BAPS અબુધાબી: ‘ફેસ્ટિવલ ઓફ હાર્મની’ અંતર્ગત યજ્ઞનું આયોજન
અબુધાબીના BAPS મંદિરમાં વિશ્વ સંવાદિતા યજ્ઞમાં હજારો ભક્તો જોડાયા
૧૧ ફેબ્રુઆરીના રોજ પ્રાતઃ કાળે સમગ્ર વિશ્વમાં સંવાદિતા અને શાંતિ સ્થપાય તેવા શુભ સંકલ્પો સાથે ૯૮૦ કરતાં વધુ ભક્તો, ભાવિકો વૈદિક ‘વિશ્વ સંવાદિતા યજ્ઞ’માં જોડાયા હતા.
BAPS હિન્દુ મંદિર, અબુધાબીના ૧૪ ફેબ્રુઆરીના રોજ થનાર ઐતિહાસિક ઉદ્દઘાટન નિમિત્તે આયોજિત પ્રેરણાદાયી કાર્યક્રમોની વિશિષ્ટ શૃંખલા ‘ફેસ્ટિવલ ઓફ હાર્મની’ અંતર્ગત આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભક્તો-ભાવિકો આજના યજ્ઞ વિધિ પ્રસંગે યજમાન પદે માંગલિક વસ્ત્રોમાં સજ્જ થયા હતા. ભારતથી પધારેલા સાત નિષ્ણાત પૂજારીઓએ આ યજ્ઞમાં પ્રાચીન વૈદિક વિધિ વિધાન દ્વારા સર્વે યજમાનોને આહુતિ અને વેદમંત્રો દ્વારા પવિત્ર વિચારો અને સદગુણી જીવન માટે પ્રતિબદ્ધ કર્યા હતા. પૂજારીઓની સાથે સાથે ૨૦૦ જેટલાં સ્વયંસેવકો યજ્ઞવિધિનું સંચાલન કરવામાં સહભાગી થયા હતા.