Western Times News

Gujarati News

નડિયાદની મફતલાલ મીલના 350 કર્મચારીઓ થયા મતદાન કરવા પ્રતિજ્ઞાબદ્ધ

(પ્રતિનિધિ) નડિયાદ, આગામી લોકસભા ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી દ્વારા વધુમાં વધુ નાગરિકો અચૂક મતદાન કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ ઉપક્રમે નડિયાદની જાણીતી મફતલાલ મીલ ઈન્ડસ્ટ્રીઝ ખાતે મીલના કર્મચારીઓને મતદાન કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. જેમાં અંદાજિત ૩૫૦ જેટલા કર્મચારીઓ દ્વારા લોકશાહીના મૂલ્યોની જાળવણી હેતુ મતદાન પ્રક્રિયામાં સહભાગી થઈ મતદાન કરવા અને અન્ય લોકોને પણ મતદાનની પ્રેરણા આપવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

આ પ્રસંગે મફતલાલ ઈન્ડસ્ટ્રીઝના યુનીટ હેડ અને વાઈસ ચેરમેન રમેશ પટેલ દ્વારા મીલના કર્મચારીઓ સહિત સમગ્ર જિલ્લાના મતદારોને સો ટકા મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. સાથે લોકસભા ચુંટણી ૨૦૨૪માં મતદાનના દિવસે કર્મચારીઓને કામકાજના સમયમાં વોટીંગ કરવા માટે અનુકુળ આયોજન કરી આપવા પણ ખાતરી આપવામાં આવી હતી.

વધુમાં, ગુતાલ પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી પારસભાઈ દવે દ્વારા મતદાન જાગૃતિ માટે પ્રાસંગિક ઉદ્વબોધન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર સાજેદા સબાસરા, એજ્યુકેશન ઈન્સ્પેક્ટર રાજેશ સુમેરા, મફતલાલ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટીંગ વાઈસ પ્રેસિડન્ટ ગૌરવ ગુપ્તા, મેનેજર અંકિત પટેલ, સ્વીપ કાર્યક્રમ અંતર્ગતના કર્મચારીઓ સહિત મફતલાલા મીલના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.