Western Times News

Gujarati News

પ્રકૃતિની પરમાર્થતા કેટલી છે? અગણિત એના ઉપકાર છે માનવજાત પર

પ્રકૃતિની પરમાર્થતા -દુનિયાનાં એક જગપ્રસિદ્ધ ચિત્રકારને જયારે પૂછવામાં આવ્યું કે , તમારા મતે સૌથી મહાન ચિત્રકાર કે રચયિતા કોણ છે ?? ત્યારે એમનો જવાબ હતો ‘નેચર’, એટલે કે કુદરત

એની કૃતિઓ આગળ તમામ ચિત્રકારની કૃતિઓ વામણી છે. એમના મતે કુદરત પાસે જે રંગો છે ,એ કદાચ કોઈની પણ પાસે નથી .કુદરતની દરેક કૃતિ અદ્વિતીય છે અને રહેશે .કુદરતની અનોખી કૃતિઓ આપણે કંઈકને કંઈક સંદેશો આપે છે . માનવજીવન કેવી રીતે ઉત્તમ બની શકે એ અંગેનું લોજીક અહીં યથાર્થ હાજરી પુરાવે છે.

માનવીના પ્રયત્નો પોતાના ઉત્કૃષ્ટ સર્જન તરફ આગળ વધતાં રહે છે, જયારે કુદરતનાં પોતાના સર્જનમાં પવિત્રતા અને દિવ્યતાનો સંગમ જોવા મળે છે .વૃક્ષના બે પાન કે રેતીના બે કણ પણ જયારે એક સરખાં નથી ….ત્યારે વિવિધતા અને નવીનતા વિષે કુદરતને ચેલેન્જ કોણ આપી શકે ?

લાખો વિષમતાઓની વચ્ચે પણ ખીલતાં ફૂલો અને પથ્થરોની વચ્ચેથી કલકલ કરતાં ઝરણાંઓ શું કહી જાય છે ….?શું એ જોઈને કુદરતને નમન કરવાનું મન નથી થતું ..?એ સામાન્ય માણસ પણ કહી શકશે કે ,કુદરત કાંઈ પણ કરી શકે છે ….તેની શક્તિની પરાકાષ્ટાનો અંદાજ લગાવવો મુશ્કેલ છે .

વ્યક્તિ વારંવાર કુદરતને ચેલેન્જ કરે છે અને પોતાનાં જીવનમાં ઝંઝાવાત પેદા કરી મૂકે છે .કેટલીકવાર જીવન જીવવાની રીત સમજતો હોવા છતાંયે સત્યનીઉપેક્ષા કરે છે .જીવનમાં તેથીજ દુઃખો , તકલીફો અને મુંઝવણોની વણથંભી વણઝાર લાગેલી રહે છે .જીવનની પરિસ્થિતિ ક્યારેય એને અનુકૂળ હતી જ નહીં ….એવું એ માનવાં લાગે છે .આ એની અપરિપક્વ માનસિકતાની નિશાની છે .

દરેક વ્યક્તિ પોતાની આસપાસના લોકોના જીવનમાંથી ઘણું બધું અજાણતાં શીખી લે છે .સુખ પછી આવેલાં દુઃખને સ્વીકારવાની સાહજિકતા એનું જમા પાસું છે .જીવનમાં મળેલી સફળતાઓમાં એની આ વિચારધારા પ્રગતિનો આધારસ્તંભ એ બની રહે છે.

માત્ર પોતાના માટે જીવી કોઈ પોતાના જીવનને ધન્ય ન બનાવી શકે …જયારે વ્યક્તિ કુદરતની જેમ પોતાનામાં સદભાવના કેળવશે ત્યારે એ પણ ઉત્કૃષ્ટ સર્જન કરી શકવા સક્ષમ બનશે .બીજાનું કલ્યાણ કરવાની ભાવના માનવીને ઘમંડી અને અહંકારી થતાં અટકાવે છે .

કુદરતના સર્જનો ..એજ કહે છે ,પરિવર્તનને સમયને આધીન રહીને કરવામાં આવે તો તકલીફો સાથે પણ આગળ વધી શકાય છે .ટોચ કે ઉંચાઈ પર ટકી રહેવું ખુબ અઘરું છે ,એટલે સતત ઉંચાઈ પર રહેવાનો આગ્રહ છોડવો જોઈએ .ઊંચા પર્વતો પર ટકી રહેલાં પથ્થરો પોતાને જોડી રાખવાં કેટલું બેલેન્સ રાખતાં હશે …??એ વિચારણીય છે .સમયનાં મારની અસર એને પણ થાય છે .એને પણ ઉંચાઈથી છેક નીચે પટકાવાની ભીતિ હંમેશા રહેતી હશે .આજ સુંદર સંદેશ આપણને પર્વતો આપે છે .

