Western Times News

Gujarati News

વધુમાં વધુ લોકો મતદાન મથક સુધી પહોંચે તે માટે ‘દસ મિનિટ, દેશ માટે’ થીમ સાથે કોન્ટેન્ટના નિર્માણ માટે સંવાદ

લોકસભા ચૂંટણી 2024 માટે ‘દસ મિનિટ, દેશ માટે’ થીમ સાથે રચનાત્મક કોન્ટેન્ટના નિર્માણ માટે સંવાદ

ગુજરાતનાં મુખ્ય ચૂંટણી અધિકારી સુશ્રી પી. ભારતીની અધ્યક્ષતામાં આઇકોન્સ, પાર્ટનર્સ અને ઇન્ફ્લુએન્સર્સ મીટ યોજાઈ

અધિક મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી કુલદીપ આર્ય, અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે., સર્વ શિક્ષા અભિયાનના ડિરેકટર સુશ્રી રતનકંવર ગઢવીચારણની વિશેષ ઉપસ્થિતિ

અમદાવાદ ખાતે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સુશ્રી પી. ભારતીની અધ્યક્ષતામાં આઇકોન્સ, એમઓયુ પાર્ટનર્સ અને ઇન્ફ્લુએન્સર્સ મીટ યોજવામાં આવી હતી. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએનસર્સ, વિવિધ સહયોગી વિભાગના અધિકારીશ્રીઓ અને જિલ્લામાં નિયુક્ત કરેલા આઇકોન્સ ઉપસ્થિત રહ્યા હતા. Dialogue for content creation with the theme ‘Ten minutes, for the country’ to reach maximum number of people to the polling booths

આ પ્રસંગે મુખ્ય ચૂંટણી અધિકારી સુશ્રી પી. ભારતીએ જણાવ્યું હતું કે, ચૂંટણીની કામગીરી ખૂબ જ વિશાળ હોય છે. મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો, વધુમાં વધુ લોકો મતદાન મથક સુધી પહોંચે અને ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર યુવાનો અને મહિલાઓની ભાગીદારી વધે, તે ચૂંટણી પંચનો મુખ્ય આશય છે. મતદાનના દિવસે નાગરિકો મતદાન કરવા આગળ આવે

અને ખરા અર્થમાં ‘દસ મિનિટ દેશ માટે’ આ સૂત્રને અપનાવે, એ માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે, એવું તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મતદાન માટે જાગૃતિ અંગે રચનાત્મક રીતે રજૂઆત કરી સોશિયલ આઇકોન્સ અને ઇન્ફ્લુએન્સર્સ દેશસેવાનું મહત્ત્વનું કામ કરી શકે છે. આ ઉપરાંત ગુજરાત ચૂંટણી પંચ દ્વારા જાગૃતિના પ્રકલ્પો માટે શક્ય તમામ સહયોગ આપવામાં આવશે, તેવી બાહેંધરી તેમણે આપી હતી.

આ પ્રસંગે અધિક મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી કુલદીપ આર્યએ ઉપસ્થિત સહુને અભિનંદન પાઠવતા યથાશક્તિ સહયોગ આપવાની અપીલ કરી હતી. સાથોસાથ મતદાન અંગે જાગૃતિ લાવવા જિલ્લા સ્તરે પણ ચૂંટણીતંત્ર આઇકોન્સ, પાર્ટનર્સ અને ઇન્ફ્લુએન્સર્સને શક્ય તમામ મદદ કરશે તેવી ખાતરી આપી હતી. શ્રી આર્યએ વધુમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર આચારસંહિતાના ભંગ, ફેક ન્યૂઝ, ફેક વિડિયો કે ચૂંટણી પ્રક્રિયા અંગે ભ્રામક વાતો ફેલાવાતી હોય તો એ તરફ પણ અમારું ધ્યાન દોરવા વિનંતી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ જણાવ્યું હતું કે, આજની આ મીટ ચૂંટણી પંચનો સ્તુત્ય પ્રયાસ છે. લોકશાહીના આ મહાપર્વમાં મહત્તમ નાગરિકો સામેલ થાય તથા મતદાનમાં યુવાઓ અને મહિલાઓની ભાગીદારી વધે તે માટે આપણે સૌએ સાથે મળીને પ્રયાસ કરવાનો છે.

આ પ્રસંગે ચૂંટણી વિભાગના અધિક કલેકટર શ્રી રિંકેશ પટેલે માહિતીસભર અને રસપ્રદ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં તેમણે મતદાન વ્યવસ્થા, મતદાન માટે વૈકલ્પિક દસ્તાવેજો, ચૂંટણી પંચની ઓફિશિયલ એપ્લિકેશન સહિતની જાણકારી આપી હતી.

આ મીટમાં સર્વ શિક્ષા અભિયાનના ડિરેકટર સુશ્રી રતનકંવર ગઢવીચારણ, સંયુક્ત નિયામક શ્રી પી.ડી. પલસાણા, મહેસાણાના જિલ્લા કલેકટર શ્રી એમ. નાગરાજન તથા અમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.