સંબંધ ખરાબ ન થઈ જાય એવા અનેક ડરને કારણે લોકો પોતાની સાથે થતો અન્યાય સહન કરતા હોય છે.
આવું કરવાથી એમની મેન્ટલ પીસ હણાય છે સાથે સાથે હેલ્થ પણ બગડે છે-જરૂર લાગે ત્યાં બોલવું જરૂરી છે
સંતોષ આજે ખુબ દેખાતો હતો. તેના મનમાંથી જાણે કે બોજ ઉતરી ગયો હોય એમ એને લાગ્યું. ઘણાં સમયથી અમુક વલોપાત તેના મનમાં ચાલી રહ્યો હતો, પણ વલોપાત વિશે વાત કરતાં બાજી બગડી જશે તો એવો ડર પણ મનમાં સતાવતો હતો. આ ડર અને સતત મનમાં ચાલતા વલોપાતની અસર તેના શરીર ઉપર થઈ રહી હતી. લાંબો સમય સુધી અમુક વસ્તુ સહન કર્યું. હવે જે થવું હોય તે થાય, એક વાર જણાવી જ દેવું. આવું વિચાર્યા પછી તેણે અંતે કહી દીધું.
મૂળ વાત એવી હતી કે ઓફિસમાં તેના ઉપરી તેની સાથે ખરાબ વર્તન કરી રહ્યાં હતા. આ અનુભવ તેને લાંબા સમયથી થઈ રહ્યો હતો. તે કામમાં અવ્વલ હતો, પણ કામ બાબતે નહીં તો બીજી રીતે તેને હેરાન કરવામાં આવી રહ્યો હતો. પોતાના ગમતા લોકોને સપોર્ટ કરવો અને સંતોષને હેરાન કરવો એવો એજન્ડા ચાલી રહ્યો હતો. કામ પણ બીજા કરતાં વધારે પડતું આપતા, વ‹કગ અવર્સ પણ વધારે થતા, આ બધાં પછી ઈન્ક્રિમેન્ટમાં પણ વધારો ન આવ્યો અને વર્તન પણ ન સુધર્યું.
આવું સતત એક વર્ષ સુધી ફેસ કર્યા પછી આજે સંતોષે નકકી કરીને બોસને અમુક વસ્તુ જણાવી દીધી. બેઝિકલી તેણે જણાવી દીધું કે પોતે નાનો નથી. તેની સાથે જે પક્ષપાત થઈ રહ્યો છે તે વિશે બધું જ સમજે છે, અને આ પક્ષપાત ખોટો છે એ પણ તેને સમજમાં આવે છે. જો આવું જ ચાલતું રહ્યું તોતે વહેલાસર નોકરી છોડી દેશે અને નોકરી છોડવાનું રિઝન પણ આ જ લખશે.
આટલી સ્પષ્ટ વાત કર્યા બાદ સંતોષને આજે એક વર્ષ પછી ઘણી જ શાંતિ અનુભવાઈ રહી હતી. ખુશ અને રિલેક્સ હતો. હવે તેને ડર નહોતો કે નોકરી ઉપર અસર થશે તો ? કારણ કે તેણે મન મક્કમ કરી લીધું હતું. નોકરી જાય તોય હવે તેને અફસોસ નહોતો. તેણે વિચાર્યું કે મારી મેન્ટલ પીસથી વિશેષ કંઈ નથી. એના ભોગે હું નોકરીમાં પક્ષપાત તો ન જ સહન કરી શકું. મનોમન આવી બાબતો નકકી કરીને અંતે સંતોષે અમુક ચોખ્ખી વાત તેના બોસને કરી દીધી અને બહાર નીકળી ગયો.
બીજા દિવસે તે ઓફિસ આવ્યો ત્યારે અને એ પછીના બધા જ દિવસોમાં તેણે માર્ક કર્યું કે બોસ હવે પ્રમાણમાં પહેલાં કરતા ઘણું સારું વર્તન કરી રહ્યા હતા, વળી હવે તેઓ માત્ર એની પાસે જ વધારે કામ નહોતા કરાવતા. એકંદરે મનની વાત મજબુતાઈથી કોઈની સામે રાખવાનો આ ફાયદો પણ છે.
વેલ, સંતોષ જેવું ઘણાં લોકો સાથે થતું હોય છે, તેમની સાથે શું થઈ રહ્યું છે એની એમને બધી જ સમજણ હોય છે પણ તેઓ કામ જતું ન રહે, સંબંધ ખરાબ ન થઈ જાય એવા અનેક ડરને કાણે પોતાની સાથે થતો અન્યાય સહન કરતાં રહે છે. આવું કરવાથી એમની મેન્ટલ પીસ હણાય છે સાથે સાથે હેલ્થ પણ બગડે છે. આવું ન થાય એ માટે અમુક જગ્યાએ જયાં બોલવા જેવું લાગે ત્યાં બોલી જ લેવું જોઈએ.
અલબત્ત, એના રેપોક્રેશન આવી શકે છે, પણ એક વાર બોલશો તો સામેની વ્યક્તિને એટલું તો સમજાશે કે તમે મૂર્ખ નથી. તમે બધી જ હા.. હા નથી કરતા. તમારી અંદર પણ સમજણશક્તિ છે. કોઈને ખાસ કરીને ઉપરીના મોઢે કંઈ કહેવાના પરિણામ પણ ભોગવવાં પડતા હોય છે પણ એ બધાથી પરે આપણી મેન્ટલ પીસ હોય છે એટલે એને આંચ ન આવે એ ધ્યાન રાખવું.