Western Times News

Gujarati News

અશ્લીલ સામગ્રી દર્શાવતી 18 OTT અને 19 વેબસાઈટ્‌સ ઉપર પ્રતિબંધ

નવી દિલ્હી, ભારતમાં એક સમયે બિભત્સ સામગ્રી પર આકરા નિયંત્રણો હતા પરંતુ ઓટીટી અને ઈન્ટરનેટના જમાનામાં બિભત્સ કન્ટેન્ટની આખી દુનિયા ખુલી ગઈ છે. તેના કારણે સમાજ પર પડતી વિપરીત અસરને ધ્યાનમાં રાખીને સરકારે આજે ૧૮ ઓટીટી પ્લેટફોર્મ અને ૧૯ વેબસાઈટ્‌સને બ્લોક કરી છે.

OTT પ્લેટફોર્મ પર અશ્લિલ વીડિયો પ્રસારિત કરવામાં આવતા હોવાની ઘણા સમયથી ફરિયાદ થઈ હતી. આ વિશે અનેક વખત ચેતવણી આપવામાં આવી હતી છતાં સ્થિતિમાં કોઈ સુધારો ન થવાના કારણે આ ઓટીટી પ્લેટફોર્મ અને વેબસાઈટ્‌સને બ્લોક કરવામાં આવી છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું કે બિભત્સ સામગ્રી પીરસવા સામે વારંવાર ચેતવણી આપવા છતાં પગલાં લેવાયા ન હતા. તેના કારણે ૧૮ ઓટીટી પ્લેટફોર્મને બ્લોક કરવામાં આવ્યા છે. કુલ ૧૯ વેબસાઈટ, ૧૦ એપ અને ૫૭ સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બંધ કરવામાં આવ્યા છે. તેમાં ૭ એપ ગૂગલ પ્લે સ્ટોરના હતા જ્યારે ત્રણ એપ એપલની હતી.

ઓટીટી પ્લેટફોર્મ્સે પોતાની પોર્નોગ્રાફિક સામગ્રીને ક્રિયેટિવ એક્સપ્રેશન કહીને તેનો બચાવ કર્યો હતો. આઈટી એક્ટ ૨૦૦૦ મુજબ વલ્ગર સામગ્રીનું પ્રસારણ અટકાવા માટે આ નિર્ણય લેવાયો છે. બ્લોક કરવામાં આવેલા ઓટીટી પ્લેટફોર્મમાં ડ્રીમ્સ ફિલ્મસ, વૂવી, યેસ્મા, અનકટ અડ્ડા, ટ્રી ફ્લિક્સ, એક્સ પ્રાઈમ, નિઓન એક્સ વીઆઈપી, બેશરમ, હન્ટર્સ, રેબિટ, એક્ટ્રામૂડ, ન્યૂફ્લિક્સ, મૂડ એક્સ, મોજફ્લિક્સ, હોટ શાટ,

વીઆઈપી, ફુગી, ચીકુÂફ્લક્સ, અને પ્રાઈમ પ્લેનો સમાવેશ થાય છે. સરકારે જણાવ્યું કે આ પ્લેટફોર્મ પર મોટા ભાગના કન્ટેન્ટમાં સ્ત્રીઓને બહુ હલકી રીતે ચીતરવામાં આવતી હતી. તેમાં નગ્નતા અને અયોગ્ય પ્રકારના સંબંધો દેખાડવામાં આવ્યા છે. શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધોને બિભત્સ રીતે દેખાડવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે આ ૧૮ ઓટીટી એપ્સ ઉપરાંત ૧૯ વેબસાઈટ અને ૧૦ એપ્સ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

આ ૧૦ એપ્સમાંથી ૭ એપ્સ ગુગલ પ્લે સ્ટોર પર અને ૩ એપ્સ એપલ એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. સરકારનું કહેવું છે કે આ એપ્સ અને પ્લેટફોર્મ પર આ પ્રતિબંધ આઈટી એક્ટ ૨૦૦૦ની કલમ ૬૭ અને ૬૭એ, આઈપીસીની કલમ ૨૯૨ અને આઈઆરડબલ્યુએ (ઈન્ડિસન્ટ રિપ્રેસેન્ટેશન ઓફ વુમન પ્રોહિબિશન એક્ટ) ૧૯૮૬ની કલમ ૪ હેઠળ લગાવવામાં આવ્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.