Western Times News

Gujarati News

ડેરી સેક્ટરના વિકાસમાં પાયાની ભૂમિકા ભજવનાર દેશના પશુધનને પ્રણામઃ PM મોદી

રાજ્યમાં 36 લાખ લોકો દૂધ ઉત્પાદનના કામ સાથે જોડાયા છે, તેમાં પણ 11 લાખ તો નારીશક્તિ છે.

અમદાવાદ, PM Narendra Modi in Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે અને પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યમાં વિવિધ 57 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10:20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા.

તેમને રિસિવ કરવા રાજ્યના મુખ્યમંત્રી અને શહેરના મેયર પ્રતિભા જૈન પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી  GCMMFની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજરી આપવા નમો સ્ટેડિયમમાં પહોંચી ગયા હતા.

સવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમુલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, પશુપાલકો માટે 30 હજાર કરોડનું એક અલગ ફંડ બનાવ્યું છે. 10 લાખ કરોડ ટર્નઓવરવાળી ડેરી સેક્ટરની મોટી કર્તાધર્તા આપણી માતાઓ અને બહેનો છે.

મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે,  પ્રધાનમંત્રીશ્રી અને કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં “સહકારથી સમૃદ્ધિ”ના મંત્ર સાથે ગુજરાતનું સહકારી દૂધ ઉત્પાદન ક્ષેત્ર દેશમાં અગ્રેસર છે. રાજ્યમાં 36 લાખ લોકો દૂધ ઉત્પાદનના કામ સાથે જોડાયા છે, તેમાં પણ 11 લાખ તો નારીશક્તિ છે.

સહકારી ઢબે દૂધ ઉત્પાદનના આ કાર્યમાં જોડાઈને બહેનો તેમના પરિવારના આર્થિક ઉત્કર્ષનો આધાર બની છે. આઝાદીના અમૃતકાળમાં ડેરી સેક્ટર ગ્રામીણ અર્થતંત્રને વેગ આપીને વિકસિત ભારત – વિકસિત ગુજરાતના નિર્માણમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવશે. અનેક પરિવારોનું ભાગ્ય બદલતી 50 વર્ષની સફળ સફર બદલ GCMMF અને તેના સૌ સભ્યોને ખૂબ-ખૂબ શુભકામના.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં તરભ ગામે વાળીનાથ મહાદેવ મહાશિવલીંગ – સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે.

વાળીનાથ મહાદેવની મહાભારત કાળથી પૂજા થતી આવી હોવાની લોકવાયકા

આજે મહેસાણાના તરભ ખાતે રાજ્યનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવજીનું મંદિર પૂર્ણ રીતે તૈયાર થઇ ચૂક્યું છે. આ સમારોહમાં ૫ લાખથી વધુ શ્રધ્ધાળુઓ એકત્ર થયા છે. ગુજરાતનું બીજા નંબરનું શિવધામ વાળીનાથ મંદિર જેની ઉંચાઈ ૧૦૧ ફુટ, લંબાઈ ૨૬૫ ફુટ અને પહોળાઈ ૧૬૫ ફુટ છે. આ વિશાળ, ભવ્ય વાળીનાથ મહાદેવ મંદિરનું નિર્માણકાર્ય છેલ્લા બારેક વર્ષથી થઈ રહ્યું હતું, જે હવે પૂર્ણ થયું છે.

લોકવાયકા પ્રમાણે વાળીનાથ મંદિરમાં મહાભારતકાળથી પૂજા થતી આવી છે. અહિંયા દરેક જાતિ અને સમુદાયના લોકો દર્શન કરવા આવે છે. આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યોગ છે, જે આ દિવસને વધુ વિશેષ બનાવે છે. વર્તમાન યુગમાં બંસી પહાડ પથ્થર અને નાગર શૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાળીનાથ મહાદેવ મંદિર શિલ્પકલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.

આ શિવ મંદિર પરિસરમાં વિશાળ ઝૂમ્મર લગાવવામાં આવ્યું. આ ઝૂમ્મરનું વજન ૪૦૦ કિલોથી વધુ છે અને તે ૧૮ ફૂટ જેટલું લાંબુ છે. તેમાં ૨ લાખથી વધુ ક્રિસ્ટલ અને ડાયમંડનો ઉપયોગ કરાયો છે. મંદિરના ગર્ભગૃહમાં વિશેષ ૧૨ જ્યોતિર્લિંગ કોતરવામાં આવ્યા છે. આ ઉપરાંત સોનાના દ્વાર પણ બનાવવામાં આવ્યા.  મોટી હસ્તીઓના આગમનને લઇ વાળીનાથ મંદિરમાં વિશેષ તૈયારી કરાઇ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધન માટેનો વિશાળ સભા મંડપ પણ તૈયાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત દરમ્યાન વડોદરા-મુંબઇ એક્સપ્રેસવેના પાદરા-મનુબાર માર્ગનું ઉદ્દઘાટન કરશે. આ માર્ગનું બાંધકામ પૂર્ણ થયું છે જેથી વડોદરાથી ભરૂચ અંકલેશ્વર, સુરત અને મુંબઇ તરફના મુસાફરોને ઝડપી, સુરળ અને સુરક્ષિત મુસાફરી મળી શકશે. રાજ્યમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેનું બાંધકામ ત્રણ ભાગમાં કરવામાં આવ્યું છે. મનુબારથી સાંપા સુધીનો 31 કિલોમીટર લાંબો માર્ગ 2400 કરોડના ખર્ચે, સાંપાથી પાદરા સુધીનો 32 કિલોમીટરનો માર્ગ 3200 કરોડના ખર્ચે અને પાદરીંથી વડોદરા સુધીનો 23 કિલોમીટરનો માર્ગ 4300 કરોડના ખર્ચે બન્યો છે.

આમ કુલ નેશનલ હાઇવે ઓથોરિટીના 10 હજાર કરોડના ખર્ચે બનેલા માર્ગનું લોકાર્પણ વડાપ્રધાન કરવાના છે. મનુબાર ભરૂચ રેલવે સ્ટેશનથી સાત કિલોમીટર દૂર આવેલું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદથી વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઇવે અગાઉથી જ કાર્યરત છે, જ્યારે વડોદરાથી ભરૂચનો એક્સપ્રેસ હાઇવે મુસાફરો માટે ઉપયોગી થશે. વડોદરાથી ગોધરા સ્ટ્રેચ અને ભરૂચ- મુંબઈ ટ્રેચ બનાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે.

ત્યારબાદ સાંજે તેઓ નવસારીમાં 17,500 કરોડના વિકાસ કામોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓમાં 12 વિભાગોના ₹44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.