Western Times News

Gujarati News

અબુધાબી BAPS મંદિર સમગ્ર વિશ્વ માટે સાંપ્રદાયિક એકતા અને સૌહાર્દનું ઉદાહરણ બનશે

“UAEની ધરતીએ માનવ ઇતિહાસનો સ્વર્ણિમ અધ્યાય લખ્યો છે..”

સનાતન હિન્દુ આધ્યાત્મિકતા અને સ્થાપત્યના અભૂતપૂર્વ સંગમ અને વૈશ્વિક સંવાદિતાના પ્રતીક સમા BAPS હિન્દુ મંદિર, અબુ ધાબીમાં પ્રાણ પ્રતિષ્ઠા અને ભવ્ય લોકાર્પણ સમારોહ સંપન્ન  

મિલેનિયમ મોમેન્ટ: હજારો વર્ષમાં એક વાર..  પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા મિડલ ઇસ્ટમાં સૌપ્રથમ શિખરબધ્ધ હિન્દુ મંદિરના ઉદ્ઘાટનમાં દ્રષ્ટિગોચર થયો પ્રેમ, શાંતિ અને સંવાદિતાનો ચમત્કાર

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, UAEના ટોલરન્સ મિનિસ્ટર શેખ નહયાન અને મહંત સ્વામી મહારાજને સ્ટેન્ડિંગ ઓવેશન દ્વારા સૌએ વધાવી લીધા

આજે અબુ ધાબીના BAPS હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણનો અવસર સમગ્ર વિશ્વ માટે ઐતિહાસિક બની રહ્યો. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના 5 એપ્રિલ, 1997 માં કરેલ સંકલ્પ અનુસાર નિર્મિત પરંપરાગત શૈલીનું આ મંદિર સનાતન હિન્દુ ધર્મના શાંતિ, સંવાદિતા અને એકતાના મૂલ્યોને ઉજાગર કરતું,  સાંસ્કૃતિક અભિવ્યક્તિ, કલા, સ્થાપત્ય અને શિક્ષણનું બેજોડ સ્થાન બની રહેશે.

 

View this post on Instagram

 

A post shared by Western Times (@westerntimesguj)

વસંત પંચમીના પવિત્ર દિવસે સવારે પૂજ્ય મહંત સ્વામી મહારાજે તમામ ગર્ભગૃહોમાં પ્રતિષ્ઠિત મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. BAPS ના વરિષ્ઠ સંતો પણ વિવિધ ખંડોમાં વૈદિક પ્રતિષ્ઠા વિધિમાં જોડાયા હતા. BAPSના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના આજના જન્મોત્સવ નિમિત્તે તેઓના મહાન જીવન અને કાર્યને આ મંદિર રૂપે વધુ એક અંજલિ અર્પણ કરી BAPS ની આધ્યાત્મિક ગુણાતીત ગુરૂપરંપરાની મૂર્તિઓની પણ પ્રતિષ્ઠા અને પૂજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂજ્ય મહંત સ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતાનો સંદેશ ફેલાવતાં આ મંદિર દ્વારા સૌને જીવનમાં શાંતિ, સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ આ મંદિરના નિર્માણ કાર્યના મુખ્ય સૂત્રધાર એવા પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો આ અદભુત મંદિરની સમગ્ર વિશ્વને ભેટ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે એ પણ જણાવ્યું કે આ મંદિર પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સંકલ્પનું પરિણામ છે. તેમણે જણાવ્યું કે યુ. એ.. ઈ. ના શાસકોએ સૌપ્રથમ 2.5 એકર, પછી 5 એકર, 13.5 એકર અને છેલ્લે 27 એકરને મંદિર  ભૂમિ મંદિર માટે દાનમાં આપીને સંવાદિતા અને ઉદારતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ઐતિહાસિક મંદિરની 2015 માં ઘોષણા કરી હતી, તેમજ 11 ફેબ્રુઆરી, 2018 માં મંદિર પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો.

