Western Times News

Gujarati News

ક્રૂડના ભાવ ૮૦ ડોલરે પહોંચતા પેટ્રોલ-ડિઝલના ભાવમાં રાહતની આશા

નવી દિલ્હી, ભારતમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર મતદારોને મોંઘવારીમાંથી રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરે તેવી શક્યતા છે. સરકાર અત્યારે ફ્યુઅલના ભાવ ઘટાડી શકે તેમ છે કારણ કે ઈન્ટરનેશનલ બજારમાં ક્રૂડના ભાવમાં કડાકો આવ્યો છે. રશિયા -યુક્રેન યુદ્ધના કારણે એક સમયે ૧૧૦ ડોલર નજીક પહોંચી ગયેલો ક્રૂડ ઓઈલનો ભાવ હવે ૮૦ ડોલરથી પણ નીચે આવી ગયો છે.

ચૂંટણી અગાઉ ફીલ ગુડનું વાતાવરણ સર્જવા માટે સરકાર પેટ્રોલ અને ડીઝલનો ભાવ ઘટાડી શકે તેવી સ્થિતિમાં છે કારણ કે હવે ઈન્ટરનેશનલ બજારમાં ક્રૂડના ભાવની ચિંતા નથી. રેટિંગ એજન્સી ઈકરાએ જણાવ્યું કે સરકારી માલિકીની ઓઈલ કંપનીઓના માર્જિનમાં મોટો વધારો થયો છે. ઓઈલ કંપનીઓ એક લિટર પેટ્રોલના વેચાણ પર ૧૧ રૂપિયા નફો કરે છે જ્યારે ડીઝલમાં લિટર દીઠ ૬ રૂપિયા નફો થાય છે.

યુક્રેન વોરના કારણે ક્રૂડનો ભાવ ૧૦૦ ડોલરથી ઉપર ગયો ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઘણા વધી ગયા હતા. ત્યાર પછી મે ૨૦૨૨માં સરકારે રાહત આપીને બંને ફ્યુઅલના ભાવ ઘટાડ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે અને તેમાં કોઈ ફેરફાર કરાયો નથી.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની માંગ ઘટવાના કારણે તેનો ભાવ હવે ૮૦ ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગયો છે. લિબયા અને નોર્વેમાં ક્રૂડના ઉત્પાદનમાં વધારો થયો છે તેથી પશ્ચિમી એશિયાની અશાંતિ વચ્ચે પણ ક્રૂડમાં નરમાઈ છે. ભારત સરકારે દર પખવાડિયે ક્રૂડ ઓઈલના ભાવ પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવાની નીતિ બંધ કરી દીધી ત્યારથી ઓઈલ કંપનીઓને ક્યારેક નફો તો ક્યારેક ખોટ જાય છે.

તેથી અત્યારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર ભારે નફો થતો હોવા છતાં બંને ફ્યુઅલના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી. પરંતુ ચૂંટણી અગાઉ લોકોને ખુશ કરવા માટે ભાવ ઘટી શકે છે. આગામી ત્રણ મહિના પછી ચૂંટણી થશે અને નવી સરકાર આવશે. ત્યાર પછી ક્રૂડના ભાવ પ્રમાણે ફ્યુઅલના ભાવનું ગણિત નક્કી કરવા માટે તેની પાસે ૧૨ મહિનાનો સમય હશે.

ફ્યુઅલ રિટેલરોએ જુલાઈ અને સપ્ટેમ્બર ૨૦૨૩ વચ્ચે નફો કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યાર પછી ઓક્ટોબરથી તેનો નફો વધવા લાગ્યો હતો, પરંતુ તેમણે પંપ પ્રાઈસમાં કોઈ ઘટાડો કર્યો ન હતો. જાેકે, જિયો-બીપી અને નાયરાએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક રૂપિયા પ્રતિ લિટરનો કાપ મૂક્યો હતો.

આમ કરવા પાછળનું કારણ રાજકીય વધારે હતું. તે સમયે ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી અને બ્રોકરેજિસે અંદાજ મૂક્યો હતો કે ૨૦૨૩ના અંત સુધીમાં ઓઈલ માર્કેટ ટાઈટ થશે અને ૨૦૨૪ સુધી ચાલશે. તેથી રિટેલરોને નફો વધારીને એક બફર બનાવવાની છુટ અપાઈ હતી. જેથી જ્યારે ઓઈલના ભાવ વધે ત્યારે તેમણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવો ન પડે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.