Western Times News

Gujarati News

દસ્ક્રોઈ તાલુકાના નાઝ ગામે પ્રાકૃતિક કૃષિ મેળો કમ પ્રદર્શન યોજાયું

950 જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ મેળા કમ પ્રદર્શનમાં ભાગ લીધો

ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના ફાયદા,  ખર્ચમાં ઘટાડો, ગુણવત્તા યુક્ત ઉત્પાદન સહિત પ્રાકૃતિક કૃષિ દ્વારા પ્રકૃતિનું જતન અને સ્વસ્થ સમાજનું નિર્માણ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

ધારાસભ્યશ્રી બાબુભાઈ જે. પટેલની ઉપસ્થિતિમાં દસ્ક્રોઈ તાલુકાના નાઝ ગામે પ્રાકૃતિક કૃષિ મેળો કમ પ્રદર્શન યોજાયું હતું. દસ્ક્રોઈના પ્રમુખસ્વામી પ્રાકૃતિક કૃષિ ફાર્મ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અંદાજીત 950 ખેડૂતોએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમમાં જુદા-જુદા કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ, પ્રાકૃતિક કૃષિ સંયોજકો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના ફાયદા, તેના દ્વારા ખર્ચમાં થતો ઘટાડો, ગુણવત્તા યુક્ત ઉત્પાદન, પ્રકૃતિનું જતન અને પ્રાકૃતિક કૃષિ થકી સ્વસ્થ અને તંદુરસ્ત સમાજનું નિર્માણ સહિતના મુદ્દાઓ અંગે તલસ્પર્શી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતુ. સાથે જ, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો તેમજ પ્રાકૃતિક કૃષિમાં પાક સંરક્ષણ બાબતે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી.

પ્રાકૃતિક કૃષિ બાબતે ખેડૂતો અને સંસ્થાઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન સંબંધિત સ્ટોલ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલે ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિના ફાયદા જણાવી પ્રાકૃતિક કૃષિ અપનાવવા તેમજ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ ન કરવા અપીલ કરી હતી.

આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ અપનાવવા અંગે ઉપસ્થિત ખેડૂતોને શપથ લેવડાવામાં આવ્યા હતા તેમજ પ્રાકૃતિક કૃષિ કેલેન્ડર વિતરણ કરવામાં આવ્યું હતુ.

કાર્યક્રમમાં દસ્ક્રોઈના તાલુકા પંચાયત પ્રમુખ,સિંચાઈ સમિતિના ચેરમેન, નાઝ ગામના તાલુકા સદસ્ય, નાઝ ગામના સરપંચ, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર કે.કે.પટેલ, શ્રી અમદાવાદ જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.આઈ.પટેલ  સહિત જિલ્લાના આત્મા,ખેતીવાડી અને બાગાયત સ્ટાફ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.