સાંજે, આજના લોકાર્પણ ના ભવ્ય અને દિવ્ય વાતાવરણમાં બી એ પી એસ સંસ્થા વતી મંદિર નિર્માણમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી સમગ્ર નિર્માણ કાર્યના મુખ્ય સૂત્રધાર પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ  વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. પૂ. આનંદસ્વરૂપ સ્વામીએ સંસ્થા વતી પુષ્પહાર દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. મંદિરમાં પ્રવેશ કર્યા બાદ બી એ પી એસ ના આ મંદિરમાં સેવારત સંતો અને ટ્રસ્ટી મંડળના અગ્રણીઓનું અભિવાદન સ્વીકાર્યું હતું. બી એ પી એસ ના આંતરરાષ્ટ્રીય સંયોજક  પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ વડાપ્રધાનનું પુષ્પહાર દ્વારા સ્વાગત કર્યું હતું.

ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મંદિર નિર્માણની ગાથા દર્શાવતો વિશિષ્ટ 4D ઇમર્સિવ શો નિહાળ્યો હતો. ભગવાન પ્રાગટ્યના અને દિવ્ય અવતરણના પ્રતીક રૂપી  ચરણાવિંદ આગળ વડાપ્રધાને પુષ્પ અંજલિ અર્પી હતી. ત્યાર બાદ વડાપ્રધાને દિવ્ય ચક્ષુ અને ગંગા, યમુના, સરસ્વતીના ત્રિવેણી સંગમના દર્શન કર્યા હતા અને કમળની જેમ ખીલી ઉઠેલા મંદિરની પ્રતિકૃતિના દર્શન કર્યા હતા. ત્યાર બાદ ગંગા અને યમુના નદીના જળ ને મંદિર માં નિર્મિત ગંગા, યમુનાની ધારામાં અભિષેક કર્યો હતો.

વડાપ્રધાનશ્રીનું મહંત સ્વામી મહારાજે  પુષ્પહાર દ્વારા સ્વાગત કર્યું હતું, ત્યાર બાદ ડોમ ઓફ હાર્મની માં થઈને વડાપ્રધાન શ્રી સ્વામિનારાયણ ભગવાન – ગુણાતીતાનંદ સ્વામી એટલે કે  અક્ષર પુરુષોત્તમ મહારાજના ખંડમાં પધાર્યા હતા અને મંદિર ના લોકાર્પણ ના સંકલ્પ અને સર્વે ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત અવતારોના  વૈદિક પૂજન વિધિમાં જોડાયા હતા.

ત્યાર બાદ ભવ્ય અને દિવ્ય વૈશ્વિક આરતી માં બી એ પી એસ ના વિશ્વના તમામ મંદિરોમાં એક સાથે મહા આરતી કરવામાં આવી હતી. વડાપ્રધાને વૈશ્વિક મહાઆરતી બાદ સર્વે અવતારોના ગર્ભગૃહમાં – ભગવાન રાધા કૃષ્ણ, ભગવાન જગન્નાથ, ભગવાન તિરુપતિ બાલાજી, ભગવાન અયપ્પા સ્વામી, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી શિવ વગેરેને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિવિધ શિખરોના મંડોવરમાં અદભુત રીતે કોતરેલાં શિવ પુરાણ, ભાગવત પુરાણ, મહાભારત, રામાયણ વગેરેના કથાનકોને વડાપ્રધાને નિહાળ્યા હતા. ત્યાર બાદ અભિષેક મંડપમાં પધારીને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પર તેમણે જલાભિષેક કર્યો હતો.

નાના બાળકોએ તૈયાર કરેલી સ્મૃતિભેટો ને નિહાળી વારાણસીના ગંગા ઘાટના દર્શન કર્યા હતા તથા વસુધૈવ કુટુમ્બકમના સંદેશ પર પ્રતીક કોતરકામ કર્યું હતું. યુ એ ઈ ના ટોલરન્સ મિનિસ્ટર શેખ નાહ્યાં બિન મુબારક  અલ નાહ્યાં દ્વારા અભિવાદન સ્વીકારીને વડા પ્રધાન કાર્યક્રમના મુખ્ય સભાગૃહ માં પધાર્યા હતા. મંચસ્થ મહાનુભાવો અને ઉપસ્થિત આમંત્રિત બંને દેશોના રાષ્ટ્રગાનમાં જોડાયા હતા. બી એ પી એસના સંતોએ બંને દેશોના વડાઓનું સ્વાગત કર્યું હતું. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, યુ. એ. ઇ ના ટોલેરન્સ મિનિસ્ટર મહામહિમ શેખ નહ્યાન બિન મુબારક અલ નહ્યાન, ભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકર,  ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજિત દોવલ સાથે સાથે અનેક અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

