Western Times News

Gujarati News

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બાળકોને પોસ્ટર અને પેમ્ફલેટનું વિતરણ કરવા રાખી શકાશે નહિં

election commission for voter id

ચૂંટણી પંચે બહાર પાડેલી કડક ગાઈડલાઈન-ચૂંટણી પ્રચારમાં બાળકોને સામેલ નહીં કરી શકાય

(એજન્સી)નવી દિલ્હી, લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણીપંચે સોમવારે ૫ ફેબ્રુઆરીએ તમામ રાજકીય પક્ષોને ચૂંટણીપ્રચારમાં બાળકોનો કોઈપણ રીતે ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. પક્ષોને મોકલવામાં આવેલી એડવાઈઝરીમાં ચૂંટણી પેનલે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બાળકોને પોસ્ટર અને પેમ્ફલેટનું વિતરણ કરવા, સૂત્રોચ્ચાર કરવા માટે પક્ષો ને ઉમેદવારો પ્રત્યે ઝીરો ટોલરેન્સ જાહેર કરી છે.

કમિશને કહ્યું હતું કે રાજકીય નેતાઓ અને ઉમેદવારોએ ચૂંટણીપ્રચાર દરમિયાન બાળકોને તેડશો નહીં, ગાડીઓમાં પણ લઇ જઈ શકશે નહીં કે પછી રેલીઓમાં પણ સામેલ ન કરે. ચૂંટણીપંચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કવિતા, ગીત, બોલચાલના શબ્દો, રાજકીય પક્ષ અથવા ઉમેદવારના ચૂંટણીચિહ્નનો ઉપયોગ સિવાય અન્ય કોઈપણ રીતે રાજકીય અભિયાનની છાપ ઊભી કરવા બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ લાગુ થશે.

જોકે જો બાળકનાં માતા-પિતા અથવા વાલીઓ રાજકારણીની નજીક હોય અને તેઓ બાળકને પોતાની સાથે લઈ જાય, તો એ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન માનવામાં આવશે નહીં, જોકે તેઓ તેમના પક્ષના ચૂંટણીપ્રચારમાં સામેલ ન હોય. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પણ રાજકીય પક્ષોને સંસદીય ચૂંટણીમાં લોકતાંત્રિક મૂલ્યો જાળવવાની અપીલ કરી છે.

પંચે કહ્યું હતું કે જો કોઈ પક્ષ તેના ચૂંટણી પ્રયાસોમાં બાળકોને સામેલ કરતો જોવા મળશે તો બાળમજૂરી સંબંધિત તમામ કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે કાર્યવાહી કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને રિર્ટનિંગ ઓફિસરને જવાબદારી સોંપવામાં આવી છે. જોકે રાજકીય નેતાની નજીકમાં બાળકની સાથે તેનાં માતા-પિતા અથવા વાલીની હાજરી ચૂંટણીપ્રચાર પ્રવૃત્તિનું નિર્માણ કરતી નથી અને એને આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન ગણવામાં આવશે નહીં.

જો બાળકો પ્રચાર કરતાં પકડાય તો શું પગલાં લેવાશે એની માહિતી આપતાં પંચે કહ્યું હતું કે તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોએ બાળમજૂરી (પ્રતિબંધ અને નિયમન) દ્વારા સંશોધિત અધિનિયમ, ૧૯૮૬નું કડક પાલન કરવું જોઈએ.

માર્ગદર્શિકામાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને ટાંકીને પંચે કહ્યું હતું કે સુધારેલા અધિનિયમ, ૨૦૧૬ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તમામ રાજકીય પક્ષો ચૂંટણીપ્રચારમાં બાળકોને સામેલ ન કરે અને પક્ષો તેમના ઉમેદવારોને આની મંજૂરી ન આપે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.