Western Times News

Gujarati News

અમદાવાદમાં હ્યદય રોગના કેસમાં ર૮ ટકાનો ચિંતાજનક હદે વધારો

પ્રતિકાત્મક

અમદાવાદ મ્યુનિ. હોસ્પિટલોમાં  હ્યદય રોગથી ૪૩૩ના મૃત્યુ

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, રાજયમાં છેલ્લા એક વર્ષથી હ્યદયરોગના કેસમાં અસામાન્ય વધારો થઈ રહયો છે. ખાસ કરીને યુવા વર્ગ હાર્ટ એટેકનો મોટાપાયે શિકાર બની રહયા છે જેના માટે આધુનિક લાઈફ સ્ટાઈલને પણ જવાબદાર માનવામાં આવે છે. કોરોના કાળ બાદ હાર્ટ એટેકના વધતા જતાં કેસના કારણે કેટલાક લોકો વેકિસન સામે પણ શંકાની સોય ચીંધી રહયા છે.

ર૦ર૩ના વર્ષ દરમિયાન રાજયમાં હ્યદયરોગના ૭ર હજાર કરતા પણ વધુ કેસ નોંધાયા છે. જે પૈકી અંદાજે ર૧ હજાર કેસ માત્ર અમદાવાદમાં કન્ફર્મ થયા છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં પણ ૭ હજાર કરતા પણ વધુ કેસ હાર્ટ એટેકના આવ્યા હતા જે પૈકી ૪૦૦ કરતા વધુ દર્દીના મરણ થયા હતા.

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં હ્યદયરોગની બીમારીમાં સતત વધારો થઈ રહયો છે. મોટી સંખ્યામાં હાર્ટ એટેકથી મરણ થઈ રહયા છે. ડીસેમ્બર- ર૦ર૩માં વિધાનસભામાં પણ માત્ર છ મહિનામાં હાર્ટ એટેકથી ૧૦પર લોકોના મરણ થયા હોવાના આંકડા જાહેર થયા હતા.

જે પૈકી ૮૦ ટકા મૃતકની વય ૧૧ થી રપ વર્ષની વચ્ચે હતી. અમદાવાદ શહેરમાં પણ પાછલા વર્ષોની સરખામણીમાં હ્યદયરોગના કેસોમાં ચિંતાજનક હદે વધારો થયો છે. રાજયમાં ર૦ર૩માં ૭રપ૭૩ હ્યદયરોગના કેસ નોંધાયા છે જે પૈકી માત્ર અમદાવાદમાં જ ર૧૪૯૬ કેસ નોંધાયા હતા. ર૦રરની સરખામણીએ ર૦ર૩માં હ્યદયરોગના કેસમાં ર૮ ટકાનો વધારો થયો હતો

જે બાબત ચિંતાજનક માનવામાં આવી રહી છે. ૧૦૮ એમ્બ્યુલન્સ ઈમરજન્સી દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે મુજબ ર૦૧૮મા હ્યદયરોગની ઈમરજન્સી કોલ પ૩૭૦૦ હતા જેની સામે ર૦રરમાં પ૬ર૭૭ અને ર૦ર૩માં ૭રપ૭૩ હતા આમ ૧૦૮ ઈમરજન્સી કોલમાં પણ ૩પ ટકાનો વધારો થયો છે.

ર૦રરની સરખામણીએ અમદાવાદમાં હ્યદયરોગના ર૮ ટકા, સુરત-૩૧, રાજકોટ-૪ર, ભાવનગર-ર૧, અને વડોદરા-૩૧ ટકા વધુ કેસ નોંધાયા છે. એક અંદાજ મુજબ દર ૭.૩૦ મિનિટે એક વ્યકિતને હ્યદયરોગને લગતી બીમારી સામે આવી રહી છે. અમદાવાદમાં દર ૧ લાખની વસ્તીએ ર૯૮ ઈમરજન્સી કોલ ૧૦૮ને મળી રહયા છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પો. સંચાલિત શારદાબેન, એલ.જી. અને એસવીપી હોસ્પિટલમાં ખૂબ જ મોટી સંખ્યામાં હાર્ટ એટેકના પેશન્ટો નોંધાયા છે. છેલ્લા બે વર્ષ દરમિયાન આ ત્રણ હોસ્પિટલોમાં લગભગ ૭ હજાર જેટલા પેશન્ટ એડમીટ થયા હોવાનું અનુમાન છે.

જે પૈકી ૪૩૩ દર્દીના મૃત્યુ થયા હતા. માત્ર એલ.જી. હોસ્પિટલમાં જ જાન્યુઆરીથી માર્ચ-ર૦ર૩ દરમિયાન હાર્ટ એટેકના ૧૦૮૦ પેશન્ટ એડમીટ થયા હતા. જે પૈકી રપ દર્દીના કરૂણ મૃત્યુ થયા છે. અમદાવાદમાં પણ કોરોના કાળ પછી હાર્ટ એટેકના દર્દીઓની સંખ્યા વધી રહી છે. નાની ઉંમરમાં હાર્ટ એટેકનું મૃત્યુ કારણ જંકફૂડ ઉપરાંત વધુ પડતી કસરત અને માનસિક તાણને માનવામાં આવી રહયા છે. એનસીઆરબીના એક રિપોર્ટ મુજબ ભારતમાં ર૦ર૧માં હાર્ટ એટેકથી ર૮૪૧૩ અને ર૦રરમાં ૩ર૪પ૭ લોકોના મૃત્યુ થયા છે. આમ એક જ વર્ષમાં હાર્ટ એટેકના કેસમાં ૧ર ટકાનો વધારો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.