Western Times News

Gujarati News

રાજ્યનાં કર્મચારીઓએ જૂની પેન્શન યોજના તથા અન્ય પડતર પ્રશ્નો સંદર્ભે આંદોલન કરશે

(પ્રતિનિધિ) સુરત, સમગ્ર રાજ્યમાં બધાં જ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા, રાજ્યમાં ફિક્સ પગારની યોજના મૂળ અસરથી દૂર કરી પૂરા પગારમાં ભરતી કરવા સહિતનાં પડતર પ્રશ્નો સંદર્ભે અનેક રજૂઆતોનાં અંતે તા.૧૬/૯/૨૦૨૨ નાં રોજ પાંચ મંત્રીઓની કમિટિ સાથે બેઠક કરવામાં આવેલ. જેમાં કેટલાંક પ્રશ્નોનો ઉકેલ આપવામાં આવેલ.

સમાધાન મુજબ આજ સુધી કેટલાંક પ્રશ્નોનો ઉકેલ ન મળતાં તા. ૪/૨/૨૦૨૪ નાં રોજ ચાણક્ય ભવન, ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળનાં દરેક જિલ્લાનાં પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. સદર બેઠકમાં તા. ૧૨/૨/૨૦૨૪ સુધીમાં બધાં જ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા તથા સમાધાન મુજબનાં બાકી પડતર પ્રશ્નોનો જો ઉકેલ ન મળે તો તબક્કાવાર આંદોલનાત્મક કાર્યક્રમો આપવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું,

જે આ મુજબ છે. તા.૧૪/૨/૨૦૨૪ અને તા.૧૫/૨/૨૦૨૪ રોજ સમગ્ર રાજ્યનાં કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કચેરી વડાને પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર આપી ફરજ બજાવશે. તા.૧૬/૨/૨૦૨૪ નાં રોજ સમગ્ર રાજ્યમાં કર્મચારીઓ કાળા કપડાં ધારણ કરી ફરજ બજાવશે અને મુખ્યમંત્રીને પડતર પ્રશ્નો અંગે પત્ર પાઠવશે. જ્યારે તા. ૨૩/૨/૨૦૨૪ નાં રોજ ગાંધીનગર ખાતે ધરણાં કાર્યક્રમમાં જોડાશે.

આ આંદોલનાત્મક કાર્યક્રમો સંદર્ભે વધુ વિગત આપતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારશ્રી સાથે થયેલ સમાધાન પૈકી બાકી રહેલાં પ્રશ્નો જેવાંકે તા.૧/૪/૨૦૦૫ પહેલાં ભરતી થયેલાં કર્મચારીઓને ય્ઁહ્લ અને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો, ઝ્રઁહ્લમાં કર્મચારીનાં ૧૦ % ફાળા સામે સરકારશ્રીએ ૧૪ % ફાળો ઉમેરવો,

કેન્દ્રનાં ધોરણે સાતમા પગાર પંચનાં બાકી ભથ્થાં આપવા તેમજ કેન્દ્રનાં ધોરણે મોંઘવારી ભથ્થાનો દર ૨૫ % થાય ત્યારે ઘરભાડા ભથ્થું ૯ %, ૧૮ % અને ૨૭ % તેમજ મોંઘવારી ભથ્થાંનો દર ૫૦ % થાય ત્યારે ઘરભાડા ભથ્થું ૧૦ %, ૨૦ % અને ૩૦ % નાં દરે આપવા બાબતે યોગ્ય ઉકેલ ન મળતાં ના છૂટકે તા. ૪/૨/૨૦૨૪ નાં રોજ મળેલ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો તથા ગુજરાત રાજય કર્મચારી મહામંડળનાં હોદેદારોની મળેલ મિટીંગમાં ઠરાવ્યાનુસાર તા. ૧૪/૨/૨૦૨૪ થી પડતર માંગણીઓનાં પ્રશ્ને સરકારનું ધ્યાન દોરવા તબક્કાવાર આંદોલન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સૂચિત આંદોલનને શિક્ષકોનાં હિતમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ ટેકો-સમર્થન જાહેર કરેલ છે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.