Western Times News

Gujarati News

સાબરમતી શુદ્ધિકરણ માટે ખર્ચેલા રૂ. 450 કરોડ પાણીમાં ગયા

પ્રતિકાત્મક

કેન્દ્ર સરકારનો NRCP પ્રોજેકટ નિષ્ફળ સાબિત થયો-મ્યુનિ. કોર્પો.એ સદર પ્રોજેકટ અંતર્ગત અમદાવાદમાં રૂ.૪ર૯.૭૮ કરોડના ખર્ચે ૬ સ્થળે નવા એસટીપી પ્લાન્ટ બનાવ્યા છે. 

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ,અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન સાબરમતી નદીની ગણના દેશની સૌથી વધુ પ્રદુષિત નદીઓમાં થાય છે. અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા સાબરમતીની બંને તરફ રિવરફ્રંટ બનાવીને તેના સૌદર્યમાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ નદીના પ્રદુષણમાં કોઈ જ ઘટાડો કરવામાં આવ્યો નથી.

ગુજરાત હાઈકોર્ટની આકરી ફીટકાર બાદ પણ તંત્ર નઘરોળ સાબિત થયું છે. સાબરમતી નદીનું પ્રદુષણ ઓછું કરવા માટે નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન અંતર્ગત રૂ.૪૦૦ કરોડ કરતા પણ વધુ રકમ ખર્ચ કરવામાં આવી છે પરંતુ તેના કારણે પણ નદીનું પ્રદુષણ ઓછુ થયું નથી

બીજી રીતે કહેવામાં આવે તો તંત્ર દ્વારા ખર્ચ કરવામાં આવેલ કરોડો રૂપિયા એળે ગયા છે અને નદીનું પ્રદુષણ દિવસેને દિવસે વધી રહયું છે ખાસ કરીને મ્યુનિ. એસટીપી પ્લાન્ટ તેમજ વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા ટ્રીટ કરીને છોડવામાં આવતા પાણીમાં પણ પ્રદુષણની માત્રા વધારે જોવા મળે છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી શુદ્ધિકરણ માટે રિવર કોન્ઝર્વેશન પ્લાન ર૦૧૧માં મંજુર કરવામાં આવ્યો હતો જેમાં કુલ રૂ.૪૪૪.૪૪ કરોડની મંજુરી આપવામાં આવી હતી જેમાં કેન્દ્ર સરકાર તરફથી ૬૦ ટકા ગ્રાન્ટ મળી હતી. સદર પ્રોજેકટ માર્ચ ર૦રરમાં પૂર્ણ થયો હતો ત્યાં સુધી આ પ્રોજેકટ અંતર્ગત રૂ.૪પ૩.૧૮ કરોડનો માતબર ખર્ચ થયો હતો તેમ છતાં નદીનું પ્રદુષણ લેશમાત્ર પણ ઓછું થયું નથી.

મ્યુનિ. કોર્પો.એ સદર પ્રોજેકટ અંતર્ગત શહેરમાં રૂ.૪ર૯.૭૮ કરોડના ખર્ચે ૬ સ્થળે નવા એસટીપી પ્લાન્ટ બનાવ્યા છે. આ તમામ પ્લાન્ટ એસબીઆર ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવ્યા છે પરંતુ તેના પણ પેરામીટર્સ મળતા નથી ખાસ કરીને વાડજ જલવિહાર, શંકરભુવન અને નવા પીરાણા ૧પપ પ્લાન્ટમાં સમસ્યા જોવા મળી રહી છે. મ્યુનિ. કોર્પો. દ્વારા નદી શુદ્ધિકરણ યોજના અંતર્ગત ચંદ્રભાગા નાળા પાસે, મેઘાણીનગર, હાથીજણ,

ચિલોડા, વાસણા, નવા નિકોલ અને વસ્ત્રાલમાં રૂ.૬૦ કરોડના ખર્ચથી ડેનેજ પપીંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. તદઉપરાંત સરખેજ, રાણીપ, વટવા, હંસપુરા, નરોડા અને વસ્ત્રાલમાં રૂ.૪૩.૧૭ કરોડના ખર્ચથી ૮૮ કિ.મી.ની નવી લાઈનો નાંખવામાં આવી છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂ.૭૦ કરોડના ખર્ચથી ૧૧ કિ.મી.ની લંબાઈની લાઈનોના રિહેબ કરવામાં આવ્યા છે જેમાં એપીએમસી વાસણાથી ગુપ્તાનગર, વાસણાથી પાલડી, નહેરુનગરથી વિજય, દરિયાપુરથી કાલપુર, મેમ્કોથી બાપુનગરનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા અંદાજે રૂ.૪પ૦ કરોડ ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં નદીમાં હજી પણ પ્રદુષિત પાણી જઈ રહયું છે

જે નદીમાં જતા આઉટલેટના પરિણામો પરથી જાહેર થાય છે. સીપીસીબીના નિયમ મુજબ નદીમાં ડીવોડીની માત્રા બે જ હોવી જરૂરી છે પરંતુ પીરાણા ટર્મિનલ અને શાસ્ત્રીબ્રિજ મેઘાલયના આઉટલેટમાં તેની માત્રા ૧૦૦ કરતા પણ વધારે છે. જયારે નદીમાં એલિસબ્રિજ પાસે બીઓડીની માત્રા પ, સરદારબ્રિજ પાસે ૪ અને આંબેડકર બ્રિજ પાસે ૬ છે જે પણ તેના નિયત પેરામીટર્સ કરતા વધુ છે મતલબ કે આ ત્રણ જગ્યાએ નદીનું પાણી નાહવા લાયક કે પીવાલાયક રહયું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.