Western Times News

Gujarati News

દુકાન માલિકો ગંદકીની રજૂઆત કરતાં “ના ફાવે તો દુકાનો પાલિકાને પરત આપી દો” તેવો જવાબ મળ્યો

પેટલાદના વેપારીઓ સાથે CO(chief officer) નું ઉદ્ધત વર્તન-ગંદકીની રજૂઆત કરતાં દુકાન ખાલી કરવાનો જવાબ મળ્યો

(તસ્વીરઃ દેવાંગી ઠાકર) (પ્રતિનિધિ) પેટલાદ, શહેર મધ્યે સરદાર ચોક ખાતે નગરપાલિકાનું સચ્ચિદાનંદ શોપિંગ સેન્ટર આવેલ છે. અહિંયાં લગભગ ૬૩ જેટલી દુકાનો છે. વર્ષોથી કાર્યરત આ શોપિંગ સેન્ટરમાં થતી અસહ્ય ગંદકી સંદર્ભે વેપારીઓ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવા ગયા હતા. પરંતુ વેપારીઓની રજૂઆત સાંભળી સંતોષકારક જવાબ આપવાના બદલે ઉદ્ધતાઈ ભર્યું વર્તન ચીફ ઓફિસરે કર્યું હતું. Insolent behavior of the chief officer with Petlad traders

વેપારીઓની સમસ્યાનું સમાધાન કરવાના બદલે ચીફ ઓફિસરે કહ્યું હતું કે ના ફાવે તો દુકાનો પાલિકાને પરત આપી દો. આ સાંભળી વેપારીઓમાં ભારે રોષ ફેલાયો હોવાનું જાણવા મળે છે. પેટલાદ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટાયેલા પ્રતિનિધીઓને પણ ગાંઠતા નહીં હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.

પેટલાદ નગરપાલિકામાં ભાજપનું શાસન છે. અહિયાં છેલ્લા ઘણાં સમયથી કર્મચારીઓ અને અધિકારીઓની પ્રજા સાથે દાદાગીરી તથા ઉદ્ધત વર્તનની અનેક ફરિયાદો ચર્ચાસ્પદ બની હતી. તેમાં વધુ એક ઘટના સામે આવી છે. પેટલાદ શહેરના સરદાર ચોક વિસ્તારમાં પાલિકાનું સ્વામી સચ્ચિદાનંદ શોપિંગ સેન્ટર આવેલ છે. જ્યાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્‌લોર મળી આશરે ૬૩ જેટલી દુકાનો છે.

જે તમામ પાલિકાએ પાઘડીની રકમ લઈ ભાડે આપેલ છે. આ કોમ્પલેક્ષની વચ્ચે એક જાહેર મૂતરડી બનાવેલ છે. જેનો ઉપયોગ દિવસ દરમ્યાન અસંખ્ય લોકો કરે છે. જેથી વારંવાર ગંદકીનું સામ્રાજ્ય સર્જાય છે. રાત્રી દરમ્યાન અનેક લોકો મૂતરડી સિવાય દાદરમાં પેશાબ કરી ગંદકી ફેલાવતા હોય છે. ઉપરાંત કેટલાક લોકો દ્વારા આ દાદરનો ઉપયોગ શૌચાલય તરીકે કરી ગંદકીમાં વધારો કરે છે.

ઘણાં સમયથી ચાલતી આવતી ગંદકીની આ સમસ્યાથી કોમ્પલેક્ષના વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. જેથી વેપારીઓએ ગત તા.૧૬ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ લેખિતમાં એક અરજી પાલિકામાં કરી હતી. જેમાં આ જાહેર મૂતરડીની નિયમીત સાફ સફાઈ, જાળી કે બારણાંની વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી. વધુમાં વેપારીઓએ ઉલ્લેખ કર્યો હતો કે આ મૂતરડીના બદલે કોમ્પલેક્ષની બંન્ને બાજુના છેવાડે જો જાહેર મૂતરડી બનાવવામાં આવે તો કાયમી ઉકેલ આવી શકે.

પરંતુ આ અરજીનો કોઈ જ પ્રત્યુત્તર વેપારીઓને મળ્યો ન્હોતો. જેથી તા.૨૮ માર્ચના રોજ વેપારીઓએ પાલિકામાં ચીફ ઓફિસરની રૂબરૂ મુલાકાત લઈ સમસ્યાની રજૂઆત કરી હતી. પરંતુ ચીફ ઓફિસરે વેપારીઓ સાથે ઉદ્ધત વર્તન કરી કહ્યું હતું કે સફાઈની જવાબદારી વેપારીઓની છે. છતાં જે કોઈને ના ફાવે તો દુકાનો પાલિકાને પરત કરી શકો છો.

આ નિવેદન સાંભળી વેપારીઓ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. આ અંગે વેપારીઓએ મિડીયાને જણાવ્યું હતું કે તમ અમે વીસેક વર્ષથી દુકાન ધરાવીએ છે. અમે પાઘડી આપીને દુકાનો લીધી છે તો પાલિકા પરત કેવી રીતે માંગી શકે ? અહિયાં જાહેર મૂતરડીનો પ્રશ્ન વર્ષોથી પડતર છે. અમે પાલિકાના ભાડા અને વેરા નિયમીત ભરતા આવ્યા છે. તો સુવિધા આપવામાં પાલિકા શા માટે અખાડા કરે છે ?

