Western Times News

Gujarati News

અયોધ્યા કળશ યાત્રા ધામધૂમથી તલગાજરડાના રામજી મંદિર પરિસરમાં પહોંચી

અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્માણ પામી રહેલ ભવ્ય અને દિવ્ય મહા મંદિર તરફથી સમગ્ર દેશમાં “ઘર ઘર અયોધ્યા અભિયાન” આરંભાયું છે.

આ અભિયાન અંતર્ગત, શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યાથી આવેલ “અયોધ્યા કળશ યાત્રા” નું ચિત્રકૂટધામ, તલગાજરડા ખાતે આગમન થયું. સવારના આઠ કલાકે શ્રી હનુમાનજીની મહારાજ સમક્ષ અયોધ્યા કળશ પધરાવીને હનુમાન ચાલીસાના  પાઠનું સમુહ ગાન થયું. ત્યાર બાદ ત્યાંથી અયોધ્યા કળશ યાત્રા ધામધૂમથી તલગાજરડાના રામજી મંદિર પરિસરમાં પહોંચી. જ્યાં પૂજ્ય મોરારીબાપુએ અયોધ્યા કળશનું ઉષ્માપૂર્ણ  સ્વાગત કર્યું. યાત્રામાં ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોના

જયઘોષ વચ્ચે પૂજ્ય બાપુના વરદ પાવન હસ્તે કળશને રામજી મંદિરના ગર્ભગૃહમાં પધરાવવામાં  આવ્યો. પૂજ્ય બાપુએ આ મંગલ કાર્ય સંદર્ભે સમર્પિત સહુ સેવાભાવી કાર્યકરો અને સંસ્થાઓને સાધુવાદ આપ્યા. બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરનો ભવ્યાતિભવ્ય શિલાન્યાસ યોજાવાનો છે, એ પરમ પવિત્ર ઘડીનું સ્મરણ કરીને પૂજ્ય બાપુએ પોતાની ખૂબ ખૂબ પ્રસન્નતાના વ્યક્ત કરી.

વિશ્વને હવે જ્યારે “રામ રાજ્ય” મળી રહ્યું છે, એવી પરમ ઐતિહાસિક ઘટનાના આપણે સહુ – આપણાં સ્થાને રહીને પણ- સાક્ષી બનીએ અને વૈદિક સનાતન ધર્મી હિંદુ તરીકે, ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને આ અતિ પાવન દિવસને અંત: કરણની પ્રસન્નતા સાથે મહા ઉત્સવ તરીકે ઉજવીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂજ્ય બાપુ ૨૨ જાન્યુઆરીની સાંજે ચિત્રકૂટ ધામ, તલગાજરડાના પ્રતિનિધિ તરીકે અને ત્રિભુવની વ્યાસપીઠના કરોડો શ્રોતાઓના પ્રતિનિધિ સ્વરૂપે પહોંચીને  આપણાં સહુ વતી ભગવાન રામલલ્લાના ચરણોમાં શીશ નમાવવાના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.