Western Times News

Gujarati News

રોહિંગ્યાઓનું ભારતમાં ગેરકાયદેસર સ્થળાંતર આંતરિક સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ ચિંતાનું કારણ

ભારતમાં મુસ્લિમ રોહિંગ્યાઓને સ્થાયી થવાનો કોઈ અધિકાર નથી: કેન્દ્ર સરકારનું સ્પષ્ટ વલણ

નવી દિલ્હી, ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનારા રોહિંગ્યાઓ અંગે કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, ગેરકાયદે રોહિંગ્યા મુસ્લિમ ઈમિગ્રન્ટ્‌સને ભારતમાં સ્થાયી થવાનો કોઈ અધિકાર નથી.

રોહિંગ્યાઓનું ભારતમાં ગેરકાયદેસર સ્થળાંતર આંતરિક સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ ચિંતાનું કારણ છે.

રિપોર્ટ અનુસાર, સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે, ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા લોકોને શરણાર્થીનો દરજ્જો આપવા માટે ન્યાયતંત્ર સંસદ અને કાર્યપાલિકાના કાયદાકીય અને નીતિવિષયક ક્ષેત્રમાં જઈ શકે નહીં. આ સંદર્ભમાં કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં સુપ્રીમ કોર્ટના ઘણા નિર્ણયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં સરકારે જણાવ્યું હતું કે, કલમ ૨૧ હેઠળ વિદેશી નાગરિકો ભારતમાં ફરી શકે છે પરંતુ તેમને ભારતમાં સ્થાયી થવાનો અધિકાર નથી.

રિપોર્ટ અનુસાર, સરકારે જણાવ્યું હતું કે, ભારત સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગના શરણાર્થી કાર્ડને પણ માન્યતા આપતું નથી, જેની મદદથી કેટલાક રોહિંગ્યા મુસ્લિમો શરણાર્થી દરજ્જાનો દાવો કરી રહ્યા છે. ભારત પહેલાથી જ પડોશી દેશ (બાંગ્લાદેશ) માંથી મોટા પાયે ગેરકાયદેસર સ્થળાંતરનો સામનો કરી રહ્યું છે, જેણે કેટલાક સરહદી રાજ્યો (આસામ અને પશ્ચિમ બંગાળ) ની વસ્તી વિષયક પરિસ્થિતિમાં ફેરફાર કર્યો છે.

અટકાયત કરાયેલા રોહિંગ્યાઓને મુક્ત કરવાની માગણી કરતી અરજીનો પણ સરકારે જવાબ આપ્યો છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે ભારતમાં રહેતા રોહિંગ્યાઓ સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે જે લોકો ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરશે તેમની સામે ફોરેનર્સ એક્ટની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સરકારે કહ્યું કે, ભારત તેના ઘરેલુ માળખા હેઠળ રોહિંગ્યાઓ સાથે વ્યવહાર કરશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.