Western Times News

Gujarati News

દુષ્કૃત્યના વિરોધમાં ગ્રામજનોએ સંપૂર્ણ ગામ બંધ કરી રેલી કાઢી પોલીસ સ્ટેશન પહોંચ્યા

દાંતા તાલુકાના હડાદ ગામે કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરાતાં ભારે રોષ-અન્ય સમાજના યુવાનોએ કરેલા દુષ્કૃત્યના વિરોધમાં ગામ બંધ રાખ્યું

અંબાજી, દાંતા તાલુકાના હડાદ ગામે એક કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા મામલો ગરમાયો છે અન્ય સમાજના કેટલાક યુવાનોએ કિશોર પર આ કૃત્ય આચર્યું હતું જેને લઈને હડાદ ગામમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ સંપૂર્ણ ગામ બંધ કરી રેલી કાઢી પોલીસ સ્ટેશન પહોચ્યા હતા અને પોલીસ તંત્ર ઉપર આક્રોશ ઠાલવ્યો હતો.

હડાદ તાલુકામાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સામે આવતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. ગત મોડી સાંજથી ગ્રામજનો આ અંગેની ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશન પહોચ્યા હતા અને સંતોષપૂર્વક જવાબ ના મળતાં તેઓ સવારમાં રેલી સ્વરૂપે આ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ લેવા માટે સુત્રોચ્ચાર કર્યા હતા. ગત મોડી સાંજે ઘટનાને લઈ હડાદના ગ્રામજનો સહિત પંથક અને હિન્દુ સમાજમાં ભારે આક્રોશની લાગણી ફેલાઈ હતી

અને આ ઘટનામાં કથિત સંડોવાયેલા નરાધમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા હડાદ પોલીસે ચોકીએ પહોચ્યા હતા. જોકે ૧૦થી ૧ર કલાક વીતવા છતાં પોલીસે કોઈ સંતોષજનક કાર્યવાહી ન કરતા આક્રોશ બેવડાયો હતો અને સમગ્ર ગામના રોજગાર ધંધા સજજડ બંધ પાળી લોકોના ટોળાં મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પોલીસ મથકે પહોંચી અને વિરોધ પ્રદર્શિત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

મળતી માહિતી અનુસાર લઘુમતી સમાજના કેટલાક યુવાનોએ આ કિશોરને પહેલા અભદ્ર ચિત્રો બતાવ્યા અને ત્યારબાદ તેની સાથે આ કૃત્ય કર્યું હતું. આ ઘટનાની જાણ લઘુમતિ સમાજના લોકોને થતાં તેઓ પણ હડાદ પોલીસ સ્ટેશને આવ્યા હતા અને આ કૃત્યનો વિરોધ કર્યો હતો તેમણે કહ્યું હતું કે, આ નરાધમોએ જે કૃત્ય કર્યું છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.