Western Times News

Gujarati News

બિહારમાં મહિલાઓને પ્રેગનન્ટ કરવાની જોબનું કૌભાંડ

નવી દિલ્હી, ભારતમાં કૌભાંડીઓ લોકોને છેતરવા માટે રોજેરોજ નવી તરકીબો શોધી કાઢે છે અને તેમાંથી કેટલીક તરકીબ તો એવી આશ્ચર્યજનક હોય છે કે મગજ ચકરાઈ જાય. તાજેતરમાં બિહારમાં એક ગેંગે મહિલાઓને ગર્ભવતી બનાવવાની જોબના નામે લોકોને ફસાવ્યા અને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. અહીં આઠ સભ્યોની એક ટોળકી મહિલાઓને પ્રેગનન્ટ બનાવવાની જોબના નામે પુરુષો પાસેથી ડિપોઝિટ ઉઘરાવતી હતી અને ત્યાર બાદ ફરાર થઈ જતી હતી.

પોલીસે ૮ આરોપીઓને પકડી લીધા છે. બિહારના નાવાડા ખાતે આ અજીબોગરીબ ઘટના બની છે જેમાં કેટલાક પુરુષોને છેતરામણી સ્કીમમાં લલચાવવામાં આવ્યા હતા. આ ઠગ ટોળકીએ “ઓલ ઈન્ડિયા પ્રેગનન્ટ જોબ” નામે ગ્રૂપ બનાવ્યું હતું અને સોશિયલ મીડિયા દ્વારા લાલચુ પુરુષોનો સંપર્ક કરતા હતા.

પુરુષોને જણાવવામાં આવતું હતું કે જે મહિલાઓ પોતાના પતિ થકી ગર્ભવતી થઈ શકતી નથી તેમને પ્રેગનન્ટ કરવાનું કામ કરવાનું છે જેના માટે પાંચ લાખ રૂપિયાથી ૧૩ લાખ રૂપિયા સુધીની રકમ આપવાનું વચન પણ અપાતું હતું.

બેબી બર્થ સર્વિસના નામે ચાલતા આ ગ્રૂપમાં ૭૯૯ રૂપિયા ભરીને રજિસ્ટ્રેશન કરવામાં આવતું હતું અને પછી પુરુષો પાસેથી ૫૦૦૦ રૂપિયાથી લઈને ૨૦,૦૦૦ રૂપિયા સુધીની સિક્યોરિટી ડિપોઝિટ લેવામાં આવતી હતી. ઘણા પુરુષોએ આ વિકૃત કામ કરવા બદલ રૂપિયા પણ મળશે તેમ માનીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને હવે પેટભરીને પસ્તાય છે. આ એક સાઈબરક્રાઈમનો કેસ છે જેની પાછળ મુન્ના કુમાર નામની વ્યક્તિનું ભેજું હતું. પોલીસ મુન્ના કુમારને શોધી રહી છે.

હજુ આ ગેંગના કેટલાક લોકો ફરાર છે. ડીએસપી કલ્યાણ આનંદે જણાવ્યું કે આ લોકો આખા દેશમાં સાઈબર ક્રાઈમનું કૌભાંડ ચલાવતા હોય તેવી શક્યતા છે. પોલીસે બેબી બર્થ સર્વિસ જૂથ પાસેથી લગભગ નવ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.

બાળકો થઈ શકતા ન હોય તેવી મહિલાઓને પ્રેગનન્ટ કરવાનો વિચાર આ કૌભાંડ પાછળ કામ કરે છે જેમાં સફળ પુરુષોને ૧૩ લાખ રૂપિયા અને નિષ્ફળ પુરુષોને પાંચ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વિકૃત ઓફરમાં ઘણા પુરુષો લલચાઈ ગયા હતા અને ૫૦૦૦ રૂપિયાથી લઈને ૨૦,૦૦૦ રૂપિયા સુધીની ડિપોઝિટ ભરી હતી. ભારતમાં સાઈબર ક્રાઈમના અનેક કેસ બને છે જેમાં હાલમાં ન્યૂડ વિડિયો કોલ દ્વારા લોકોને બ્લેકમેઈલ કરવાના કેસ સૌથી વધારે બને છે.

પરંતુ બિહારની આ ગેંગ તેનાથી પણ એક કદમ આગળ નીકળી ગઈ અને મહિલાઓને ગર્ભવતી બનાવવાના નામે પુરુષો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.