‘સમાજમાં, પરિવારમાં કે મિત્ર વર્તુળમાં જો કોઈ વ્યસન ધરાવતા હોય તો ટીકા કરવાને બદલે વ્યસન છોડાવવા પ્રયત્ન કરજો’
અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન દ્વારા સાઇલેન્ટ વોરિયર એવોર્ડ્સ સમારંભ AMA ખાતે યોજાયો-ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ
અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન દ્વારા સાઇલેન્ટ વોરિયર એવોર્ડ્સ સમારંભનું આયોજન AMA ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેઓના હસ્તે કેન્સર વોરિયર એવોર્ડ એનાયત કરાયા હતા.
અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન દ્વારા કેન્સર ગ્રસ્ત દર્દીની સારવાર દરમિયાન તેમના સારથિ તરીકે કાર્યરત રહેલ પરિવારજનોને સાઇલેન્ટ વોરિયર એવોર્ડ્સથી સન્માનિત કરવા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જણાવ્યું હતું કે, ગુજરાતના શ્રેષ્ઠ કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા આ ફાઉન્ડેશન ચાલી રહ્યું છે, અને લોકોને સહાયરૂપ બની રહ્યું છે તે અભિનંદનીય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટરોમાં એક અદભુત કળા હોય છે કે, ગમે તેવા રોગથી પીડિત દર્દી તેમની પાસે આવે, ત્યારે ડોક્ટર તેને સ્વસ્થ કરી દેવાનો વિશ્વાસ અપાવતા હોય છે. તેનાથી દર્દીનું અડધું દુઃખ દૂર થઈ જાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમાજમાં, પરિવારમાં કે મિત્ર વર્તુળમાં જો કોઈ તમાકુ, સિગરેટનું વ્યસન કરતું હોય તો તે વ્યક્તિની પાછળથી ટીકા કરવાને બદલે તેને વ્યસન છોડાવવા માટે પ્રયત્ન કરજો અને તેને વ્યસનના દલદલમાંથી બહાર કાઢવાનું કાર્ય કરજો, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે ગુજરાત રાજ્ય પણ ઘણા એવા નાગરિકો જે ડ્રગ્સના દૂષણમાં ફસાઈ ગયા છે, તેમને એમાંથી બહાર કાઢવાનું કાર્ય કરી રહ્યું છે.
આજે કેન્સરગ્રસ્ત દર્દીની સારવાર દરમિયાન સારથિ તરીકે કાર્યરત રહેલ પરિવારજનોનું સન્માન કરવા માટે આયોજન કરાયું તેનો ખૂબ જ આનંદ છે, સંસ્થાના તમામ ડોક્ટર્સ અને સભ્યોને તેમજ દર્દીઓ અને તેમના પરિવારજનોને અભિનંદન પાઠવું છું, અને મને આ કાર્યક્રમમાં આમંત્રિત કરવા બદલ આપ સૌનો આભાર વ્યકત કરું છું, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન સંસ્થાના ડિરેક્ટર ડો. કૌસ્તુભ પટેલ, સંસ્થાના સભ્યો તથા અન્ય ડોક્ટરો, તેમજ સ્વસ્થ થયેલ નાગરિકો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.