવ પહેલ વર્ષ-૨૦૨૨થી કરી છે.

મુખ્યમંત્રીશ્રી એ શિક્ષણની મહત્તા સ્પષ્ટ કરતા ઉમેર્યું હતું કે શિક્ષણ માનવીને કંકરમાંથી શંકર બનાવે છે. જીવનમાં નવું જાણવાની, નવું શીખવાની અને નવું કરવાની રૂચિ અને વૃત્તિ જ મનુષ્યની પ્રગતિ માટેના સબળ પાસાઓ છે, એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ દરેક ક્ષેત્રે નવીનપણે વિચારવાની, નવુ કરવાની પ્રેરણા આપી છે.

ગીતા’માં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનના પ્રશ્નોના આપેલા જવાબ છે, તો ઉપનિષદોમાં પણ ઋષિમુનિઓ અને શિષ્યો વચ્ચેના સવાલ-જવાબ છેની વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે સવાલ-જવાબની પરંપરા ભારતની પ્રાચીન પરંપરા રહી છે અને ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ આ સમૃદ્ધ પરંપરાને આધુનિક ઢબે આગળ લઈ જવાનો એક પ્રયાસ છે.

દરેક પ્રશ્નના જવાબ ‘ગૂગલ ગુરુ’પાસેથી મેળવતી આજની પેઢીને આ ક્વિઝના માધ્યમથી યાદશક્તિના આધારે જવાબો આપવાની અને મનન ચિંતન કરવાની ટેવ કેળવાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે આ ક્વિઝ માહિતીસભર અને ફ્યુચર રેડી ભાવિ પેઢી તૈયાર કરવાનું દૂરંદેશીભર્યું પગલું છે.

મુખ્યમંત્રીશ્રીએ ગત વર્ષની ક્વિઝની આંકડાકીય માહિતી આપતાં કહયું હતું કે વર્ષ ૨૦૨૨માં યોજાયેલી જ્ઞાનગુરુ ક્વિઝમાં રાજ્યભરના ૨૩ લાખથી વધુ નાગરિક સામેલ થયા હતા, જેમાંથી ૧ લાખ ૩૦ હજારથી વધુ વિજેતાઓને રાજ્ય સરકાર દ્વારા ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રીશ્રીએ અપેક્ષા વ્યક્ત કરી હતી કે વર્ષ ૨૦૨૩ ની આ જ્ઞાનગુરુ ક્વિઝ પાછલા વર્ષના તમામ રેકોર્ડ તોડશે.

શાળાકીય જીવન દરમિયાન ગાંધીજીએ સાચો સ્પેલિંગ લખવા નકલ કરવા કરેલા ઇન્કારના પ્રસંગ અને વડાપ્રધાનશ્રીએ “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં નકલથી નહી પરંતુ મહેનતથી પાસ થવાની, આગળ વધવાની પ્રેરણા આપી છેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જીવનની પરીક્ષામાં પાસ થવા માટે પ્રમાણિકતાનો ગુણ અને એ માટેનું મક્કમ મનોબળ કેળવવા અગત્યના છે. આ ક્વિઝનું આયોજન વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ અને આત્મશક્તિ પુરવાર કરવાનો મોકો છે.

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રનો વિકાસ આભને આંબ્યો છે. પ્રિ-વાયબ્રન્ટ સમિટ ૨૦૨૪માં એડવાન્સ એજ્યુકેશન સેક્ટરમાં સ્ટ્રેટેજીક પાર્ટનરશીપના એમ.ઓ.યુ.  કરવામાં આવ્યા છે તેમ જણાવતા ઉમેર્યું હતું કે શિક્ષણ સહિતના દરેક ક્ષેત્રમાં નવા અને હકારાત્મક બદલાવ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાનશ્રીની વિકસિત ભારત-૨૦૪૭ના નિર્માણની હાકલ સફળ બનાવવામાં ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ જેવા નવતર પ્રયોગો મદદરૂપ થશે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો રોડ મેપ આજથી યુવાપેઢી કંડારશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

આ તકે કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વિકસિત ભારતના નિર્માણ માટે આજના વિદ્યાર્થીઓ શિક્ષિત અને દીક્ષિત હોય તે આવશ્યક છે. નાગરિકો માટે સરકાર દ્વારા અમલમાં મુકાયેલી યોજનાઓ વિષેની માહિતી નાગરિકોને હોવી જરૂરી છે. આવનારા સમયમાં દેશ વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સમગ્ર દુનિયાની નજર ભારતના યુવાનો ઉપર છે.

