Western Times News

Gujarati News

7 સૌથી મોટાં જોખમ આવતાં બે વર્ષના માનવજાત પર આવવાની શક્યતા!

મોટાં જોખમોની વાત એક બે નહી ૧પ૦૦ નિષ્ણાતોએ વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ચર્ચા કરી છે,-આવતાં બે વર્ષમાં સૌથી વધુ જોખમ ફેક ન્યુઝ અને દુષ્પ્રચારનું રહેશે! 

જોખમની વાત આવે એટલે એમ જ સમજી લેવાય કે માનવજાતનું અસ્તિત્વ જોખમમાં આવી પડશે. પરંતુ આવતાં બે વર્ષમાં માનવજાતના અÂસ્તત્વ પરના જોખમ કરતાં સામાન્ય જનજીવન પરના મોટાં જોખમોની વાત એક બે નહી ૧પ૦૦ નિષ્ણાતોએ વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ચર્ચા કરી છે, તેના ઉપર નજર કરીએ તો ડગલે ને પગલે માથા પર કોઈ ને કોઈ જોખમ હોય છે !

આવતાં બે વર્ષમાં સૌથી વધુ જોખમ ફેક ન્યુઝ અને દુષ્પ્રચારનું રહેશે ! ફેક ન્યુઝને નિયંત્રણમાં રાખવાની ચર્ચા તો ભારત સહિત અનેક દેશોમાં થઈ રહી છે, પરંતુ કોઈ ફેક ન્યુઝને નિયંત્રણમાં લેવામાં કોઈ નકકર પગલાં ભરાતા નથી. ખાસ કરીને રાજકારણમાં જનમત ઘડવા માટે ફેક ન્યૂઝનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. એમાંય આ વર્ષે એકબે નહીં ૭૪ દેશોમાં ચૂંટણી યોજાવાની છે,

ત્યારે એ ચૂંટણી સાથે સંકળાયેલા તમામ રાજકીય પક્ષો ફેક ન્યુઝ કે ખોટા પ્રચારનો ઉપયોગ કરીને વિજય અંકે કરવા માંગશે અને તેના કારણે જ લોકો સુધી ખોટી માહિતી સતત પહોંચતી રહેશે. એ કારણે જ આવતાં બે વર્ષમાં ફેક ન્યુઝ કે દુષ્પ્રચારનું સૌથી મોટું જોખમ રહેશે. એ ઉપરાંત કુદરતી આપત્તિનું જોખમ પણ વધુ રહેશે. જળવાયુ પરિવર્તનને કારણે કુદરતી આપત્તિ વધી રહી છે, ત્યારે સ્વાભાવિક છે કે જાનમાલનું મોટું નુકસાન થઈ રહ્યું છે. મોતનું જોખમ આપત્તિઓમાં વધુ રહે છે. એ ઉપરાંત આર્થિક રીતે પણ મોટો ફટકો પડે છે.

ર૦ર૪-રપનાં બે વર્ષ દરમિયાન ત્રીજા ક્રમનું સૌથી મોટું જોખમ સામાજિક ધ્રુવીકરણ બની રહેશે. જાતિ, ધર્મ, સ્થળાંતર જેવા મુદ્દા પર સમાજમાં વિભાજન થઈ રહ્યાં છે. જેને મોટું જોખમ ગણવામાં આવે છે. આ પ્રકારના વિભાજથી લોકોને બીજા દેશોમાં રહેવું તો મુશ્કેલ બની જ રહેશે, પણ સાથે સાથે ભારત જેવા વૈવિધ્ય ધરાવતા દેશમાં તો સમાજમાં અનેક પ્રકારનાં વિભાજન થઈ રહ્યા છે. જે એક દેશ તરીકે ભારતને નુકસાન કરી શકે છે.

એ પછીના ક્રમનું સૌથી મોટું જોખમ સાઈબર સુરક્ષા છે. આજે દુનિયા ડિજિટલ થઈ ગઈ છે. સવારથી મોબાઈલ પર અનેક કામો આપણે કરતાં રહીએ છીએ. મેસેજથી માંડીને નાણાકીય લેવડદેવડ અને ઓનલાઈન ખરીદીનું પ્રમાણ વધ્યું છે. આ કારણે જ સાઈબર હુમલા વધી રહ્યા છે. અનેક લોકો ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બને છે તો બીજી તરફ ચીન અને રશિયા જેવા દેશો બીજા દેશોની સુરક્ષાવ્યવસ્થા કે આર્થિક વ્યવસ્થામાં છીડાં પાડવાનો પ્રયાસ કરતા રહે છે.

યાદ રહે કે ટ્રમ્પ જયારે અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચુંટણી જીતી ગયા હતા, ત્યારે રશિયાના હેકર્સોએ તેમને જિતાડ્યા હોવાના આક્ષેપ થતા રહે છે. આ વર્ષે અનેક દેશોમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે સાઈબર હુમલા વધવાના છે. એ જ રીતે દુનિયાની કેટલીય મોટી કંપનીઓ અને સંસ્થાઓ- સંગઠનો પર સાઈબર હુમલા વધી શકે છે.

મોટા પાયે માનવજાતનો સંહાર થાય એવા પણ જોખમ ઓછાં નથી, રશિયા અને યુક્રેન યુદ્ધ બે વર્ષે પણ ચાલુ જ છે, તો ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પણ યુદ્ધ ચાલી રહ્યું છે. એમાં વળી ઈરાન અને પાકિસ્તાન વચ્ચે પણ ચિનગારી ભડકવાનું જોખમ છે. સાથે સાથે હૂથી ચાંચિયા ઉપર અમેરિકા હુમલા કરી રહ્યું છે. મતલબ કે આ યુદ્ધો મોટા ભડકા કરીને વિશ્વયુદ્ધમાં પલટી શકે એવું જોખમ પણ આ બે વર્ષ દરમ્યાન વધી રહ્યું છે.

દુનિયાના માથે સૌથી મોટું છઠ્ઠા ક્રમનું જોખમ આર્થિક તકોની અછત બની રહેશે. આર્થિક વિકાસની તકોમાં ભારે ઘટાડો થશે. મતલબ કે માથે મંદીનું ગ્રહણ પણ તોળાયેલું રહેશે. આર્થિક વિકાસની તકમાં ઘટાડો થાય એ સાથે હાલમાં મોંઘવારીમાં ભલે થોડી રાહત મળી હોય, પરંતુ એ સમસ્યા સાવ ખતમ થઈ ગઈ નથી અને તેનું જોખમ આવનારા બે વર્ષમાં વધશે.

માનવજાત પર સાતમું સૌથી મોટું જોખમ વિસ્થાપન છે. યુદ્ધ ચાલી રહ્યાં છે. તેને કારણે અનેક લોકો તેમના દેશમાંથી મૂળસોતા ઉખડી ગયા છે. એ ઉપરાંત દુકાળ અને ધાર્મિક કટ્ટરતા જેવા મુદ્દે પણ અનેક લોકોએ વિસ્થાપન વેઠવું પડશે. તો વળી આર્થિક વિકાસ ધીમો પડી રહ્યો છે અને તેને કારણે ઘણા નિષ્ણાતો માને છે કે આર્થિક મંદીનું મોટું જોખમ પણ વેઠવું પડી શકે છે. આ તમામ જોખમો વચ્ચે પ્રદુષણ ધરતી પર જીવન ઉપર સૌથી મોટું જોખમ છે, પરંતુ માનવજીવન સંદર્ભે પ્રદુષણ આવનારા બે વર્ષમાં દસમા ક્રમનું જોખમ બની રહેશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.