કુદરતના સર્જનની વિશેષતા એ છે કે , અહીં તમારું કદ કે વિશાળતા કરતાં તમારી સમાજ માટેની ઉપયોગીતાની નોંધ લેવાય છે .દરિયાની વિશાળતા હોય કે ,રણની અફાટ સીમા…એની ઉપયોગીતા એક નાની વીરડી આગળ વામણી સાબિત થાય છે …જયારે પાણીની તરસથી માનવીનો જીવ જતો હોય ત્યારે દરિયાના પાણીનું મૂલ્ય શુન્ય થઇ જાય છે .

કુદરતની કલ્પનાના રંગોની આભા દેદિપ્યમાન હોય છે , જયારે સૂરજની આકાશમાં પધરામણી થતી હોય ત્યારે અને એ આકાશી પટલપરથી વિદાય થતી હોય ત્યારે ક્ષિતિજો પર અદભુત રંગોનું મિશ્રણ ….અને એનાથી રચાતી કૃતિઓ કેટલી સુંદર હોય છે એ આપણે સૌ જાણીયે જ છીએ .આ ક્ષિતિજોનું આકર્ષક સ્વરૂપ કાંઈ એક સરખું ક્યારેય નથી હોતું …રોજ કંઈક નવું ઉમેરાય તો ક્યારેક ઘટતું જાય છે ,તો વળી ક્યારેક માત્ર શૂન્યતા દીસે છે .આ એજ સંદેશો આપે છે જે , જીવનના દરેક પડાવને સહર્ષ સ્વીકારી લો .એનો એજ સંદેશ છે …કે મનુષ્ય જેટલું જલ્દી સત્ય સ્વીકારે અને એને અનુરૂપ થઈને જીવવાનું શરૂ કરે તો સમયાંતરે જીવન રૂપી આકાશીપટલ પર નવી તકોનું અવતરણ અચૂક થશે .

જીવનની જંગમાં ,જ્યાં કોની પાસે ક્યુ શસ્ત્ર છે અને એ ક્યારે તમારી સામે ઉગમશે એનો તમને ખ્યાલ સુધ્ધા નથી હોતો .એવી જ રીતે પ્રકૃતિની નારાજગી વહોરશો તો એ પણ તમારી સામે ક્યુ શસ્ત્ર ઉગામશે એનો ખ્યાલ સુદ્ધા કોઈને નહીં આવે .પ્રકૃતિએ આપેલી આફતોનો ઉંબરો ઓંળગવા આપણે તેના તમામ સર્જનને ઉત્કૃષ્ટ સર્જન તરીકે પહેલા બિરદાવું જ પડશે ……એની તમામ કૃતિઓ આડકતરી રીતે સમજાવે છે કે જીવન તોજ સહ્ય લાગશે કે,

જયારે કુદરતની નજીક આવીને આપણે પોતાની સાથે સાથે અન્યનું પણ વિચારીયે . માત્ર …મારું શું ?અને મને શું ?ના વિચારોના ચક્રવ્યુહમાંથી બહાર આવી આપણા જીવનને મૂલ્યપ્રેરક બનાવવું જ પડશે …

ગમે તેટલી ડિગ્રીઓ હાંસિલ કરી હોય ,કે ઊંચા હોદ્દા પર હોઈએ , પણ આપણે હંમેશા ઉમદા કાર્યની ભૂખ જાગૃત રાખવી જોઈએ .પ્રકૃતિ પણ આડકતરી રીતે એજ સંદેશો આપે છે ,કે કુદરતના સર્જનો ગમે તેટલાં સુંદર અને અદભુત હોય … પણ જયારે એ અન્યના જીવનને વધુ સહ્ય અને સુંદર બનાવે છે ત્યારે એની મહત્તા વધી જાય છે . વૃક્ષ ,નદી કે પથ્થરો …દરેકનું માનવજીવનમાં કેટલું બધું યોગદાન છે .તેથી તેઓ ઉત્કૃષ્ટ સર્જનની યાદીમાં કદાચ પ્રથમ આવે છે .

મારા મતે , કુદરતનું ઉત્કૃષ્ટ સર્જન માનવી પોતે જ છે .સંવેદનાઓથી છલોછલ વ્યક્તિત્વ અને શબ્દો પર યોગ્યમાત્રામાં પ્રભુત્વ ,માનવીને બીજાથી જરૂર અલગ પાડશે .રોજ રાત્રે કંઈક સારું કામ દિવસભરમાં કરી શક્યાની અનુભૂતિ જ વ્યક્તિને ઉત્કૃષ્ટ મનુષ્યત્વનો ધની બનાવી શકશે ,એમાં શંકા નથી . પ્રકૃતિની પરમાર્થતા કેટલી છે ….?એનો જવાબ કોઈ નહીં આપી શકે .અગણિત એના ઉપકાર છે માનવજાત પર .કુદરતનાં ઉત્કૃષ્ટ સર્જનોની યાદીતો ખુબ લાંબી છે …આપણે એ યાદીને ટૂંકી કરવાં એવાં કોઈ કાર્યો ના કરીયે ,એમાં આપણી સારપ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.