Western Times News

Gujarati News

૧૫ વર્ષની ઉંમરે ઘરેથી ભાગેલી હિરોઈને સહન કર્યા ઘણા દુઃખ

મુંબઈ, ઘણા સ્ટાર્સ એક્ટર બનવા માટે પોતાનું બધું દાવ પર મૂકી દે છે. કેટલાક તેમની કિંમતી ચીજ વસ્તુઓ વેચી દે છે, તો કેટલાકને તેમના પરિવારને છોડવું પડે છે. ઘણા લોકો તો ફિલ્મી કરિયર બનાવવા માટે પોતાનો અભ્યાસ પણ અધવચ્ચે જ છોડી દે છે.

ઘણા સ્ટ્રગલિંગ કલાકારો તેમના સપના સાકાર કરવા માટે પોતાનું ઘર છોડીને સપનાના શહેર મુંબઈ આવે છે. યશ, શહેનાઝ ગિલ, સોનુ સૂદ અને અન્ય ઘણા કલાકારો છે, જેઓ એક્ટર બનવા માટે ઘરેથી ભાગી ગયા હતા અને આજે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટોપના સ્થાને છે.

આ યાદીમાં પણ એક એવી અભિનેત્રીનું નામ સામેલ છે જેણે ૧૫ વર્ષની વયે ફિલ્મો માટે ઘર છોડી દીધું હતું અને આજે તેનું નામ બોલિવૂડની ટોપની અભિનેત્રીઓમા લેવામાં આવે છે. અહીં અમે કંગના રનૌતની વાત કરી રહ્યા છીએ, જેણે ટોચનું સ્થાન મેળવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે અને તેના અભિનય માટે ઘણાં રાષ્ટ્રીય પુરસ્કારો પણ જીત્યા છે.

કંગના રનૌતે માત્ર ૧૫ વર્ષની ઉંમરે અભિનેત્રી બનવાના સપનાને આગળ વધારવાનું નક્કી કર્યું અને મુંબઈ જવા માટે પોતાનું ઘર છોડી દીધું હતું. જોકે, તેના પિતાએ તેને મદદ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પરંતુ અભિનેત્રીએ ક્યારેય હાર ન માની. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, જ્યારે તે મુંબઈ આવી ત્યારે તેની પાસે રહેવા માટે ઘર ન હતું અને તેને ફૂટપાથ પર સૂવું પડ્યું હતું.

આ સાથે એવું પણ કહ્યું હતુ કે, ‘મારી સફર હજારો માઈલની થઈ ગઈ છે. મેં મુંબઈમાં ફર્સ્ટ ક્લાસમાં યાત્રા નથી કરી. મેં બસ, ટેક્સી અને ટ્રેનમાં મુસાફરી કરી છે અને પગપાળા પણ ઘણું ચાલી છું.

મારી પાસે ઘર ન હોવાથી હું ફૂટપાથ પર સૂતી હતી. હું જાળમાં ફસાઈ ગઈ હતી, જેથી મારે લોકો સામે ફરિયાદ નોંધાવવી પડી. મેં તેની ખરાબ બાજુ જોઈ છે. બીજી તરફ રાષ્ટ્રપતિ દ્વારા મને બે વખત સન્માનિત કરવામાં આવી છે. અભિનેત્રીએ બરખા દત્તના એક બૂક લોન્ચ ઈવેન્ટમાં પણ ખુલાસો કર્યો હતો કે, ૧૭ વર્ષની ઉંમરે તેણીના પિતાની ઉંમરનો બોલિવૂડના એક વ્યક્તિએ તેનું શારીરિક શોષણ કર્યુ હતું.

આ સાથે તેણે એમ પણ કહ્યું કે, ‘તે ખૂબ જ મુશ્કેલ અને ખૂબ જ કઠોર સમય હતો. મારી સાથે શારીરિક દુર્વ્યવહાર કરવામાં આવ્યો. મારે ડીટેલમાં જવાની જરૂર નથી. મને લાગ્યું કે હું ફસાઈ ગઈ છું. તમને લાગે છે કે, લોકો તમને મદદ કરી શકે છે પરંતુ કોઈ મફત લંચ નથી. જોકે, જ્યારે તમે જાઓ છો, ત્યારે તમે તેની જાળમાં ફસાઈ જાઓ છો.

તે ભયાનક ઘટનાને યાદ કરતાં કંગનાએ કહ્યું, ‘જ્યારે હું ૧૭ વર્ષની હતી ત્યારે મારા પિતાની ઉંમરના આ વ્યક્તિએ મારા માથા પર જોરથી માર્યું હતું, જેના કારણે મને લોહી નીકળવા લાગ્યું હતું. મેં મારું ચપ્પલ કાઢીને તેના માથા પર જોરથી માર્યું અને તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું. મેં તે વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધાવી.

તેને સજા ન થઈ હતી. તેને ચેતવણી આપવામાં આવી અને કહ્યું કે મારો પીછો ન કરે. મેં પહેલાં ક્યારેય આવી ચરમ પરિસ્થિતિઓમાં મારી જાતને જોઇ ન હતી. જણાવી દઈએ કે, કંગના રનૌતે અનુરાગ બાસુની ફિલ્મ ગેંગસ્ટરઃ અ લવ સ્ટોરીથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું, જે બોક્સઓફિસ પર સફળ રહી હતી અને તેના અભિનયની પ્રેક્ષકો અને વિવેચકોએ પ્રશંસા કરી હતી.

આ પછી તેણે ઘણી ફ્લોપ ફિલ્મો આપી, પરંતુ બાદમાં તેને ફેશન ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પ્રથમ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો. તેણે રાઝઃ ધ મિસ્ટ્રી કન્ટીન્યુઝ, તનુ વેડ્‌સ મનુ, તનુ વેડ્‌સ મનુ રિટર્ન્સ, ક્વીન જેવી ઘણી હિટ ફિલ્મોમાં અભિનય કર્યો છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.