આ અંગે ચીફ ઓફિસરે મિડીયા સમક્ષ કહ્યું હતું કે પાલિકાએ દુકાનો વેપારીઓને આપી પછી નાની મોટી સુવિધાઓ જાતે કરવાની હોય. અત્રે ઉલ્લેખનીય છે કે પેટલાદમાં પાલિકા સંચાલિત જે કોઈ શોપિંગ સેન્ટરો છે, તેમાં મરામત, કલર, સફાઈ વગેરે પાછળ સઘળો ખર્ચ ભૂતકાળમાં પાલિકાએ કર્યો જ છે, તો હવે કેમ આ જવાબદારી વેપારીઓ ઉપર નાંખવામાં આવી રહી છ ? વધુમાં આ કોમ્પલેક્ષની સમસ્યાનો હજી પણ કોઈ નિકાલ થયો નહીં હોવાનું જાણવા મળે છે. જેથી વેપારીઓમાં પાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધિશો પ્રત્યે ભારે આક્રોશ ફેલાયો હોવાની વાત ચર્ચાસ્પદ છે.

સુવિધા વિહોણાં કોમ્પલેક્ષ
પેટલાદમાં નગરપાલિકાના લગભગ ૧૫ શોપિંગ સેન્ટર આવેલ છે. જેમાં આશરે ૫૦૦ થી વધુ દુકાનો છે. આ ૫૦૦ પૈકી ૨૭૬ દુકાનો પાઘડી લઈને જે તે વેપારીઓને આપેલ છે. જેઓની પાસેથી દર મહિને ભાડું અને વાર્ષિક ટેક્ષ લેવામાં આવે છે. બીજી લગભગ ૨૨૪ જેટલી દુકાનો ૧૧ મહિનાના કરારથી આપવામાં આવી છે.

જેમાં લેનારે માત્ર ૧૧ મહિનાનું ભાડું અને વાર્ષિક ટેક્ષ જ ભરવાનો હોય છે. આ દુકાનો થકી પાલિકાને દર વર્ષે અંદાજીત રૂ.૩૫ લાખ ઉપરાંતની આવક થાય છે. છતાં તમામ કોમ્પલેક્ષ સુવિધા વિહોણાં છે. પાલિકાના કોમ્પલેક્ષમાં સિક્યોરિટી, રાત્રી દરમ્યાન લાઈટ, નિયમીત સફાઈ, જાહેર શૌચાલય તથા યુરિનલ, પીવાનું પાણી વગેરે જેવી કોઈ જ સુવિધા વેપારીઓને મળતી નથી.

કેટલાક કોમ્પલેક્ષમાં તો રાત્રી તથા વહેલી સવાર દરમ્યાન અસામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલતી હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. છતાં પાલિકાના સત્તાધિશો, અધિકારીઓ અને કર્મચારીઓ જાણે કે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ આંખ આડા કાન કરતા હોવાની વાતે નગરજનોમાં જોર પકડ્‌યું છે.

ઉડાઉ જવાબો આપવામાં માહિર
પેટલાદ નગરપાલિકાના બાંધકામ વિભાગમાં ઓવરસિયર તથા એન્જિનિયર તરીકે વર્ષોથી જીતેશ પટેલ ફરજ બજાવે છે. આ અધિકારી દ્વારા નગરજનોનું અપમાન કરવાની અસંખ્ય ઘટનાઓ બનતી આવી છે. પાલિકાના વહીવટમાં અઠંગ એવા આ જીતેશ પટેલ ચૂંટાયેલા પ્રતિનિધીઓને પણ કામ સંદર્ભે ગોળ ગોળ જવાબો આપતા હોય છે. બાંધકામ વિભાગની કચેરીમાં આવતા નાગરીકો સાથે અવાર નવાર ગાળાગાળીની ઘટનાઓ પણ જગજાહેર છે.

છતાં આ ઓવરસીયર કમ એન્જિનીયર ઉપર કોના છુપા આશિર્વાદ છે ? શા માટે પાલિકાના પ્રમુખ સહિત સત્તાધિશો એમને કંઈ જ કહી શકતા નથી ? પોતાના સમયે જ કામ કરનાર પાલિકાના એન્જિનિયર જીતેશ પટેલ પોતાના ઉપરી અધિકારી અને ચુંટાયેલા પદાધિકારીઓને પણ માહિતી આપવામાં અખાડા કરવામાં માહિર હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. હાલ પાલિકામાં અનેક કર્મચારીઓ દ્વારા નગરજનોને સંતોષકારક જવાબ નહીં મળતા હોવાની ચર્ચાઓએ જોર પકડ્‌યું છે. પેટલાદ પાલિકામાં ચૂંટાયેલા પદાધિકારીઓ નહીં પરંતુ અધિકારીઓ વહીવટ ચલાવતા હોવાની વાતો નગરજનોમાં જોરશોરથી ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.