Western Times News

Gujarati News

બહેરામપુરા CEPT: AMC કોર્પોરેશને ગોળો અને ગોફણ બંને ગુમાવ્યા

પ્રતિકાત્મક

AMC ના ચોપડે માત્ર ૭૩ર ફેકટરીઓ જ રજીસ્ટર છે જયારે CEPTમાં જોડાણની સંખ્યા લગભગ ર૦૦૦ સુધી પહોંચી ગઈ છે.

મ્યુનિ. કોર્પોરેશને GPCB અને મેગા એસોસીએશનને નોટિસ આપીઃ સૂત્ર

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સાબરમતી નદી શુદ્ધિકરણ મામલે વધુ એક વખત પીછેહઠ થઈ છે. દાણીલીમડા-બહેરામપુરાના અંદાજે ૩ હજાર કરતા વધુ પ્રોસેસ હાઉસ અને ફેકટરીઓમાંથી છોડવામાં આવતા ગંદા પાણીને ટ્રીટ કરવા માટે અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટીંગ એસોસીએશનની માંગણી મુજબ ૩૦ એમએલડીનો CEPT (COMMON EFFLUENT TREATMENT PLANT) તૈયાર કરી આપવામાં આવ્યો છે.

પરંતુ ફેકટરી અને પ્રોસેસ હાઉસમાંથી જે પાણી સીઈટીપીમાં છોડવામાં આવે છે તે અત્યંત પ્રદુષિત હોય છે. આ ઉપરાંત મ્યુનિ. કોર્પો. સાથેની શરત મુજબ સીઈટીપી માટે એસોસીએશન દ્વારા અલગથી નેટવર્ક નાંખવામાં આવ્યા ન હોવાથી ૧૮૦ અને ૧પપ એમએલડીના પેરામીટર પણ ખરાબ જોવા મળી રહયા છે. સીઈટીપીના કોન્ટ્રાકટરે પણ પેરામીટર્સ મામલે કોર્પોરેશન સમક્ષ અનેક વખત ફરિયાદ કરી છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂ.ર૧ર કરોડના ખર્ચથી દાણીલીમડા વિસ્તારમાં ૩૦ એમએલડી ક્ષમતાનો જે સીઈટીપી બનાવવામાં આવ્યો છે તે સદંતર નિષ્ફળ સાબિત થયો છે જેના કારણે મ્યુનિ. કોર્પોરેશને આ મામલે જીપીસીબી અને અમદાવાદ મેઘાલાઈન એસોસીએશનને પત્ર લખ્યો છે. મ્યુનિ. કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યા મુજબ આ વિસ્તારની ફેકટરીઓમાંથી જે પાણી સીઈટીપીમાં છોડવામાં આવે છે તેમાં પીએચ અને એસએસની માત્રા ઘણી જ વધારે હોય છે.

GPCBના નિયમ મુજબ એસએસની માત્રા વધુમાં વધુ ૪૦૦ હોવી જોઈએ જેના બદલે ઘણી વખત તેનું પ્રમાણ ૧પ૦૦થી ર૦૦૦ પણ થઈ જાય છે જયારે પીએચની માત્રા ૬ થી ૮ વચ્ચે રહેવી જોઈએ જે ૧૧ સુધી પહોંચી જાય છે. મ્યુનિ. કોર્પોરેશને જયારે સીઈટીપીની દરખાસ્ત મંજુર કરી તે સમયે અને તેના લોકાર્પણ સમયે એસોસીએશન સમક્ષ કેટલીક શરતો રાખી હતી

જેમાં સીઈટીપીમાં પાણી છોડતા પહેલા તેનુ પ્રાયમરી ટ્રીટમેન્ટ કરવું ફરજીયાત હતું પરંતુ આ વિસ્તારની કોઈપણ ફેકટરી દ્વારા પ્રાયમરી ટ્રીટમેન્ટ કરવામાં આવી રહયું નથી. ચોંકાવનારી બાબત એ છે કે મ્યુનિ. કોર્પો.ના ચોપડે માત્ર ૭૩ર ફેકટરીઓ જ રજીસ્ટર છે જયારે સીઈટીપીમાં જોડાણની સંખ્યા લગભગ ર૦૦૦ સુધી પહોંચી ગઈ છે. જેના કારણે પ્લાન્ટમાં પ્રદુષિત પાણીની આવક પણ સતત વધી રહી છે તેમજ દરરોજ ૧ર એમએલડી કરતા વધુ પાણી બારોબાર નદીમાં છોડવાની ફરજ પડી છે.

