Western Times News

Gujarati News

50 કરોડનું પેટલાદ પાલિકાનું બજેટ 5 મિનીટમાં મંજૂર કરાયું

રૂ.૭૫ લાખની પુરાંત રહેવાનો અંદાજ : ૩૬ સભ્યો પૈકી ૩ ગેરહાજર, ૮નો રજા રિપોર્ટ

(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ નગરપાલિકાનું વર્ષ ૨૦૨૪-૨૫ માટે અંદાજપત્ર આજરોજ રજૂ કરવામાં આવ્યું હતું. આશરે રૂપિયા પચાસ કરોડના અંદાજ સાથેનું બજેટ રજૂ કરતા માત્ર પાંચ મિનીટમાં જ સર્વાનુમતે મંજૂર થઈ ગયું હતું. રજૂ કરેલ બજેટ મુજબ વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજીત રૂ.૩૭ કરોડની આવક થવા પાત્ર છે. જેથી ઉઘડતી સિલક સાથે કુલ રૂપિયા પચાસ કરોડનું બજેટ રહેવા પામશે.

જ્યારે આગામી નાણાંકીય વર્ષ દરમ્યાન અંદાજીત રૂ.૪૯ કરોડ જેટલો ખર્ચ થવા પાત્ર છે. એટલે કે પેટલાદ પાલિકાનું બજેટ રૂ.૭૫ લાખની પુરાંત વાળું રજૂ કરવામાં આવ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે પેટલાદ પાલિકામાં લોક પ્રતિનિધિત્વની જવાબદારી સંભાળનાર ૩૬ નગરસેવકો પૈકી ૩ ગેરહાજર અને ૮ સભ્યોએ રજા રિપોર્ટ રજૂ કર્યો હતો.

પેટલાદના મતદારોએ પોતાની પસંદગીના ઉમેદવારને જંગી મતોથી જીતાડી પાલિકામાં તો મોકલ્યા છે, પરંતુ તે પૈકી મોટાભાગના વિપક્ષી સભ્યો સામાન્ય સભામાં રજા રિપોર્ટ મુકી નગરસેવક હોવાનો સંતોષ માનતા હોવાની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન છે. વર્ષ દરમ્યાન સૌથી મહત્વની બજેટ બેઠક હોય છે, જેમાં પણ સભ્યોનું ગેરહાજર રહેવું કે રજા રિપોર્ટ મૂકવો કેટલો યોગ્ય હોવાની ચર્ચાઓએ જોર પકડ્‌યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ નગરપાલિકા દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૫નું અંદાજપત્ર આજરોજ સવારે ૧૧ કલાકે પાલિકાના સભાખંડમાં રજૂ થયું હતું. પાલિકાના પ્રમુખ જીજ્ઞેશભાઈ જોષીના અધ્યક્ષ સ્થાને આજની બજેટ બેઠક યોજાઈ હતી. જેમાં અંદાજપત્ર રજૂ કરતાંની સાથે જ યુવાન અને અતિ ઉત્સાહી કારોબારી ચેરમેને મંજૂર મંજૂરની બૂમરાણ મચાવી હતી.

પરંતુ ખુદ પ્રમુખ અને વિપક્ષના સભ્યોએ શાંતિ રાખવા જણાવી બજેટનું પ્રોસિંડીગ આગળ વધાર્યું હતું. જો કે ત્યારબાદ બજેટ સર્વાનુમતે મંજૂર થયું હતું. આગામી નાણાંકીય અંદાજપત્રની આંકડાકીય માહિતી જોઈએ તો વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન તમામ કરવેરા, જમીનભાડા, ઈમારતી ભાડા, બજાર ભાડા વગેરેમાંથી સ્વભંડોળને અંદાજીત રૂ.૪ કરોડ જેટલી આવક થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

ઉપરાંત આગામી વર્ષે કાયમી અને હંગામી કર્મચારીઓના પગાર માટે ઓક્ટ્રોય વળતર, કોમન કેડર પગાર તથા મોંઘવારી ભથ્થાંની રૂપિયા પાંચ કરોડ જેટલી ગ્રાન્ટો મળવાપાત્ર રહેશે. નગરના સર્વાંગી વિકાસ માટે રોડ રિસર્ફેસિંગ, જમીન મહેસુલ, નિર્મળ ગુજરાત, મનોરંજન કર, અમૃત યોજના, સીબી, ૧૫ ટકા વિવેકાધિન, યુડીપી ૮૮, વ્યવસાય વેરા, ૧૫મા નાણાપંચ, એસબીએમ, આરઓબી વગેરે ગ્રાન્ટોમાંથી અંદાજીત પંદર કરોડ જેટલી રકમ પાલિકાને મળવાપાત્ર હોવાનો ઉલ્લેખ બજેટમાં કર્યો છે.

આમ પેટલાદ પાલિકાને આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫નો વહિવટ અંદાજીત રૂપિયા પચાસ કરોડથી વધુનો હોવા પાત્ર છે. જો આવક સામે ખર્ચની આંકડાકીય સ્થિતી જોઈએ તો પગાર પાછળ જ લગભગ સાત કરોડ જેટલો જંગી ખર્ચ રહેવાનો અંદાજ છે. બીજી તરફ વિકાસલક્ષી કામો પાછળનો થનાર ખર્ચ જોઈએ તો વિવિધ ગ્રન્ટોમાંથી આશરે રૂપિયા પંદર કરોડથી વધુના કામો હાથ ઉપર લેવાનાર છે.

