શહેરોમાં હેલ્મેટનો કાયદો ફરી ફરજીયાત થઇ શકે
અમદાવાદ: ગુજરાતના શહેરોમાં ટુ-વ્હીલર માટે હેલ્મેટ મરજીયાત કરવાના રાજ્ય સરકારના નિર્ણય અંગે ખુલાસો કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ કાયદો થોડા સમય માટે જ મોકૂફ રાખવામાં આવ્યો છે. રોડ સેફ્ટી કાઉન્સિલે રાજ્યના મુખ્ય સચિવ પાસે હેલ્મેટનો કાયદો મરજીયાત કરવા અંગે ખુલાસો માંગ્યો હતો. જેને પગલે મુખ્યમંત્રીએ આજે સ્પષ્ટ કર્યું હતું કે, કાયદો કાઢી નાંખવામાં આવ્યો નથી. સરકારની આ નવી સ્પષ્ટતા બાદ હવે લોકોમાં ફરી એકવાર ઉગ્ર આક્રોશ ફેલાયો હતો.
કારણ કે, હેલ્મેટની ઝંઝટમાંથી લોકોને મુક્તિ મળતાં લોકોમાં ભારે રાહતની લાગણી અનુભવાઇ હતી, ત્યારે હવે ફરી એકવાર તેને લાગુ કરવાની વાત સામે આવતાં લોકોમાં ભારોભાર નારાજગી સામે આવી રહી છે. ગાંધીનગર ખાતેના એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા મુખ્યમંત્રી રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં હેલ્મેટના કાયદા અંગે રોડ સેફ્ટી કાઉન્સિલના પત્ર અંગે સ્પષ્ટતા કરી હતી કે,
કાઉન્સિલનો પત્ર ચીફ સેક્રેટરીને મળ્યો છે. જેનો જવાબ આપવામાં આવશે. પરંતુ હાલમાં જે શહેરી વિસ્તારોમાં હેલ્મેટનો કાયદો મરજીયાત કરવામાં આવ્યો છે તે માત્ર કામ ચલાઉ ધોરણે છે કાયમી નથી. જ્યારે ૧૫ દિવસ પહેલા ગુજરાત સરકારે મહાનગરપાલિકા(મ્યુનિ. કોર્પોરેશન) અને નગરપાલિકા તથા મ્યુનિસિપાલિટીની હદમાં આવતા એટલે કે શહેરી-અર્ધશહેરી વિસ્તારોમાં ટૂ-વ્હીલરચાલક માટે હેલ્મેટ પહેરવું મરજિયાત કર્યું હતું.
ત્યારબાદ શહેરી કે અર્ધ-શહેરી વિસ્તારમાં હેલ્મેટ વિનાના કોઈ પણ ટુ-વ્હીલર ચાલકને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ કરવામાં આવતો નથી. જો કે હાઈવે પર ટુ-વ્હીલરચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજીયાત છે અને તે નિયમનું પાલન નહીં કરનારને દંડ કરવામાં આવી રહ્યો છે.