Western Times News

Gujarati News

સરકારી વકીલને KYC અપડેટ કરવાના બહાને છેતરી ગઠિયાએ 21 લાખનો ચુનો લગાવ્યો

પ્રતિકાત્મક

ફાઈલ ડાઉનલોડ કરાવી બેંક એકાઉન્ટ ખાલી કરી નાખ્યું, ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો

ગાંધીનગર, KYC અપડેટ કરવાના બહાને ગઠિયો અમદાવાદ ગ્રામ્ય કોર્ટના સરકારી વકીલને છેતરી રૂ.ર૧ લાખ લઈ ગયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અજાણી ફાઈલ ડાઉનલોડ કરાવી ગઠિયાએ બેંક એકાઉન્ટ ખાલી કરી નાખ્યું હોવા અંગે ફરિયાદના આધારે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના ઝુંડાલ ખાતેના બંગ્લોઝમાં પરિવાર સાથે રહેતા અરવિંદકુમાર નાયક અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે આસી. પબ્લીક પ્રોસીક્યુટર તરીકે ફરજ બજાવે છે. તેમના મોબાઈલ ઉપર ત્રણ માસ અગાઉ આઈસીઆઈસીઆઈ બેંક કસ્ટમર કેરમાંથી બોલતો હોવાનું કહી અજાણ્યા ઈસમે ફોન કરી બેંક ખાતાનું કેવાયસી અપડેટ કરાવવાની વાત કરી હતી તે પછી તેણે આઈસીઆઈસી-બેંક.એપીકે (ICICI.apk) નામની લિંક મોકલી તેમાં માગ્યા મુજબની માહિતી ભરવા કહ્યું હતું.

જે એપીકે ફાઈલ રાત્રીના આશરે ૧૧ વાગે અરવિંદકુમારે પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી પાનકાર્ડ, બેન્ક ખાતા તેમજ ડેબિટ કાર્ડની વિગતો ભરી દીધી હતી.

આ બધી વિગતો ભર્યા બાદ બીજા દિવસે સવારના આશરે ૯ વાગે તેમના મોબાઈલમાં ખાતામાંથી પૈસા કપાઈ ગયા હોવાનો મેસેજ આવ્યો હતો. તે જોઈને ચોંકી ગયેલા અરવિંદકુમાર ચાંદખેડા ખાતેની બેંકમાં પહોંચી ગયા હતા અને પોતાના એકાઉન્ટનું સ્ટેટમેન્ટ કઢાવી વિગતવાર ચેક કરતા કોઈ અજાણ્યા શખસે રૂ.૯,૮ર,૩૦૦ની પર્સનલ લોન કરાવી હોવાનું જણાયું હતું પરંતુ પૈસા તેમના એકાઉન્ટમાં જમા બતાવતા ન હતા તેમાંથી ૪,૯૯,૯૧૭ તેમજ ૪,૯૯,૯૦૦ એમ બે અલગ અલગ ડેબિટ ટ્રાન્ઝેકશન થયા હોવાનું પણ જણાઈ આવ્યું હતું.

દરમિયાન આ પ્રમાણે તેમના ખાતાની કુલ રૂ.પ,૬૭ લાખની એફડી તોડી પૈસા ટ્રાન્ફસર થયા હતા. ઉપરાંત બીજા પ.૮ લાખ પણ ટ્રાન્સફર થયાની સાથે ક્રેડિટ કાર્ડમાંથી પણ કુલ ર૦ હજાર ડેબિટ થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. આખરે બનાવ અંગે સરકારી વકીલ અરવિંદકુમારે સાયબર ક્રાઈમમાં ઓનલાઈન ફરિયાદ કરી હતી જે અન્વયે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.