જો કે વર્ષ દરમ્યાન સ્ટ્રીટ લાઈટ, વોટર વર્ક્સ, ડ્રેનેજ, સેનેટરી, વાહનો વગેરે જેવા મુખ્ય વિભાગોમાં બળતણ તથા મેઈન્ટેનન્સ પાછળ જંગી ખર્ચ પાલિકાને થતો હોય છે. આમ સરવાળે પેટલાદ પાલિકાના અંદાજપત્રની વર્ષ ૨૦૨૪-૨૫ની જોગવાઈઓ મુજબ આવક જાવક પ્રતિવર્ષ મુજબ જ રૂટીન જોવા મળે છે. આજરોજ રજૂ કરેલ બજેટ રૂ.૭૫.૨૯લાખની પુરાંત વાળું હતું.

આર્થિક સંકટ વધ્યું-પેટલાદ પાલિકાને કરવેરાની આવકમાં તો ઘટાડો થયો જ છે. ઉપરાંત ઈમારતી ભાડાની આવકમાં લગભગ ૫૦ ટકા અને નોટીસ ફીની આવકમાં આશરે ૮૫ ટકા ઘટાડો નોંધાયો છે. જેથી સ્વભંડોળમાંથી કરવામાં આવતા ખર્ચાઓ બાબતે પાલિકા ઉપર આર્થિક સંકટ વધ્યું હોવાનું બજેટની માહિતી ઉપરથી જોઈ શકાય છે.

વીજબીલ માટે ૬ કરોડની લોન લેશે

પેટલાદ પાલિકાએ એમજીવીસીએલને વોટર વર્ક્સ તથા સ્ટ્રીટ લાઈટનું વીજબીલ ચુકવવાનું બાકી છે. પાલિકાની આર્થિક સ્થિતી પણ કથળેલી છે જેથી કરોડો રૂપિયા ભરી શકે તેમ નથી. જેને કારણે હવે પેટલાદ પાલિકા આગામી નાણાંકીય વર્ષ દરમ્યાન બાકી વીજબીલ ભરવા લગભગ રૂ.૬.૧૬ કરોડ જેટલી જંગી રકમ લોન પેટે લેનાર હોવાનો અંદાજ બજેટમાં જોવા મળે છે.

વિકાસ માટે ૭૮ કરોડ મળશે
આજની બજેટ બેઠક શરૂ થતાં પહેલાં પાલિકા પ્રમુખ જીજ્ઞેશભાઈ જોષીએ જણાવ્યું હતું કે પાલિકાને મળતી યુડીપી ૮૮ની ગ્રાન્ટમાં એક કરોડના વધારા સાથે હવે પાંચ કરોડ મળશે. ઉપરાંત આગવી ઓળખ ગ્રાન્ટમાંથી નવનિર્માણ થનાર ટાઉનહોલ માટે રૂ.૮ કરોડ, અમૃત ૧/૨ અંતર્ગત રૂ.૮ કરોડ, સરફેઈઝ વોટર માટે રૂ.૧૭ કરોડ અને ડ્રેનેજ માટે અંદાજીત રૂ.૪૦ કરોડ જેટલી ગ્રાન્ટો મંજૂર થયેલ છે. જેના કામો પણ આગામી વર્ષો દરમ્યાન શરૂ થશે.

ધારાસભ્ય ગ્રાન્ટ ક્યારે ફાળવશે ? સામાન્ય રીતે પાલિકાને સરકાર દ્વારા મળતી ગ્રાન્ટો ઉપરાંત ધારાસભ્ય અને સંસદ સભ્ય ગ્રાન્ટ ફાળવતા હોય છે. પેટલાદ ખાતે હાલ ભાજપના ધારાસભ્ય છે અને પાલિકામાં સત્તા સ્થાને પણ ભાજપનું બોર્ડ કાર્યરત છે. છતાં છેલ્લા એક વર્ષ દરમ્યાન પેટલાદના ધારાસભ્યએ પાલિકાને એકપણ રૂપિયાની ગ્રાન્ટ નહીં ફાળવી હોવાનું જાણવા મળે છે.

આજે રજૂ કરેલ અંદાજપત્ર મુજબ ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ.૫ લાખની ગ્રાન્ટ આપવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી ફળવાઈ નથી. છતાં આગામી નાણાંકીય વર્ષ માટે પણ રૂ.૫ લાખની ગ્રાન્ટ મળવાનો અંદાજ બજેટમાં રજૂ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પેટલાદ વિધાનસભા બેઠક ઉપર છેલ્લા દોઢેક વર્ષથી ભાજપના ધારાસભ્ય છે.

જેઓ પાલિકા થકી થતાં ઉદ્ઘાટનો, ખાત મુહુર્તો, લોકાર્પણો ઉપરાંત અન્ય સરકારી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી રિબીનો તો કાપતા જ હોય છે, પરંતુ શહેરના વિકાસ બાબતે શું ? આવા પ્રશ્નો પણ પાલિકા કેમ્પસમાં ચર્ચાતા સાંભળવા મળ્યા હતા. હવે પેટલાદના નગરજનો પાણી, વીજળી, ગટર, સફાઈ, રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતો ઉપરાંત રોજગારી અને તેના સંમકક્ષ વિકાસલક્ષી કામો માંગી રહ્યા હોવાનું જાણવા મળે છે !

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.