Western Times News

Gujarati News

“જીવનમાં મહેનતથી મોટો કોઈ મિત્ર નથી અને આળસથી મોટો કોઈ શત્રુ નથી”

જંકફૂડથી બચો, ફાસ્ટફૂડથી દૂર રહો. ઘરનું ભોજન લ્યો, બિનજરૂરી ખાદ્ય પદાર્થોની ટેવ પાડીને પ્રતિભાને કુંઠિત ન કરો.

અમદાવાદ, દીકરીઓ માટે આજે ક્ષિતિજો ખુલી ગઈ છે. તેમનામાં રહેલી અપાર ક્ષમતાને વિકસવા માટે આજે રાષ્ટ્રમાં શ્રેષ્ઠ વાતાવરણ છે. દીકરીઓ ભારતીય મૂલ્યો, સંસ્કૃતિ અને સંસ્કારો સાથે હર ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે રાજભવનમાં રાષ્ટ્રીય સેવા યોજના-એન.એસ.એસ.ની પ્રતિભાવાન વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીનીઓને અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી.

નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પરેડ કેમ્પમાં પસંદગી પામીને‌ એક મહિનાનો કૅમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કરનારી રાષ્ટ્રીય સેવા યોજના-એન.એસ.એસ.ની વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. પૂરી તાકાત, લગન અને લક્ષ્ય સાથે મહેનત કરો. જીવનમાં મહેનતથી મોટો કોઈ મિત્ર નથી અને આળસથી મોટો કોઈ શત્રુ નથી.

યશ, કીર્તિ, સન્માન અને ઈજ્જતથી જ જીવન મૂલ્યવાન બને છે. જંકફૂડથી બચો, ફાસ્ટફૂડથી દૂર રહો. ઘરનું ભોજન લ્યો, બિનજરૂરી ખાદ્ય પદાર્થોની ટેવ પાડીને પ્રતિભાને કુંઠિત ન કરો. ખાનપાન અને વિચારોને શુદ્ધ અને સાત્વિક રાખો. માતા-પિતાથી વધારે હિતકારી આ દુનિયામાં બીજું કોઈ નથી. માતા-પિતાની આજ્ઞાનું પાલન કરતાં કરતાં, સ્વાસ્થ્યની કાળજી લેતાં લેતાં ખૂબ પ્રગતિ કરો.

ગુજરાતમાં ૧,૦૦૦ થી વધુ યુનિટમાં બે લાખથી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ એન.એસ.એસ. માં સક્રિયતાથી જોડાયેલા છે. તે પૈકી ૯૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ ૧૧ અને ૧૨ માં અભ્યાસ કરે છે. ગુજરાતના ૧,૬૦૦ ગામ દતક લઈને એન.એસ.એસ.ના છાત્રો શિક્ષણ, જનજાગૃતિ અને ગ્રામ વિકાસના ક્ષેત્રમાં વિવિધ સેવા કાર્યો કરી રહ્યા છે. નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ પરેડ કેમ્પ માટે ગુજરાતમાંથી ૧૦ દીકરીઓ પસંદગી પામી હતી. આ ૧૦ દીકરીઓ પૈકીની વલ્લભવિદ્યાનગરની જાગૃતિ શુક્લએ એક મહિનાના કેમ્પના પોતાના અનુભવો વર્ણવ્યા હતા.

એન.એસ.એસ.ની છાત્રાઓ સાથે રિજીયોનલ ડાયરેક્ટર શ્રી ડૉ.  કમલ કુમાર કર, પ્રશિક્ષકો રીટા ડિ’સોઝા અને હિરલ પરમાર ઉપરાંત અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.