૨૦૪૭નાં વિકસિત ભારતનાં નિર્માણની જવાબદારી જેનાં શિરે છે તેવા યુવાનો વિજ્ઞાન, ઈતિહાસ, વિકાસ, સમાજ, રાજકારણ સહિતનાં વિવિધ ક્ષેત્રોની વિવિધ બાબતો અને વાસ્તવિક જીવનમાં ઉપયોગી નીવડે તેવા જ્ઞાનથી પૂર્ણપણે અપડેટ હોય તે અતિ આવશ્યક છે, જેને ધ્યાનમાં રાખીને આ ક્વિઝની રૂપરેખા ઘડવામાં આવી છે.

મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વિકસિત ભારતના સાચા એમ્બેસેડર યુવા વિદ્યાર્થીઓ છે. મંત્રીશ્રીએ જ્ઞાનગુરૂ ક્વિઝમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને “નમો એપ” પર વિકસિત ભારત એમ્બેસેડર ક્વિઝમાં પણ સામેલ થવા અનુરોધ કર્યો હતો તેમજ ક્વિઝમાં સમાવિષ્ટ ઇતિહાસ, વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાનને લગતા ઉદાહરણરૂપ પ્રશ્નો રજૂ કરી વિજેતાઓને આપવામાં આવનાર ઇનામોની રૂપરેખા આપી હતી.

શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે સ્વાગતપ્રવચન કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત ઝડપી વિકાસ કરી રહ્યુ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓ લોકો સુધી પહોંચે અને ગુજરાતના નાગરિકો અને વિદ્યાર્થીઓ જ્ઞાનસમૃધ્ધ બને તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત જ્ઞાનગુરૂ ક્વિઝ G3Q-2.0 નું આયોજન કરવામાં આવ્યું છે.

ઉદઘાટન કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. મહાનુભાવોનું સ્વાગત પુસ્તક અનેમોમોન્ટો દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ રિમોટ દ્વારા રાજ્યવ્યાપી  ક્વિઝનો વિધિવતરીતે પ્રારંભ કરાવ્યો હતો. શિક્ષણમંત્રીશ્રીએ ઉપસ્થિત લગભગ ૨૭૩૭ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા અપાયેલ ક્વિઝના પ્રથમ ત્રણ વિજેતાઓની જાહેરાત કરી હતી, જેને મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં આર.જે.ધ્વનિતે ઉપસ્થિત છાત્રોને ક્વિઝ રમાડી હતી.

આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, મેયર શ્રી નયનાબેન પેઢડિયા,  જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા તેમજ શ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલિયા, ડૉ. દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશ ટિલાળા, અગ્રણી શ્રી ભરતભાઈ બોઘરા, શ્રી મુકેશ દોશી, ઉચ્ચ શિક્ષણ અને ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી મુકેશ કુમાર,

ઉચ્ચ શિક્ષણ નિયામકશ્રી પી.બી. પંડ્યા, કલેક્ટરશ્રી પ્રભવ જોશી, પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર શ્રી આનંદ પટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર શ્રી નીલાંબરી દવે, કે.સી.જી.ના સલાહકારશ્રી એ.યુ. પટેલ તેમજ શિક્ષણ વિભાગના અન્ય અધિકારીઓ, શાળા કોલેજના આચાર્યશ્રીઓ, શિક્ષણવિદો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.