Western Times News

Gujarati News

ભારતીય વિદ્યાર્થીઓની ૪૦% અરજીઓ કેનેડા દ્વારા રિજેક્ટ

કેનેડાના સ્ટુડન્ટ વિઝા મેળવવા મુશ્કેલ -બીજી તરફ એજન્ટો દ્વારા સ્ટુડન્ટને ગેરમાર્ગે દોરવાનું પ્રમાણ વધી ગયું હોવાથી ઓથોરિટી એલર્ટ થઈ ગઈ છે

નવી દિલ્હી,ભારત અને કેનેડા વચ્ચે તાજેતરમાં સંબંધોમાં જે તંગદીલી આવી છે તેની અસર સ્ટુડન્ટ વિઝા પર પણ પડવા લાગી છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે ભારતીયોના કેનેડા વિઝા રિજેક્ટ થવાનું પ્રમાણ વધી ગયું છે. હાલમાં ભારતીય સ્ટુડન્ટની લગભગ ૪૦ ટકા વિઝા અરજીઓને કેનેડા દ્વારા રિજેક્ટ કરવામાં આવે છે.

એક વખત કેનેડામાં સ્ટુડન્ટ તરીકે પહોંચી જાવ ત્યાર પછી પીઆરનો રસ્તો ખુલી જશે તેમ કહીને એજન્ટો વિદ્યાર્થીઓને ભરમાવે છે. પરંતુ સ્થિતિ ઘણી મુશ્કેલ છે. તાજેતરમાં કેનેડાના ટોચના અખબાર ટોરન્ટો સ્ટારના અહેવાલ મુજબ કેનેડાની એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન તો મળી જાય છે, પરંતુ સ્ટુડન્ટ વિઝાની અરજી કરવામાં આવે ત્યારે લગભગ અડધી અરજીઓ રિજેક્ટ થાય છે.

ભારતીયોની આશરે ૪૦ ટકા અરજીઓ આવી રીતે ફગાવી દેવામાં આવી છે અને તેના માટે ચોક્કસ કારણ પણ આપવામાં આવતું નથી. બીજા દેશોની સ્ટુડન્ટ વિઝા અરજીઓ પણ રિજેક્ટ કરવામાં આવે છે પરંતુ તેમાં ભારતીયોનો રિફ્યુજલ રેટ સૌથી વધુ છે. કેનેડામાં જે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ આવે છે તેમાં ભારતીયો સૌથી આગળ છે. ડિસેમ્બર સુધીમાં લગભગ ૩.૨૦ લાખ ભારતીયોને સ્ટડી પરમિટ મળી હતી.

જોકે, કેનેડામાં બધા સાથે એક સરખો વ્યવહાર થાય છે એવું નથી. કેનેડાના લોકલ સ્ટુડન્ટની તુલનામાં ભારતીય વિદ્યાર્થીઓએ લગભગ પાંચ ગણી વધારે ફી ભરવી પડે છે. આ રીતે કેનેડાની આવક વધારવામાં પણ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ મોટો હિસ્સો આપે છે. તેના કારણે જ અહીં પ્રાઈવેટ અને પબ્લિક કોલેજો ધમધમે છે. તેના કારણે સ્ટુડન્ટને લાગે છે કે કેનેડામાં ભણવાથી તેમને સરળતાથી CANADA PR પણ મળી જશે.

સ્ટુડન્ટ્‌સમાં કેનેડા માટે વધારી ચગાવીને છબિ ઉભી કરવા માટે એજન્ટો પણ જવાબદાર હોય છે. તાજેતરમાં કેનેડિયન ઈમિગ્રેશન લોયર્સ એસોસિયેશને માંગણી કરી છે કે ઓવરસિઝ એજ્યુકેશન એજન્ટોને પ્રોવિન્સના રેગ્યુલેશન હેઠળ વાવવામાં આવે અને આ એજન્ટોની વર્તણૂક વિશે એજ્યુકેશન સંસ્થાઓએ જવાબદારી લેવી જોઈએ. કેનેડાએ તાજેતરમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સ માટે વિઝા મેળવવા નાણાકીય રીતે ખર્ચાળ બનાવી દીધા છે.

છતાં વિઝાની અરજીઓ સતત વધતી જાય છે. તેની સાથે રિજેક્શનની ટકાવારીમાં પણ વધારો થયો છે. કેનેડાના વિઝા માટે સ્ટુડન્ટે હવે ૨૦,૬૦૦ ડોલરથી વધારે બચત દેખાડવી પડે છે. પરંતુ તેનો પણ તોડ કાઢી લેવાયો છે. ઘણા લોકો થોડા સમય માટે બેન્ક એકાઉન્ટમાં મોટી રકમ દેખાડીને ઓથોરિટીને ઉલ્લુ બનાવે છે. ઘણા એક્સપર્ટને બીક છે કે આ રીતે જ ચાલતું રહેશે તો કેનેડાની રેપ્યુટેશનને ફટકો પડશે.

નવા આંકડા પ્રમાણે ૧ જાન્યુઆરી ૨૦૨૨થી ૩૦ એપ્રિલ ૨૦૨૩ વચ્ચે ઈમિગ્રેશન વિભાગે ૮૬૬,૨૦૬ સ્ટડી પરમિટ એપ્લિકેશનમાંથી ૪,૭૦,૪૨૭ અરજીઓ સ્વીકારી હતી. એટલે કે માંડ ૫૪ ટકાનો એક્સેપ્ટન્સ રેશિયો છે. કેનેડામાં સૌથી વધુ લ‹નગ ઈન્સ્ટિટ્યૂટ જ્યાં આવેલી છે તે ઓન્ટારિયોમાં સ્ટુડન્ટ પરમિટ સ્વીકારવાનો રેશિયો અલગ અલગ હતો. છેલ્લા એક દાયકામાં કેનેડામાં સ્ટડી પરમિટ ધરાવતા લોકોની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ છે.

૨૦૧૩માં આ આંકડો ત્રણ લાખનો હતો જ્યારે ચાલુ વર્ષે ૯ લાખ સ્ટુડન્ટને સ્ટડી પરમિટ અપાઈ હતી. કેનેડાને ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓ વગર ચાલે તેમ નથી કારણ કે તેઓ ૨૨ અબજ ડોલરનો બિઝનેસ આપે છે અને તેઓ જે ખર્ચ કરે છે તેના કારણે જ કેનેડામાં લગભગ બે લાખ લોકોને જોબ મળે છે. જોકે, હાલમાં કેનેડામાં એફોર્ડેબલ હાઉસિંગની કટોકટી ચાલે છે તેથી સ્ટુડન્ટ માટે પણ ત્યાં રહેવું પોસાતું નથી. પરિણામે ઘણા ભારતીય સ્ટુડન્ટ કેનેડાથી પરત આવી ગયા છે. ઘણા ભારતીયો ફૂડ બેન્ક પર આધારિત હોય છે અને શેલ્ટર માટે પણ ધક્કા ખાતા રહે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.