Western Times News

Gujarati News

નડિયાદમાં સબસિડીવાળા યુરિયા ખાતરને રિ-પેકિંગ કરીને વેચવાનું કૌભાંડ પકડાયું

પ્રતિકાત્મક

ખાતરના સેમ્પલો પૃથ્થકરણ માટે મોકલાતા નીમ કોટેડ યુરિયા સબસિડી યુક્ત ખાતર હોવાનો પર્દાફાશ થયો

નડિયાદ, નડિયાદના વલેટવા ચોકડી પાસેના ગોડાઉનમાંથી ખેડૂતના હકના સબસીડી યુકત ખાતરને રીપેકિંગ કરી ઉંચા ભાવે વેચવાનું કૌભાંડ વડતાલ પોલીસે ઝડપી પાડયું છે.આ મામલે પોલીસે સલુણ ગામે યુરિયા ખાતરની મંડળીચલાવનાર સહિત ૩ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ખાતરના સેમ્પલો એકત્રિત કરી પૃથ્થકરણ માટે મોકલાતા નીમ કોટેડ યુરિયા સબસીડી યુકત ખાતર હોવાનું બહાર આવ્યું હતું.

વડતાલ પોલીસને બાતમી મળી હતી જેના આધારે ર૧મી જાન્યુઆરીના રોજ વલેટવા ચોકડીથી શ્રીજીપુરા જવાના રોડ ઉપર આવેલ સંકલ્પ ગોડાઉનમાં પોલીસે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને સાથે રાખી ગોડાઉન પર છાપો માર્યો હતો. દરમિયાન પોલીસને ગોડાઉનમાંથી યુરીયા ખાતરની કોથળીઓ નંગ-રપ૦ કિ. રૂ.૬૬,૬૩૩/- તથા યુરીયા ખાતરનો પાવડર ભરેલ પ્લાસ્ટીકની કોથળીઓ નંગ-ર૧ અને ખાલીકોથળીઓ નંગ-૧,૧૩પ તેમજ અન્ય ખાતરની કોથળીઓ મળી આવી હતી.

પોલીસે પુરાવા માંગતા સલમાન મન્સૂરીએ ન આપતા સમગ્ર જથ્થો કબજે કરી તેની અટકાયત કરી હતી. ખેતીવાડીના અધિકારીએ ખાતરના નમુના લઈ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા બાદ પોલીસે સલમાન મન્સુરીની હાથ ધરેલ પુછપરછમાં ગોડાઉન ખાતે ખાતરનો જથ્થો નડિયાદના સલુણ ગામમાં યુરિયા ખાતરની મંડળી ચલાવતો વિપુલ ચૌહાણ લઈને આવતો હતો

જેમાં તેને સારા યુરીયા ખાતરની એક ગુણના રૂ.૩૦પ અને જો લાલ કણ વાળુ ખાતર હોય તો એક ગુણના રૂપિયા ર૯૦ લેખે ચુકવવામાં આવતા હતા. ગોડાઉનમાં તમામ ખાતર ભેગું કરી હર્ષિલ પટેલ મોબાઈલ પર સંપર્ક કરી ચીખલી ખાતે આવેલ વેસ્ટન કંપનીમાં મોકલવામાં આવતું હોવાનો ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે. રિપોર્ટમાં તમામ કોથળીમા ખેતીવાડી વપરાશ માટેનું સબસીડી યુકત નિમ કોટેડ યુરિયા ખાતર હોવાનું પ્રકાશમાં આવ્યું હતું જેથી પોલીસે ત્રણ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.