Western Times News

Gujarati News

રિવાજો મહત્વના છે કે સંબંધ? સવાલ એ છે કે આદર્શ પરિસ્થિતિ કઈ છે?

ઘણી દીકરીઓ લગ્ન પછી સાસરાના રિવાજોમાં ઢાંચામાં ઢળી જાય છે અને ઘણી સાસરાનાં રિવાજો સામે મંદ-મંદ યુદ્ધ છેડતી રહે છે.

દરેક દીકરીઓની મમ્મીઓને કાનમાં એટલું જ કહેવું છે કે તમે તમારી દીકરીને પરણાવી દીધી.  હવે એ એના ઘરમાં એની સાસુના રિવાજોને અપનાવે કે પોતાના નવા રિવાજો પાળે?

સવાલ એ છે કે આદર્શ પરિસ્થિતિ કઈ છે? એક પતિએ છૂટાછેડાની અરજી ફાઈલ કરી. પત્નીથી છૂટા પડી જવા માટે એની પાસે ઘણાં કારણો હતા. એમાનું એક કારણ હતું કે પત્ની એ લગ્નના આટલા વર્ષાેમાં ક્યારેય એના માટે કરવા ચૌથનું વ્રત રાખ્યું નહોતું. ‘મારી લાંબી ઉંમર માટે કરવા ચૌથનું વ્રત ન રાખવું એ મારી પત્નીની ક્રૂરતા છે.’

આવું કહેનારા પતિને ફેમિલી કોર્ટે છૂટાછેડા આપી દીધા પણ પત્નીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી. હાઈકોર્ટે બીજાં કારણોને ધ્યાનમાં રાખી છૂટાછેડા મંજૂર રાખ્યા પણ કરવા ચૌથવાળી વાતને લઈ પતિની ઝાટકણી કાઢી. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે કરવા ચૌથનું વ્રત રાખવું કે નહીં એ વ્યક્તિગત બાબત છે. ક્રૂરતા નથી, વ્રત ન રાખવાના કારણસર પતિ-પત્નીને છૂટાછેડા આપી શકે નહીં.

આપણે ત્યાં લગ્નો હજી પણ રિવાજોની બેડી વચ્ચે જકડાયેલા છે. અમારે ત્યાં રિવાજ છે કે મંગળસૂત્ર પહેરાવાય ત્યારે કવર આપવાનું, અમારે ત્યાં છોકવાળાને કવર આપવાનો કોઈ રિવાજ નથી!. અમારે ત્યાં વહુનાં કાનમાં છોકરીને સૌભાગ્યવતી ભાવ કહે ત્યારે છોકરીવાળાએ પાંચ ગિફ્ટ આપવાની! અમારે ત્યાં વરબેડું તો સાળી જ લઈને આવે, સાસુ જમાઈનું નાક ન ખેંચી શકે.

અમારે ત્યાં આવા કોઈ રિવાજ નથી! વગેરે વગેરે જાતભાતના રિવાજોની કાનાફૂસી ચાલતી રહે છે. છોકરીની મમ્મી ગોર-મહારાજના કાનમાં જઈને કહી આવે કે જો હમ્મમ… વિધિ તો અમારા રિવાજ પ્રમાણે જ થવી જોઈએ… દક્ષિણા છોકરી પક્ષેથી મળવાની હોય મહારાજ રિવાજોની પોથી બદલી નાખે અને છોકરાની મમ્મી અમારા રિવાજ પ્રમાણે તો કંઈ નહીં થયું…. નો બળાપો કાઢતી રહે.

લગ્નના માયરામાં રિવાજો મુખ્ય પાત્ર બની જાય અને પછી લગ્ન ટકેલા રહે ત્યાં સુધી છોકરા-છોકરીના પરિવાર વચ્ચે રિવાજોની દોરડા ખેંચ ચાલતી રહે.
દીકરીની મમ્મી પરણેલી દીકરીના ઘરમાં પોતાના રિવાજોનું ભૂત ધુણાવતી રહે અને દીકરીની મમ્મી પોતાના રિવાજોનું ચીરહરણ ન થઈ જાય એ માટે જાતભાતના હથિયારે વાપરતી રહે.

તમને તમારા રિવાજોમાં શ્રદ્ધા હોવી જોઈએ પણ રિવાજોનો ફોર્સ ના હોય શકે. રિવાજોના બોજ તળે ના તો સંબંધને અને ના તો વ્યક્તિને જકડી રાખવી જોઈએ. રિવાજોના અહેસાન તળે સંબંધો ટકાવી શકતા નથી અને રિવાજોના નામે સંબંધો તોડી પણ શકતા નથી.

આપણે ત્યાં રિવાજો એ રિવાજો ન રહેતા મમ્મીઓના ઈગો બની ગયા છે. અમારે ત્યાં તો આવું જ… છોકરા અને છોકરીની મમ્મી ગળું ખોંખારી વારંવાર આવું બોલતી રહે છે અને એમના સગ્ગા દીકરા-દીકરીનું જીવન વોલીબોલની જેમ રિવાજોની વચ્ચે ફંગોળાતું રહે છે.

