Western Times News

Gujarati News

શહેરોમાં પ્રોપર્ટીના વધતા ભાવ વચ્ચે ડિમાન્ડમાં ઘટાડો

૧૩ મોટા શહેરોમાં ભાવ વધ્યા તાજેતરના એક રિપોર્ટ અનુસાર દેશના મોટા શહેરોમાં પ્રોપર્ટીના ભાવમાં છેલ્લા એક વર્ષમાં લગભગ ૧૯ ટકાનો વધારો થયો

નવી દિલ્હી, હાલ દેશના અનેક શહેરોમાં પ્રોપર્ટીના વધતાં ભાવ વચ્ચે એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, તમારું પોતાનું ઘર અથવા મિલકત ખરીદવું દરેક પસાર થતા દિવસ સાથે મુશ્કેલ બની રહ્યું છે. તેનું કારણ એ છે કે દેશભરમાં પ્રોપર્ટીના ભાવમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરના એક રિપોર્ટ અનુસાર દેશના મોટા શહેરોમાં પ્રોપર્ટીના ભાવમાં છેલ્લા એક વર્ષમાં લગભગ ૧૯ ટકાનો વધારો થયો છે.

મેજિકબ્રિક્સ પ્રોપઇન્ડેક્સ રિપોર્ટની આ આવૃત્તિ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૩ સુધીના ત્રણ મહિના માટે છે. રિપોર્ટ અનુસાર ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન દેશના ૧૩ મોટા શહેરોમાં પ્રોપર્ટીના ભાવ વાર્ષિક ધોરણે ૧૮.૮ ટકા વધ્યા છે. આનો અર્થ એ થયો કે ડિસેમ્બર ૨૦૨૨ ક્વાર્ટરની સરખામણીમાં ડિસેમ્બર ૨૦૨૩ ક્વાર્ટરમાં કિંમતોમાં ૧૮.૮ ટકાનો વધારો થયો છે.

ત્રિમાસિક ધોરણે પ્રોપર્ટીના ભાવમાં ૩.૯૭ ટકાનો વધારો થયો છે.આ રિપોર્ટ અનુસાર ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન દેશના મોટા શહેરોમાં ગુરુગ્રામમાં કિંમતોમાં સૌથી વધુ વધારો થયો છે. ગુરુગ્રામમાં એક વર્ષમાં પ્રોપર્ટીના ભાવમાં ૩૨.૧ ટકાનો વધારો થયો છે. ગ્રેટર નોઈડા ૩૧ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે બીજા સ્થાને છે અને નોઈડા ૨૬.૧ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે ત્રીજા સ્થાને છે. આ સમયગાળા દરમિયાન હૈદરાબાદમાં પ્રોપર્ટીના ભાવમાં વાર્ષિક ધોરણે ૧૫.૮ ટકાનો વધારો નોંધાયો છે.

જ્યારે ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન કિંમતોમાં જબરદસ્ત વધારો થયો છે, ત્યારે માંગમાં કોઈ સમાંતર વધારો થયો નથી.રિપોર્ટ અનુસાર એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં પ્રોપર્ટીની માંગમાં માત્ર ૨ ટકાનો વધારો થયો છે. ત્રિમાસિક ધોરણે માંગમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. તે મુજબ માંગમાં ૧૬.૯ ટકાનો ઘટાડો થયો છે. માંગમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ભાવમાં થયેલો જંગી વધારો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ત્રીજા ક્વાર્ટર દરમિયાન મોટા શહેરોમાં પ્રોપર્ટીની કિંમતો ઝડપથી વધી હતી, જેના કારણે માંગમાં મોટો ઘટાડો થયો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં રહેણાંક મિલકતનો એકંદર પુરવઠો એક વર્ષ અગાઉની સરખામણીમાં ૧૬.૯ ટકા ઘટ્યો હતો. સપ્લાયમાં વધારો માત્ર મુંબઈ અને હૈદરાબાદમાં નોંધાયો હતો. ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન આ બે શહેરોમાં રહેણાંક મિલકતોના પુરવઠામાં અનુક્રમે ૪.૨ ટકા અને ૦.૪ ટકાનો વધારો થયો છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.