Western Times News

Gujarati News

AMC ફાયર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓની ‘ઝીરો’ સુરક્ષા

ફાયર વિભાગના કર્મચારીઓએ પોતાના ખિસ્સામાંથી પ્રીમિયમ ભરીને રૂ.૨૫ હજારનો વીમો લીધો છે.

બોપલમાં પક્ષીને બચાવવા જતાં સળગી ગયેલા ફાયર કર્મીના પરિવારને તંત્ર તરફથી માત્ર આશ્વાસનઃ કોંગ્રેસે રૂ.૧ કરોડના વળતરની માંગણી કરી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઉત્સવ- મહોત્સવ પાછળ વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે પરંતુ પોતાના જીવના જોખમે કામ કરી નાગરિકોની સુરક્ષા કરતા ફાયર વિભાગના કર્મચારીઓ માટે રાતીપાઈ પણ ખર્ચ કરવામાં આવતી નથી ખાસ કરીને ફાયર કે અન્ય કોલ સમયે કોઈપણ સજીવનો જીવ બચાવવા માટે ફાયર કર્મચારી પોતાનો જીવ ગુમાવી બેસે છે તેવા સમયે તેના પરિવારનું ભરણપોષણ થઈ શકે તેની કોઈ જ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી.

શહેરના બોપલ વિસ્તારમાં હાઈપર ટેન્શન લાઈન પર ફસાયેલા પક્ષીને બચાવવા જતા ફાયર વિભાગના એક કર્મચારીએ મંગળવારે જીવ ગુમાવ્યો હતો પરંતુ તેના પરિવારજનોને ફાયર કે અન્ય કોઈપણ વિભાગ તરફથી તેમનું ગુજરાન ચાલી શકે તેવી બાહેંધરી કે રકમ આ લખાય છે ત્યાં સુધી આપવા માટે જાહેરાત થઈ નથી જેનો વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણના જણાવ્યા મુજબ મ્યુ. કોર્પોરેશન ના વસ્તી અને વિસ્તારમાં વધારો થયો છે.જેની સામે ફાયર વિભાગની કામગીરીમાં પણ વધારો થયો છે સાથે સાથે જોખમ વધ્યા છે.તેમ છતાં મ્યુનિસિપલ ફાયરબ્રિગેડ ખાતામાં ફરજ બજાવતાં કર્મચારીઓ આગ, અકસ્માત કે કુદરતી હોનારતના સમયે રાત-દિવસ જોયાં વિના જાનમાલના જોખમે કામગીરી કરતાં હોય છે

શહેરના નાગરીકોને આગ, અકસ્માત, ડૂબવાના કે કુદરતી આપતિ જેવી કે ભૂકંપ, પૂર જેવા વિવિધ કપરા સંજોગોમાં સેવા આપનાર – આપણા જાનમાલની સલામતી રાખનાર ફાયરબ્રિગેડના કર્મચારીઓ ફરજ દરમ્યાન જો મૃત્યુ થાય તો ફાયરબ્રિગેડના જવાનો માટે કોઇ પણ પ્રકારનો અકસ્માત વીમો મ્યુનિ.કોર્પો.દ્વારા લેવામાં આવતો નથી જે સત્તાધીશો તથા તંત્ર માટે શરમજનક બાબત છે.

ફરજ દરમ્યાન મરણ થવા બાબતનો રેશીયો ૧% પણ નથી ફાયર કર્મચારીના મૃત્યુ બાદ કુટંબીજનોના આર્થિક હીત જોખમાય નહી તે માટે હાલના મોંધવારીના સમયમાં તેઓનો અકસ્માત વીમો અનિવાર્ય છે. મંગળવારે અનિલ પરમાર નામના ફાયરમેન જેની ઉંમર ૪૧ વર્ષ હતી તેઓને તેમની પત્ની તથા બે બાળકો પણ છે તેઓ આગના કોલની કામગીરી દરમ્યાન વીજ કરંટ લાગતાં મૃત્યુ થયુછે.

તેઓને મ્યુ.કોર્પો. દ્વારા અકસ્માત વીમો નહી લીધો હોવાના કારણે તેઓના કુંટુબીજનોની આર્થિક પરિસ્થિતિ જોખમાય તેમ છે તેથી મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્‌વારા તેમના પરિવારના ભરણપોષણ તથા બાળકોના ભણતર માટે પુરતી આર્થિક સહાય ચૂકવવી જોઇએ. દેશના અન્ય શહેરોમાં ફાયરમેનોનો અકસ્માત વીમો લેવામાં આવે છે જ્યારે અમદાવાદ શહેર મેગા સીટી હોવા છતાં મ્યુનિ.કોર્પો.દ્વારા ફાયરમેનોનો અકસ્માત વીમો લેવામાં આવ્યો નથી.

ફાયર વિભાગના કર્મચારીઓએ પોતાના ખિસ્સામાંથી પ્રીમિયમ ભરીને રૂ.૨૫ હજારનો વીમો લીધો છે. આ ઉપરાંત અકસ્માતે મૃત્યુ થયું હોવાથી તંત્ર તરફથી માત્ર રૂ.૧.૫૦ લાખ આપવામાં આવી શકે છે. જે સત્તાધીશો માટે શરમજનક બાબત છે. હાલના મોંધવારીના કપરા સમયમાં અને માનવતાના ધોરણને ધ્યાનમાં રાખી ફાયર વિભાગના મૃતક કર્મચારી અનિલ પરમારના કુંટુબીજનોને રૂ. ૧.૦૦ કરોડની આર્થિક સહાય ચૂકવવા તેમજ અમદાવાદ મ્યુનિ.કોર્પો.દ્વારા તમામ ફાયર કર્મચારીઓનો વીમો લેવા માટે તાકીદે કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.