મને લાગે છે કે રિવાજોનું આ યુદ્ધ બંધ કરી દેવું જોઈે કારણ કે લગ્નમાં રિવાજ નહીં પણ પ્રેમ મહત્વનો છે. રિવાજ નહીં પણ કમિટમેન્ટ અગત્યનું છે. રિવાજ નહીં પણ સમજણ જરૂરી છે. એક દીકરીએ લવ મેરેજ કર્યા. એના લગ્ન થયા ત્યારે એની બહેનપણીએ એને પૂછેલું કે તારા સાસરે માથે ઓઢવાનો રિવાજ છે. તારાથી પળાશે? પેલી છોકરીએ પ્રેમ માટે કંઈ પણ… એવું કહી લગ્ન તો કરી લીધા પણ લગ્ન કર્યા પછી માથે ઓઢળાના રિવાજ સામે બળવો પોકાર્યાે. વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ! સુરતની ફેમિલી કોર્ટમાં એક છોકરીએ છૂટાછેડા પાછા ખેંચી લેવા શર્ત મૂકી કે હું એ ઘરનાં રિવાજો નહીં પાળું…!

ઘણી દીકરીઓ લગ્ન પછી સાસરાના રિવાજોના ઢાંચામાં ઢળી જાય છે અને ઘણી દીકરીઓ સાસરાનાં રિવાજો સામે મંદ-મંદ યુદ્ધ છેડતી રહે છે. સવાલ એ છે કે આદર્શ પરિસ્થિતિ કઈ છે? રિવાજોના મામલામાં છોકરીઓએ શું કરવું જોઈએ? પિયરનાં રિવાજોની ધરોહરને આગળ ધપાવવી જોઈએ કે સાસરાનાં રિવાજોને સન્માન આપવું જોઈએ.

હું એવું માનું છું કે તમે જ્યાં પરણીને જાઓ ત્યાંના રિવાજોને સન્માન આપવું જોઈએ. જાજે છોકરી પરણીને છોકરાના ઘરે જાય તો છોકરાના ઘરના રિવાજોને સન્માન મળવું જોઈએ અને છોકરો પરણીને છોકરીના ઘરે જાય તો છોકરીના ઘરનાં રિવાજોને સન્માન મળવું જોઈએ.

જો તમે છોકરાનું ગૌત્ર, છોકરાનું નામ, છોકરાની અટકને અપનાવતા હો તો એના રિવાજોને શું કામ ન આપનાવવા જોઈએ?
રિવાજો એ કોઈ કાયદા-કાનૂન નથી. રિવાજો એ એકબીજાને સન્માન આપવાનો એક જરીયો છે. રિવાજોથીલગ્ન નથી ટક્યા પણ લગ્નથી રિવાજો ટક્યા છે. રિવાજોના

મામલે મમ્મીઓની જવાબદારી વધી જાય છે. રિવાજોને મહત્વ આપવા કરતાં સમજણને-પ્રેમને-વ્યક્તિને અને પરિવારને મહત્વ આપો. તમારા રિવાજો નહીં પળાય તો કશું ખાટું માળું નથી થઈ જતું. તમારું માન-તમારું સચવાય છે કે નહીં એ મહત્વનું છે.

જ્યારે પણ તમે ઢીકણી-ફલાણી વિધિમાં તમારા રિવાજો પળાય એવો આગ્રહ રાખો. જીદ કરો ત્યારે એક વાત ખાસ વિચારજો કે તમારા રિવાજ એ રિવાજ તો બીજાના રિવાજ એ રિવાજ નહીં?

રિવાજનાં મામલે જ્યારે યુદ્ધ થાય ત્યારે આદર્શ પરિસ્થિતિ એ છે કે બંનેના રિવાજ પળાય. એકજ વિધિ બેઉ રીતે થાય… એકવાર એમના રિવાજો પ્રમાણે, એકવાર તમારા રિવાજ પ્રમાણે, જેમના માટે રિવાજો મહત્વના હશે એ એક જ વિધિ બેઉ રિવાજ પ્રમાણે કરવા તૈયાર થઈ જશે પણ જેમના માટે રિવાજ એ જીદ હશે, ઈગો હસે એ પોતાના જ રિવાજોની પિપૂડી વગાડ્યા કરશે.

તમારા માટે લગ્ન શું છે? રિવાજ કે પ્રેમ? રિવાજ કે સમજણ? રિવાજ કે કમિટમેન્ટ? રિવાજ કે પરિવાર? મારે દરેક દીકરીઓને એક વાત કહેવી છે કે તમારી સાસુના રિવાજો પ્રમાણે વર્તશો તો આભ નહીં તૂટી પડે. દરેક સાસુઓને એક અપીલ કરવી છે કે તમારા રિવાજોમાં થોડી બાંધછોડ કરશો તો જમીન રસાતાળ નહીં થઈ જાય અને દરેક દીકરીઓની મમ્મીઓને કાનમાં એટલું જ કહેવું છે કે તમે તમારી દીકરીને પરણાવી દીધી.  હવે એ એના ઘરમાં એની સાસુના રિવાજોને અપનાવે કે પોતાના નવા રિવાજો પડે. તમને કેટલા ટકા? હું રિવાજોનો વિરોધ નથી કરતી પણ મને રિવાજો માટેના જીદ્દી વલણ સામે ચોક્કસ જ વાંધો છે. વંશવેલો રિવાજોથી આગળ વધતો નથી… આ વાત સોનાનાં અક્ષરે મઢાવી લેજો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.