Western Times News

Gujarati News

જમીન કાંડ : બાવળિયા સામે ફરિયાદને હાઇકોર્ટે રદ કરી

અમદાવાદ: ૨૦૦૫ના જમીન કૌભાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે કેબિનેટ કક્ષાના પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળિયાને બહુ મોટી રાહત આપી છે. હાઈકોર્ટે આ સમગ્ર પ્રકરણમાં કુંવરજી બાવળિયા સામેની એફઆઈઆર રદ કરવાનો આદેશ કર્યો છે. આ પહેલા કુંવરજી બાવળિયાએ તેની સામેનો કેસ રદ કરવા માટે હાઇકોર્ટમાં કવોશીંગ પિટિશન કરી હતી. જે અંગે આજે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગૌચરની જમીન પચાવી પાડી હોવાના આરોપ સાથે ૨૦૦૫માં અમરાપુરાના સરપંચે કુંવરજી બાવળિયા સામે ફરિયાદ કરી હતી. આ કેસની વિગત એવી છે કે, જસદણ-વીંછિયા તાલુકાના અમરાપુર ગામના તત્કાલીન સરપંચ સવિતાબેન નાથાલાલ વાસાણીએ અગાઉ તા.૩ જુલાઈ, ૨૦૦૫ના રોજ વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી એવા કુંવરજી બાવળિયાએ તત્કાલીન તલાટી કમ મંત્રી ભૂપતભાઈ ખાચરના મેળાપીપણામાં તા.૨૧ ફેબ્રુઆરી, ૨૦૦૪ના રોજ તેમની (એટલે કે સરપંચ સવિતાબેનના નામે) બનાવટી સહી-સિક્કા કરીને અમરાપુર ગામની સર્વે નં. ૪૧૮ પૈકી ૧૫૪ એકર અને ૧૭ ગુંઠામાંથી ૨૦ એકર ગૌચરની જમીન પોતાના ટ્રસ્ટ સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટમાં સમાવી લીધી હતી.

આ સમગ્ર પ્રકરણમાં બાવળિયાનું નામ સામે આવ્યા બાદ રાજકારણ ભારે ગરમાયું હતું. બાદમાં કુંવરજી બાવળિયાએ ગુજરાત હાઇકોર્ટમાં કવોશીંગ પિટિશન દાખલ કરી એવો બચાવ રજૂ કર્યો હતો કે, અરજદાર વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદના આક્ષેપોમાં કોઇ તથ્ય કે આધાર નથી. અરજદારને બિલકુલ ખોટી રીતે આ કેસમાં સંડોવી દેવાયા છે. અરજદારની સંડોવણી પુરવાર કરતાં કોઇ નક્કર કે પ્રથમદર્શનીય પુરાવા પોલીસને તપાસ દરમ્યાન મળ્યા નથી. ત્યારે અરજદાર વિરૂધ્ધ કરાયેલી એફઆઇઆર ખોટી, ગેરકાયદે અને બદઇરાદાપૂર્વકની હોઇ તેને હાઇકોર્ટે રદબાતલ ઠરાવવી જાઇએ. આ રજૂઆત ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે બાવળિયા વિરૂધ્ધની એફઆઇઆર આજે રદબાતલ કરતો હુકમ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.