Western Times News

Gujarati News

સંબંધોનું સમીકરણ: આત્મિયજનો સાથેના સંબંધો અને સમીકરણો જીવનમાં બદલાયા

કોરોનાના કાલચક્રમાં ન જાણે કેટલાંય આત્મિયજનો સાથેના સંબંધો અને તેના સમીકરણો આપણા જીવનમાં બદલાઈ ગયા છે .લોકડાઉંન ના સમયમાં દરેક લોકોને એકબીજાની સાચી ઓળખ પણ થઇ હશે. સમયની સાથે સાથે વ્યક્તિના અસ્તિત્વની નોંધ પહેલાં કરતા વધુ અસરકારક રીતે લેવાતી થઇ છે . Equation of Relationships: Relationships and equations with loved ones changed in life

દરેક વ્યક્તિનો પરસ્પર વાતચીતનો તેમજ એની સાથે જોડાયેલો લાગણીનો સેતુ કેટલો મજબૂત છે …!!એની સાચી પરખ પણ ચોક્કસ થઇ ગઈ છે ….!!
મારા મત મુજબ ,કુદરતે જાણે લોકોને થોડોક સમય થોભવાનું કહી …એકબીજાને સમજવાનો મોકો પ્રદાન કર્યો હોય ,એવું મને લાગે છે .આનંદ અને ખુશીના સમયમાં તો બધાં સાથ નિભાવે , પણ …. મહામારીના અણધાર્યા સંજોગોમાં તમને કોણ- કોણ મદદરૂપ થયું ..!!એતો પોત -પોતાનો આત્મા જ જાણે છે .

લગ્ન કરવા માંગતા હોય કે કોઈ નવા સંબંધને આવકાર આપવા માંગતા હોય ….તમામ વ્યક્તિ હવે બાહ્ય દેખાવ કરતાં તેના સાથીની આંતરિક સમજણને પહેલું પ્રાધાન્ય આપશે ,એમાં કોઈ શંકા નથી .

“એકલતાના વન”માં સૌ કોઈ પોતાના સાથી પાસેથી સાચી સંવેદના શોધે છે .પોતાની વાત કહેવાં અને બીજાની વાત સાંભળવા માનવી પાસે સમયની સાથે સમજણ હોવી પણ ખુબ જરૂરી છે .જયારે વ્યક્તિ પોતે આવી મહામારીમાં સપડાયો હોય ,ત્યારે સૌથી દૂર ….હોસ્પિટલના એક ગંભીર અને ભયભીત કરી મૂકે એવા વાતાવરણમાં એ પોતાની પોઝિટિવિટી કેવી રીતે ટકાવી રાખી શકે છે એ સમજવું જરૂરી છે .ઘણી વાર જયારે કુટુંબના મોભીની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ જાય ત્યારે …ઘરનું બજેટ ખોરવાઈ જાય ત્યારે પોતાની સુઝબુઝથી રસ્તો કાઢે , તે સમયે તેની સમજ અને કુનેહની પરખ થાય છે .

આ લોકડાઉનના સમયમાં લોકોનાં ભાવાત્મક પાસાની અને એની માનસિક મજબૂતાઈની તો જાણે પરીક્ષા જ થઇ ગઈ .જીવનના તમામ તબક્કે સાથે રહેવાના વાયદા કરનારાઓ ના સંબંધો થોડા ઝાંખા પણ થયાં .જીવનમાં સ્થિરતાની સાથે સાથે સહૃદયી પાર્ટનરની ખોટ કેટલાંકને લાગી .

એકબીજા “વગર “જીવવું અઘરું છે ….એવું કહેનારા ,જાણે એવું કહેવાં લાગ્યા કે એકબીજા “સાથે “જીવવું કેટલું અઘરું છે .સમજણશક્તિની પારાશીશી એટલે જાણે લોકડાઉનનો સમયગાળો …! મને લાગે છે , હવે જીવનસાથીના ચયન કરવાના સમયે …..

પાર્ટનરની આકર્ષક દેહાકૃતિ ,પ્રભાવી વેશભૂષા કે અનોખી વાકછટા ….આવી તમામ બાબતો તેની સમજણશક્તિ આગળ ગૌણ બની જશે .લોકોનો દ્રષ્ટિકોણ વૈશ્વિક મહામારી પછી ઘણો બદલાઈ રહ્યો છે …વ્યક્તિની પરિપક્વતા એનું સૌથી અગત્યનું જમાપાસું બનીને ઉભરી રહ્યું છે ….!

સ્ત્રી અને પુરુષે બન્નેએ સાથે મળીને જીવનના રથને સુપેરે આગળ ધપાવવાનો છે. સંબંધોના દરેક સમીકરણને સ્વાર્થથી દૂર રાખી લાગણીથી સોલ્વ કરવાનું છે .
જયારે એકબીજાને હરિફ ન માનતા સાથી તરીકે સ્વીકારીશું …. ત્યારે સંબંધોમાં પૂર્ણ પ્રેમ આકાર લેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.