Western Times News

Gujarati News

હવે ડુંગળીની નિકાસ કરી શકાશેઃ પ્રતિબંધ હટાવવામાં આવ્યો

પ્રતિકાત્મક

આ સાથે બાંગ્લાદેશમાં ૫૦,૦૦૦ ટન ડુંગળીની નિકાસને પણ મંજૂરી આપવામાં આવી છે-૩ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે.

(એજન્સી) નવીદિલ્લી, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને તે અંતર્ગત ડુંગળીની નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાની હેઠળની મંત્રીઓની સમિતિએ ડુંગળીની નિકાસને મંજૂરી આપી દીધી છે. દેશમાં ડુંગળીની વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે, સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેની સમયમર્યાદા ૩૧ માર્ચ, ૨૦૨૪ નક્કી કરી હતી,

પરંતુ સમયમર્યાદા પૂરી થાય તે પહેલા જ આ પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મંત્રીઓની સમિતિની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. જો પ્રતિબંધ હટાવવા પાછળના કારણોની વાત કરીએ તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીના સ્ટોકને જોતા સરકારે આ મંજૂરી આપી છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કેન્દ્રીય ગૃહ પ્રધાનને ડુંગળીના ખેડૂતોની સ્થિતિ વિશે માહિતી આપી હતી, ત્યારબાદ ચર્ચા કર્યા પછી પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉના ઘણા અહેવાલોમાં, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે કેન્દ્ર સરકાર ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરવાની યોજના બનાવી રહી છે. આનું મુખ્ય કારણ ડુંગળી ઉત્પાદક વિસ્તારોમાં ડુંગળી અને અન્ય શાકભાજીના ભાવમાં ઘટાડો હોવાનું કહેવાય છે. હવે કેન્દ્રીય મંત્રીઓની સમિતિએ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે અને ૩ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે.

આ સાથે બાંગ્લાદેશમાં ૫૦,૦૦૦ ટન ડુંગળીની નિકાસને પણ મંજૂરી આપવામાં આવી છે. ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો અને આસમાની કિંમતોને કારણે કેન્દ્ર સરકારે ૮ ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા આ સંબંધમાં જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રતિબંધ ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધી લાદવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.