Western Times News

Gujarati News

GST વિભાગે બોગસ બિલિંગ કૌભાંડ: 14 કરોડથી વધુની કરચોરી પકડી

(એજન્સી)અમદાવાદ, સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ દ્વારા થતી કરચોરીના કેસોમાં કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત જીએસટી વિભાગે બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને ૧૪ કરોડથી વધુની કરચોરી પકડી પાડી છે. મામલમાં જામનગરના દિપેન ચંપકલાલ શાહ તથા સ્મિત દિપેન શાહની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય અને રાજય બહારની બોગસ પેઢીઓ પાસેથી ખોટી વેરાશાખ મેળવી ભરવાપાત્ર વેરાની રકમ સામે વેરાશાખ મજરે મેળવી ખૂબ ઓછો વેરો સરકારી તિજોરીમાં જમા કરાવી સરકારની મોટી રકમનું નાણાકીય નુકસાન પહોંચાડવામાં આવે છે. વિભાગ દ્વારા ઉંડાણપૂર્વક તપાસો હાથ ધરી ઘણી બધી પેઢીઓ શોધી કાઢી છે.

આવી પેઢીઓ ઓપરેટ કરતાં ઓપરેટરોને શોધી તેઓની સામે ધરપકડ સહિતની કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગના માધ્યમથી ખોટી વેરાશાખનો દાવો કરતાં હોય તેવા જામનગર ખાતેના બ્રાસની કોમોડિટી સાથે સંકળાયેલા બે એકમો પર સર્ચ અને સિઝરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ એકમો દ્વારા બોગસ પેઢીઓ પાસેથી ખરીદીઓ દર્શાવી ખોટી વેરાશાખ મેળવી ભરવાપાત્ર વેરા સામે વેરાશાખ મજરે મેળવી ખૂબ ઓછો વેરો સરકારી તિજોરીમાં જમા કરાવી સરકારની આવકને નુકસાન પહોંચાડયું છે. આ બે એકમો દ્વારા બોગસ બિલો આધારિત રૂ. ૭૮.૫૦ કરોડની ખરીદીઓ દર્શાવી રૂ. ૧૪.૧૨ કરોડની ન મળવાપાત્ર હોય તેવી વેરાશાખ ભોગવેલ છે.

ખોટી વેરાશાખ ભોગવવી જીએસટી કાયદાની કલમ-૧૩૨(૧)(સી) હેઠળ ગુનો બનતો હોઈ વિભાગ દ્વારા બે કેસોમાં આ પેઢીઓના માલિકોની સ્પષ્ટ સંડોવણી જણાતા શ્રી લીબર્ટી પ્રોડકટ્‌સ પ્લોટ નં.૪૬૪/૨૯ જીઆઈડીસી, શંકર ટેકરી, જામનગરના માલિક સ્મિત દિપેન શાહની ધરપકડ જ્યારે વોલ્ટ મેટલ ઈન્ડસ્ટ્રીઝ પ્લોટ નં.૬૪૬/૨૯/૩૦/૩૧ જીઆઈડીસી, શંકર ટેકરી, જામનગરના માલિક દિપેન ચંપકલાલ શાહ જામનગર ખાતેથી ધરપકડ કરી છે. આ બન્નેને ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સમક્ષ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.