મુખ્યમંત્રી ન હોવા છતાં આ બે મહિલાઓને ઈન્ડિયા ગઠબંધનની મેગા રેલીમાં મળ્યું સ્થાન
જેલમાંથી કેજરીવાલે આપી ૬ ગેરંટી, દેશમાં ૨૪ કલાક વિજળી, એક સમાન શિક્ષણ-AAPના કેજરીવાલની પત્ની સુનીતાના ભાજપ પર પ્રહાર
(એજન્સી)નવી દિલ્હી, એક્સાઈઝ પોલિસી ભ્રષ્ટાચાર કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં રામલીલા મેદાન ખાતે ઈન્ડિયા ગઠબંધનની મેગા રેલી યોજાઈ હતી. અહીં અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતાએ મંચ પરથી અરવિંદ કેજરીવાલનો પત્ર વાંચીને ભાજપ પર પ્રહારો કર્યા હતા. સુનીતા કેજરીવાલે કહ્યું કે કેજરીવાલજીની કેન્દ્ર સરકારે ધરપકડ કરી છે, પરંતુ કેજરીવાલજી સિંહ છે.
કેજરીવાલે જેલમાંથી તમારા માટે સંદેશ મોકલ્યો છે. તેમણે કહ્યું છે કે હું તમારી પાસે વોટ નથી માંગી રહ્યો, હું તમને કોઈને હરાવવા કે જીતવા માટે નથી કહી રહ્યો. જ્યારે કેટલાક નેતાઓ સવાર-સાંજ ઉમળકાભેર ભાષણો આપે છે અને દેશને લૂંટવામાં લાગેલા હોય છે ત્યારે ભારત માતા ખૂબ ગુસ્સે થાય છે. આવા લોકોને ભારત માતા પ્રત્યે સખત નફરત હોય છે.
ચાલો એક નવું ભારત બનાવીએ. જ્યાં દરેકને ભોજન, રોજગાર મળશે, કોઈ ગરીબ નહીં રહે. દરેકને સારું શિક્ષણ મળશે. દરેક બીમાર વ્યક્તિને સારી સારવાર મળશે. ભલે તે અમીર હોય કે ગરીબ. અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે વાંચેલા પત્રમાં દિલ્હીના મુખ્યમંત્રીએ દેશવાસીઓને છ ગેરંટી આપી છે.
૧. અમે આખા દેશમાં ૨૪ કલાક વીજળીની વ્યવસ્થા કરીશું, ક્યાંય વીજ કાપ નહીં આવે.
૨. દેશભરમાં ગરીબોને મફત વીજળી મળશે.
૩. સમાન શિક્ષણ મળશે
૪. અમે દરેક ગામ અને વિસ્તારમાં મોહલ્લા ક્લિનિકની સ્થાપના કરીશું અને દરેક વ્યક્તિ માટે મફત સારવારની વ્યવસ્થા કરીશું.
૫. સ્વામીનાથન કમિશન મુજબ ખેડૂતોને તેમના પાકના વાજબી ભાવ આપવામાં આવશે.
૬. દિલ્હીના લોકોને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપશે
સુનીતા કેજરીવાલે અરવિંદ કેજરીવાલનો પત્ર વાંચતા કહ્યું, “તમારા પુત્ર કેજરીવાલે જેલમાંથી સંદેશો મોકલ્યો છે. આ બીજેપી લોકો કહે છે કે કેજરીવાલે રાજીનામું આપી દેવું જોઈએ. તમારા કેજરીવાલ સિંહ છે. કેજરીવાલ કરોડો લોકોના દિલમાં વસે છે.
પત્રમાં લખવામાં આવ્યું હતું કે, મારા પ્રિય ભારતીયો, કૃપા કરીને તમારા આ ભાઈની જેલમાંથી શુભેચ્છાઓ સ્વીકારો. હું તમારો મત માંગતો નથી. હું ૧૪૦ કરોડ ભારતીયોને નવા ભારતના નિર્માણ માટે આમંત્રણ આપું છું. ભારત એક મહાન દેશ છે. એક મહાન સંસ્કૃતિ છે.
આપણા લોકો શા માટે અભણ છે, તેઓ ગરીબ કેમ છે ? હું જેલમાં છું, અહીં મને વિચારવાનો મોકો મળે છે. ભારત માતા દુઃખમાં છે, દુઃખી છે. જ્યારે ભારત માતાના બાળકોને સારુ શિક્ષણ નથી મળતુ, જ્યાં સુધી દેશના ઘણા ભાગોમાં સારી તબીબી સારવાર ન મળતા તેઓ દુઃખી છે. ભારત માતા દેશને લૂંટનારા આવા લોકોને સખત નફરત કરે છે.
ભારત ૧૪૦ કરોડ લોકોનું સપનું છે, દરેક હાથને કામ મળશે. દરેક બાળકને સારું શિક્ષણ મળશે. અમીર હોય કે ગરીબ, જ્યાં દુનિયાભરના યુવાનો ભણવા આવશે. આપણે ભારતની આધ્યાÂત્મકતાને દુનિયામાં ફેલાવીશું. આજે હું દેશના ૧૪૦ કરોડ લોકોને આહ્વાન કરું છું. પત્રના અંતમાં અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, “હું જેલમાં સ્વસ્થ છું અને ઉર્જાથી ભરપૂર છું. ભગવાન મારી સાથે છે. હું જલ્દી બહાર આવીશ અને તમને મળીશ.