આ વિસ્તારમાં આવેલ ફેકટરીઓ અને પ્રોસેસ હાઉસમાંથી પ૦ટકા જેટલા લોકો સીઈટીપીમાં પાણી છોડે છે જયારે બાકીના કેટલાક લોકો ૧૮૦ અને ૧૮પ એમએલડીની સુઅરેઝ લાઈનમાં પાણી છોડી રહયા છે. મ્યુનિ. કોર્પોરેશને આ તમામ ફેકટરીઓને સીલ કરી હતી પરંતુ સીઈટીપીના લોકાર્પણ બાદ કોર્પોરેશનની મંજુરી વગર જ તમામ ફેકટરીઓ ખુલી ગઈ છે.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નિયમ મુજબ સીઈટીપી દ્વારા પ્રદુષિત પાણી ટ્રીટ કરી તેને બારોબાર નદીમાં છોડવાની જવાબદારી જે તે એસોસીએશનની છે.
મ્યુનિ. કોર્પો.એ તેના માટે અલગ જ નેટવર્ક નાંખવા માટે પણ એસોસીએશનને જણાવ્યું હતું તથા તે શરતે જ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ લોકાર્પણ થયા બાદ આ શરતનું પાલન કરવામાં આવ્યું નથી અને સીઈટીપીના આઉટલેટને બાજુમાં આવેલા ૧૮૦ અને ૧પપ એમએલડીના શમ્પ સાથે જોડી દેવામાં આવ્યો છે

જેના કારણે ૧૮૦ અને ૧પપ એમએલડી પ્લાન્ટનું ટ્રીટેડ વોટર પણ પ્રદુષિત થાય છે અને તેના પેરામીટર પણ જળવાતા નથી. મ્યુનિ. કોર્પોરેશને સીઈટીપીના લોકાર્પણ કરતા પહેલા એસોસીએશન પાસેથી ચાર મહત્વની બાંહેધરી લીધી હતી જેમાં (૧) કેન્દ્ર અને રાજય સરકારની બાકી ગ્રાંટના રૂપિયા ૭૭.૪૮ કરોડ ૬ મહિનામાં લાવી આપવા અથવા એસોસીએશને ભરપાઈ કરવા

(ર) સીઈટીપીની જગ્યા સામે ર૭ હજાર ચો.મી જગ્યા મ્યુનિ. કોર્પોરેશનને આપવી પરંતુ એસોસીએશને માત્ર ૧પ હજાર ચો.મી. જમીન આપી છે તેથી ૧ર હજાર ચો.મી જમીન કોર્પોરેશનને ૬ મહિનામાં સોંપવી (૩) જમીનના જંત્રી ફરક મુજબના રૂ.૪ કરોડ કોર્પોરેશનમાં જમા કરાવવા અને (૪) નદીમાં પાણી છોડવા માટેના નેટવર્ક નાંખવાના રૂ.૬ કરોડ કોર્પોરેશનને આપવા વગેરે શરતનો સમાવેશ થાય છે. સીઈટીપીના ઉદ્‌ઘાટનને ૬ મહિના કરતા વધુ સમય થઈ ગયો છે

તેમ છતાં એસોસીએશન તરફથી ૪ પૈકી એક પણ શરતનું પાલન કરવામાં આવ્યું નથી તેમજ નકકી કરવામાં આવેલ પેરામીટર્સ મુજબ સીઈટીપીમાં પાણી આપવામાં આવતું નથી તેથી મ્યુનિ. કોર્પો.એ સમગ્ર મામલો જીપીસીબીને સોંપવા નિર્ણય કર્યો છે તથા આ અંગે જીપીસીબીને બે નોટીસ આપી છે તેમજ અમદાવાદ મેગા એસોસીએશનને પણ નોટીસ આપી ૩૦ એમએલડી સીઈટીપી અંગે તાકિદે કાર્યવાહી કરવા જણાવ્યું છે.

જોકે આ મામલે કોન્ટ્રાકટરનો કોઈ દોષ ન હોવાથી તેની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. મ્યુનિ. સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે પ્લાન્ટ ઈનલેટના પેરામીટર્સ અંગે કોન્ટ્રાકટર દ્વારા દર અઠવાડિયે એક વખત કોર્પોરેશનની સક્ષમ સત્તા સમક્ષ ફરિયાદ કરવામાં આવી રહી છે પરંતુ મ્યુનિ. વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ આ મામલે નિષ્ક્રિય સાબિત થયા છે હાલ સીઈટીપીની પરિસ્થિતિ જોતા એમ લાગી રહયું છે કે મ્યુનિ. કોર્પોરેશને ગોળો અને ગોફણ બંને ગુમાવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.