Western Times News

Gujarati News

બાલ્ટિમોર બ્રિજ દુર્ઘટનાઃ ગુમ થયેલા છ લોકોની લાશ પણ ના શોધી શકાઈ

નવી દિલ્હી, અમેરિકાના બાલ્ટિમોરમાં મંગળવારે રાત્રે ૧.૨૭ કલાકે મહાકાય કાર્ગો શિપ અથડાતાં પાતાપ્સ્કો નદી પરનો ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ તૂટી પડવાના મામલામાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

આ અકસ્માત થયો ત્યારે અત્યંત વ્યસ્ત રહેતા બ્રિજ પરના રસ્તાનું સમારકામ કરવા માટે આઠ લોકો ફરજ પર હતા, જે તમામ બ્રિજ તૂટી પડતાં જ પાતાપ્સ્કો નદીના થીજવી દે તેવા ઠંડા પાણીમાં ડૂબી ગયા હતા. ગઈકાલે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન બે લોકોને બચાવવામાં આવ્યા હતા, જેમાંથી એકની હાલત ખૂબ જ ગંભીર હતી.

જોકે, આ ઘટનાને ૨૪ કલાકથી પણ વધુનો સમય વિતિ ગયા બાદ નદીમાં પડેલા લોકોના જીવતા રહેવાની કોઈ શક્યતા ના રહી હોવાથી તેમને શોધવાની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ તૂટી પડ્યો ત્યારે અહીંનું તાપમાન માઈનસ બે ડિગ્રી હતું,

આવી કાતિલ ઠંડીમાં કોઈ વ્યક્તિ જો ૨૪ કલાક જેટલો સમય નદીના પાણીમાં રહે તો તેનું બચવું અશક્ય છે તેમ જણાવતા કોસ્ટ ગાર્ડ્‌સે ગુમ થયેલા છ લોકોને શોધવાની કામગીરી બંધ કરી હતી. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ મજૂરો માઈગ્રન્ટ્‌સ હોવાનું બહાર આવ્યું છે જે એલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, હોન્ડુરાસ અને મેક્સિકોના વતની હતા.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં કન્સ્ટ્રક્શનના કામમાં માઈગ્રન્ટ કામદારો મોટાપાયે રોકાયેલા છે. જે બ્રિજ સાથે શિપ અથડાયું હતું તેને ૧૯૭૭માં ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો, અને ૨૦૨૩માં તેના પરથી ૧૨.૪ મિલિયન વાહનો પસાર થયા હતા. આ અકસ્માત બાદ બ્રિજની ડિઝાઈન પર પણ સવાલો ઉઠાવાઈ રહ્યા છે.

એક્સપર્ટ્‌સનું એવું કહેવું છે કે જો બ્રિજના સપોર્ટને યોગ્ય રીતે કવર કરવામાં આવ્યા હોત તો કદાચ તેને તૂટી પડતો બચાવી શકાયો હોત. બ્રિજ જેના ટેકા પર ઉભો હોય તેને ટેકનિકલ ભાષામાં પાયલન તરીકે ઓળખવામાં આવે છે, જેને પ્રોટેક્ટ કરવા માટે જે બ્લોકિંગ ડિવાઈસનો ઉપયોગ થાય છે તેને ફેન્ડર કહેવાય છે.

મંગળવારે પોર્ટ ઓફ બાલ્ટિમોરથી ઉપડેલું માલવાહક જહાજ ‘ડાલી’ પોર્ટ પરથી નીકળ્યાના માત્ર પોણો કલાકમાં જ બ્રિજ સાથે અથડાઈ ગયું હતું. ૯૫૮ ફુટ લાંબુ આ કાર્ગો જહાજ શ્રીલંકા તરફ જઈ રહ્યું હતું, તેમાં ૪,૭૦૦ કન્ટેઈનર્સ લોડ કરવામાં આવ્યા હતા અને તેના ચાલકદળના તમામ ૨૨ સભ્યો ભારતીયો હતા. શિપની માલિકી ધરાવતી કંપનીનો દાવો છે કે તેની કેપેસિટી કરતાં ત્રીજા ભાગના જ કન્ટેનર તેમાં લોડ કરાયા હતા, તેમજ આ જહાજનું ૨૦૧૫થી અત્યારસુધી ૨૭ વાર ઈન્સપેક્શન પણ થઈ ચૂક્યું છે.

૨૦૧૬માં ડાલી એન્ટવર્પ પોર્ટ પર પથ્થરની દીવાલ સાથે અથડાયું હતું પરંતુ તેનાથી તેને કોઈ નુક્સાન નહોતું થયું. અકસ્માત બાદ આ જહાજમાંથી ડીઝલ લીક થાય તેવી આશંકા પણ સર્જાઈ હતી, પરંતુ સદ્દનસીબે હજુ સુધી આવી કોઈ ઘટના સામે નથી આવી.

બ્રિજને અથડાયેલું જહાજ ઘટનાના ૨૪ કલાક બાદ પણ તે જ સ્થિતિમાં છે, જોકે તે બ્રિજ સાથે અથડાયું તે પહેલા જ તેના કેપ્ટને ‘મેડે કોલ’ કર્યો હતો. શિપ બેકાબૂ થયા હોવાની માહિતી પહેલા જ મળી જતાં ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ અવર-જવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જો આમ ના થયું હોત તો આ અકસ્માતમાં મોટી જાનહાનિ થઈ હોવાની પૂરી શક્યતા હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.