Western Times News

Gujarati News

GTU અને સુરત મ્યુનિ. ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન દ્વારા બાયોમેડિકલ સંશોધન માટે MOU થયા

બાયોમેડિકલમાં ઉંડા સંશોધન અને પ્રગતિ માટે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી અને સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (SMIMER) વચ્ચે તાજેતરમાં એક ‘મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ’ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

બે પ્રતિષ્ઠિત સંસ્થાઓ વચ્ચે સાધવામાં આવેલ આ સહયોગનો મુખ્ય ઉદ્દેશ  બાયોમેડિકલ સંશોધનને મજબૂત કરવાનો અને બાયોમેડિકલ ક્ષેત્રના  વિકાસમાં યોગદાન આપવાનો છે.

આ પ્રસંગે ઉપસ્થિત જી.ટી.યુ.ના કુલસચિવ રજીસ્ટ્રાર ડો. કે.એન.ખેરે આ સહયોગ અંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,”આ ભાગીદારી બંને સંસ્થાઓ માટે મહત્ત્વની ક્ષણ છે. જી.ટી.યુ.અને એસ.એમ.આઇ.એમ.ઈ.આર.ની કુશળતા અને સંસાધનોને  સુયોજિત ભાગીદારીથી ઉપયોગ કરીને સામાજિક સ્વાસ્થ્ય અને આરોગ્ય સેવાના ક્ષેત્રમાં ઉપસ્થિત થતાં પ્રશ્નોનું સમાધાન શોધવું એ આ કરારનું મુખ્ય લક્ષ રહેશે.

“એસ.એમ. આઈ. એમ.ઈ.આર.ના ડીન ડો. દીપક હોવલેએ આરોગ્ય સંભાળ અને વૈજ્ઞાનિક પ્રગતિ પર પડનારી સંભવિત અસર પર ભાર મૂકતા કહ્યું હતું કે,”શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન કેન્દ્રો વચ્ચેની ભાગીદારી પ્રગતિ માટે જરૂરી છે. આ એમ.ઓ.યુ.થી સંયુક્ત સંશોધન, કાર્યક્રમો, તજજ્ઞો અને જ્ઞાનના આદાન-પ્રદાનનો માર્ગ મોકળો થશે જે ફક્ત અમારી સંસ્થાઓને જ નહીં, પરંતુ વ્યાપક વૈજ્ઞાનિક સમુદાયને પણ લાભ કરશે.”

બે પ્રતિષ્ઠિત સંસ્થાઓ વચ્ચે થયેલ સકારાત્મક ભાગીદારીથી બાયોમેડિકલ સંશોધનને સરળ બનાવવામાં, અદ્યતન તકનીકોના વિકાસને પ્રોત્સાહન આપવામાં અને વિદ્યાર્થીઓ તથા સંશોધકો માટે આ એમ.ઓ.યુ. એક સુંદર પ્લેટફોર્મ બનશે એવી અપેક્ષા શૈક્ષણિક અને વૈજ્ઞાનિક વર્તુળોમાં સેવાઈ રહી છે. બંને સંસ્થાઓને એવો પણ વિશ્વાસ છે કે આ સહયોગ બાયો મેડિકલ રિસર્ચના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.