Western Times News

Gujarati News

અમદાવાદના સુએઝના શુદ્ધિકરણ થયેલા પાણીની સિંચાઈ યોજનાનો પ્રારંભ 

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી શનિવારે સવારે અમદાવાદ શહેર પાસે વાસણા બેરેજમાંથી ફતેવાડી કેનાલમાં સુએઝના શુદ્ધિકરણ થયેલા પાણીનો પુન: ઉપયોગની સિંચાઈ સુવિધા યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. 

ફતેવાડી કેનાલમાં સાબરમતીના નીચાણવાળા ભાગમાં આવેલા દસક્રોઈ, સાણંદ, બાવળા અને ધોળકા તાલુકાના ગામને સિંચાઈ માટે પાણી પુરું પાડવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી સરદાર સરોવર બંધમાં ઓછી આવક થવાના કારણે ફતેવાડી કમાન્ડ વિસ્તારમાં સિંચાઈનું પૂરતું પાણી આપી શકાતું નહોતું.

ખેડૂત આગેવાનોની રજૂઆત ધ્યાને લઈ હવે આ યોજનાથી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું શુદ્ધિકરણ થયેલું પાણી સિંચાઈ માટે ખેડૂતોને પૂરતાં પ્રમાણમાં આપી શકાશે.  આ યોજનાથી ખરીફ અને રવિ સિઝન બંને મળી અંદાજે 12 હજાર હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપ્લબ્ધ બનશે. આ યોજના રૂ. 100 લાખના ખર્ચે આકાર પામી છે.

આ યોજનાથી દર વર્ષે કૃષિ આવકમાં અંદાજે રુ. 80 કરોડનો વધારો થશે. નર્મદા યોજનાના પાણીની નિર્ભરતામાં પણ ઘણા અંશે ઘટાડો થશે. આ ઉપરાંત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના શુદ્ધિકરણ થયેલા પાણીના નિકાલનો પ્રશ્ન પણ હલ થશે.  વાસણા બેરેજની કુલ સંગ્રહ-ક્ષમતા 189 મિલિયન ઘનફૂટ છે, પરંતુ આ યોજનાથી છવ્વીસ વાર વાસણા બેરેજ ભરી શકાય તેટલું શુદ્ધિકરણ થયેલું પાણી સિંચાઈ માટે ઉપલબ્ધ થશે.  રાજ્ય સરકારની રિયુઝ ઓફ વેસ્ટ વોટર પોલીસી અંતર્ગત ટ્રીટમેન્ટ પ્લાન્ટના શુદ્ધ કરેલા પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરવા માટેની આ નવી એક પહેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.