લોકાર્પણની સભામાં, બી એ પી એસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂ. ઈશ્વરચરણદાસ સ્વામીએ  જણાવ્યું, “અમે ભારતના વડાપ્રધાનનો ખૂબ આભાર માનીએ છીએ. મંદિરનો અર્થ એ જ છે કે જ્યાં મન સ્થિર થાય અને શાંતિ મળે, તથા શુભ સ્પંદનોની અનુભૂતિ થાય. અહીં સત્સંગ, ભક્તિ થશે, રામ નવમી, જન્માષ્ટમી, શિવરાત્રિ વગેરે ઉત્સવો ખૂબ ભવ્યતાથી ઉજવાશે, સૌને આ મંદિરનો લાભ લેવા આમંત્રણ છે.”

અબૂ ધાબી મંદિર ના નિર્માણ કાર્ય ના મુખ્ય સૂત્રધાર પૂજ્ય બ્રહ્મવિહારીદાસ  સ્વામીએ જણાવ્યું, “પ્રધાનમંત્રીશ્રી આધુનિક ભારતના સ્વપ્ન દૃષ્ટા છે. તેઓનું જીવન અને તેઓનો કરિશ્મા અદભુત છે.  યુ. એ ઇ ના શેખ નાહ્યાનના હૃદયમાં સંવાદિતા માટે વિશિષ્ટ સ્થાન છે. ચંદ્ર યાન પણ એક સમયે સ્વપ્ન હતું. મંગળ યાન પણ એક સમયે સ્વપ્ન હતું. તેમ આ મંદિર પણ એક સમયે સ્વપ્ન સમાન ભાસતું હતું. મંદિર માટે  જ્યારે લાઇસન્સ આપવાનું હતું ત્યારે, સૌ પ્રથમ TH 001 લાઇસન્સ આ માટે આપ્યું. અબૂ ધાબીનું મંદિર સંવાદિતાનું એપી સેન્ટર છે. અહીંના શાસકોની ઉદારતા, અને આપણાં વડાપ્રધાનની સચ્ચાઈ અને મહંત સ્વામી મહારાજની પવિત્રતા, એ મંદિર ની પાછળ કારણભૂત છે.”

મહામહિમ ટોલરન્સ મિનિસ્ટર શેખ મોહમ્મદ બિન મુબારક અલ નહયાને તેઓના સંબોધન માં જણાવ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક મહાન મિત્ર તરીકે આમંત્રિત કરતાં હું આનંદ અનુભવું છું. ભારત અને યુ એ ઈ ના દેશો વચ્ચે મજબૂત મૈત્રીનો મને આનંદ છે. અમને તમારા પર વિશ્વાસ આવ્યો કે તમે ભવિષ્યમાં સદભાવના, શાંતિની દિશામાં યુ એ ઈ ને સમૃદ્ધ કરશો. મહંત સ્વામી મહારાજ વૈશ્વિક આધ્યાત્મિક નેતા છે.

આપ સૌનો ખૂબ આભાર છે કે આપે મને આ કાર્યક્રમમાં નિમંત્રિત કર્યો. મને આશા છે કે આ હિન્દુ મંદિર આજે અને ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરશે. યુ એ ઈ ના રાષ્ટ્ર પતિ શ્રી શેખ નાહ્યાં તરફથી સૌને ખૂબ શુભેચ્છાઓ છે. યુ એ ઈ માં અનેકવિધ દેશોના લોકો શાંતિ અને ભાઈચારાથી રહે છે. તમારા સૌનો ફરી એક વાર આભાર માનું છું, આ મંદિર ને અહીં સાકાર કરવા બદલ.”

વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની આ મંદિરના સર્જન યાત્રામાં ભૂમિકાને વિડિયો દ્વારા બતાવવામાં આવી.  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંબોધનમાં જણાવ્યું,” “આજે યુ એ ઇ ની ધરતીએ માનવીય ઇતિહાસનો એક નવો સ્વર્ણિમ અધ્યાય લખ્યો છે. આજે અબુ ધાબીમાં ભવ્ય અને દિવ્ય મંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે. આમાં વર્ષોની મહેનત લાગી છે, વર્ષો જૂના સપના જોડાયા છે, ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ છે.

પ્રમુખ સ્વામી મહારાજ જ્યાં હશે ત્યાં પ્રસન્નતા અનુભવી રહ્યા હશે. તેમની સાથે મારો એમનો નાતો પિતા પુત્ર નો રહ્યો. જીવનના લાંબા સમય કાલ દરમિયાન એમના આશીર્વાદ મળતા રહ્યા.  આજે હું શિષ્યભાવથી અહીં આવ્યો છું. પ્રમુખ સ્વામી મહારાજનું સપનું આપણે પૂરું કરી શક્યા છે. આ મંદિર સમગ્ર વિશ્વ માટે સાંપ્રદાયિક એકતા અને સૌહાર્દનું ઉદાહરણ બનશે.

મંદિરેમાં સૌથી વધારે ફાળો મારા ભાઈ શેખ મોહમ્મદ બિન ઝાયેદનો છે. તેમણે કરોડો ભારતવાસીઓની ઈચ્છા પૂરી કરી છે. તેમણે 140 કરોડ ભારતીયોના હૃદયને જીતી લીધા છે. ભારત અને યુ એ ઈ ની મિત્રતા એ સમગ્ર વિશ્વ માટે ઉદાહરણ રૂપ છે. મેં જ્યારે જમીન માટે કહ્યું ત્યારે તેમણે તરત જમીન માટે હા પાડી. મંદિરના બે મોડેલ બતાવ્યા, એક સાદું અને બીજું વૈદિક શિખરબદ્ધ, ત્યારે તેમણે સંપૂર્ણ ગૌરવ સાથે શિખરબદ્ધ મંદિર બનાવવા અનુમતિ આપી. મંદિરની ભવ્યતામાં શેખની ઉદારતાની ઝલક છે. અત્યાર સુધી દુબઈ બુર્જ ખલીફા, ગ્રાન્ડ મોસ્ક  વગેરેથી જાણીતું હતું, હવે આ મંદિરથી ઓળખાશે. હું શેખ મોહમ્મદ બિન ઝાએદ, યુ એ ઇ ની સરકારનો અને સ્થાનિક લોકોનો ભારતીયો વતી આભાર માનું છું.

બી એ પી એસ ના સંતો અને હરિભકતોનો આભારી છું. ભગવાન સ્વામિનારાયણની કૃપાનું આ પરિણામ છે અને તેમનો આભાર માનું છું.  આ ભારતનો અમૃત કાલનો સમય છે. ગયા મહિને અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું સદીઓનું સ્વપ્ન પૂરું થયું છે. રામ લલા એમના ભવનમાં વિરાજમાન થયા છે. પ્રત્યેક ભારતીય એ પ્રેમમાં હજી ડૂબેલો છે. હું ભારત માતાનો પૂજારી છું. અયોધ્યા નો આનંદ અબુ ધાબીમાં મંદિર થી અનેક ગણો થઈ ગયો છે.

આપણાં વેદોએ કહ્યું છે, એકમ સત વિપ્રા બહુધા વદન્તિ. એક જ ભગવાનને સૌ અલગ અલગ રીતે પોકારે છે. એટલે જ આપણે બધાનું સ્વાગત કરીએ છીએ, આપણને વિવિધતામાં વેર નથી લાગ્યું, વિવિધતામાં આપણને વિશેષતા દેખાય છે. આ મંદિરમાં પ્રત્યેક પગલે વિવિધતાના દર્શન થાય છે. મંદિરમાં આપણે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કામના કરીને છીએ. આ ભવ્ય, દિવ્ય મંદિરને પૂરી માનવતા ને સમર્પિત કરું છું. પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજને નમન કરું છું. “

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પોતાના આશીર્વચનમાં શાંતિ, પ્રેમ અને સંવાદિતાની ભાવનાને દ્રઢ કરાવી હતી, તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને યુ એ ઈ ના શાસકોનો આભાર માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.