Western Times News

Gujarati News

AMC મ્યુનિ. કમિશ્નરે ઈજનેર અધિકારી સામે પોલીસ ફરિયાદ કરવાની પ્રદુષણ મામલે ચેતવણી ઉચ્ચારી

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ)અમદાવાદ, સાબરમતીમાં વધતા જતાં પ્રદુષણ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા છેલ્લી મુદ્દત દરમિયાન મ્યુનિ.કોર્પાેરેશન અને કમિશ્નરની આકરી ટીકા કરવામાં આવી હતી. જેનાં પગલે કોપાયમાન થયેલ કમિશનરે એક એડિશનલ ઈજનેર સામે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હોવાની વિગતો બહાર આવી છે.

આ અંગે પ્રાપ્ય માહિતી મુજબ ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદીમાં છોડવામાં આવતાં પ્રદુષિત પાણી અને મ્યુનિ.કોર્પાેરેશનના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની નબળી કામગીરી મામલે કમિશનરને આડેહાથે લીધા હતા. ગુજરાત હાઈકોર્ટની આકરી ટીકાથી મ્યુનિ.કમિશનર અત્યંત ગુસ્સે ભરાયા હતાં તથા તેમનો તમામ ગુસ્સો એસટીપી વિભાગના એડીશનલ ઈજનેર પર ઉતાર્યાે હતો.

ગત સોમવારે નદીના પ્રદુષણ અંગે મળેલી ખાસ બેઠકમાં એસટીપી વિભાગના એડીશનલ ઈજનેર સામે ક્રીમીનલ ફરિયાદ કરવા સુધીની ચીમકી કમિશનરે આપી હતી. આ ઉપરાંત મંગળવારે સાંજે મળેલી વોટર અને ડ્રેનેજ વિભાગની ખાસ મીટીંગમાં પણ કમિશનરે આ મુદ્દે એસટીપી વિભાગના તમામ અધિકારીઓને આડે હાથે લીધા હતા.

તેમાં પણ ડેપ્યુટી. કમિશનરે (વોટર એન્ડ ડ્રેનેજ) બળતામાં ઘી હોમ્યુ હતું. મીટીંગ દરમિયાન ડેપ્યુટી કમિશનરે ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, તેઓ એક ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની મુલાકાતે ગયા હતા. ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ડેપ્યુટી કમિશનરને તેમની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ પંપીગ સ્ટેશન પર છેલ્લા છ માસથી ઈજનેર વિભાગનાં કોઈપણ અધિકારીએ મુલાકાત લીધી નથી.

તેમજ કેટલાંક સ્થળે પાઈપો અને ઢાંકણા પણ તૂટી ગયા હતા. જ્યારે જે સ્થળેથી પાણી પંપીગ સ્ટેશનમાં જાય છે. ત્યાં પણ ખૂબ જ ક્ચરો જોવા મળ્યો હતો. જેના કારણે પાણી પણ રોકાઈ જતા હતા. ડેપ્યુ.કમિશનરની ફરિયાદ બાદ કમિશનરે એસટીપી વિભાગના અધિકારીઓને ચોકસાઈ પૂર્વક કામગીરી કરવા માટે કડક સૂચના આપી હતી.

મ્યુનિ.ઈજનેર વિભાગમાં ચાલતી ચર્ચા મુજબ કમિશનર એસટીપી વિભાગના એડિશનલની બદલી કરવા માટે ઘણા સમયથી વિચારણા કરી રહ્યા છે. પરંતુ તેની સામે આ જવાબદારી કોને સોંપવી તે મામલે તેઓ ગડમથલમાં છે. એસટીપી વિભાગમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા દેવાંગ દરજી આ મામલે સક્ષમ છે. પરંતુ, કમિશનર તેમની સામે પૂર્વગ્રહ છે.

આ ઉપરાંત વોટર ઓપરેશન વિભાગના અમિત સંઘવી અને પ્રભાકરના નામો માટે પણ વિચારણા ચાલી રહી છે. મ્યુનિ.કમિશનર વારંવાર હાઈકોર્ટની આકરી ટીકાથી બચવા માટે એસટીપી વિભાગમાં મોટાપાયે ફેરફાર કરે તેવી શક્યતા જોવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.