Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં પ્રજાના રૂપિયે બારે માસ દિવાળી

મ્યુનિ. કોર્પોરેશનના ૧ર હજાર કરોડ બજેટનો વૈભવઃ દાણાપીઠ કાર્યાલય ખાતે સેન્ટ્રલ એસી હોવા છતાં ર૬૦ કરતા વધુ અન્ય એસી મશીન-મ્યુનિ. કોર્પોરેશનની તમામ ઓફિસોમાં મળી હાલ કુલ ૮પ૩ એરકન્ડીશનર કાર્યરત છે.

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકો પાસેથી વસુલ કરવામાં આવતા ટેક્ષની રકમનો ઉપયોગ પ્રજાલક્ષી કામો માટે કરવાનો થતો હોય છે પરંતુ મ્યુનિ. કોર્પો.ના ટેક્ષની રકમમાંથી પ્રજાકીય કામો માટે ઓછો ખર્ચ થાય છે જયારે ભૌતિક સુખ સાધનો પાછળ મોટી રકમ ખર્ચ કરવામાં આવે છે.

નાણાંકિય વર્ષ ર૦ર૩-ર૪માં કોર્પોરેશને રેવન્યુ અને કેપીટલ માટે રૂ.૧૦ હજાર કરોડનો ખર્ચ કર્યો છે જયારે ર૦ર૪-રપ માટે રૂ.૧ર હજાર કરોડનું બજેટ મંજુર કર્યું છે. આ ૧ર હજાર કરોડના બજેટનો વૈભવ મ્યુનિ. કમિશ્નર, હોદ્દેદારો અને અધિકારીઓની કેબીનમાં જોવા મળી રહયો છે. જેમાં જરૂરિયાત કરતા વધુ એસી, પંખા અને લાઈટ નાંખવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વહીવટનું ઘણા વર્ષોથી વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે જેમાં શહેરના સાત ઝોનમાં ૭ ઓફિસો બનાવવામાં આવી છે તેમજ દાણાપીઠ ખાતે મધ્યસ્થ કાર્યાલય છે આ ઉપરાંત ૪૮ વોર્ડ મુજબ વોર્ડ ઓફિસો પણ કાર્યરત છે આ તમામ સ્થળે બેફામ રીતે ઈલેકટ્રીક સાધનો અને ઈલેકટ્રીક ખર્ચ થઈ રહયો છે. મ્યુનિ. કોર્પોરેશનની તમામ ઓફિસોમાં મળી હાલ કુલ ૮પ૩ એરકન્ડીશનર કાર્યરત છે.

નોંધનીય બાબત એ છે કે દાણાપીઠ ખાતે સી- બ્લોકમાં સેન્ટ્રલ એસી હોવા છતાં હોદ્દેદારો અને ઉચ્ચ અધિકારીઓની કેબીનમાં વધારાના ર થી ૩ એસી લગાવવામાં આવ્યા છે. જયારે તમામ કચેરીઓમાં મળી લગભગ ૪૪ હજાર લાઈટો, ૧૧ હજાર જેટલા પંખા અને ર૦૦ જેટલા વોટરકુલરનો પણ ઉપયોગ થઈ રહયો છે.

મ્યુનિ. અધિકારીઓ કરકસર કરવાના બદલે પ્રજાના રૂપિયા રીતસર ઉડાવી રહયા હોય તેમ લાગી રહયું છે. મ્યુનિ. કચેરીઓમાં આટલી મોટી સંખ્યામાં ઈલેકટ્રીક ઉપકરણો લગાવ્યા હોવાથી લાઈટ બીલના ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે તથા ઝોનલ કચેરીઓનું લાઈટ બીલ જ દર વર્ષે ર કરોડ કરતા વધારે આવે છે. મ્યુનિ. કોર્પો.ના દાણાપીઠ કાર્યાલય ખાતે એ-બ્લોકમાં દોઢ ટનના ચાર એસી, બે ટનના બે એસી અને વોટર પ્યોરીફાયર ૧, ૧ રેફ્રીજરેટર છે

જયારે બી બ્લોકમાં દોઢ ટનના ૪૬ એસી, ર ટનના ર૭ એસી, ૧૪ વોટર કુલર, ૧૪ વોટર પ્યોરીફાયર, ર ફ્રીજ છે. જયારે ડી બ્લોકમાં દોઢ ટનના ૧ર એસી, ર ટનના ૭ સાત અને બે ફ્રીજ છે. જયારે સી-બ્લોકમાં દોઢ ટનના ૧૦૧ અને બે ટનના ર૭ સહિત કુલ ૧ર૮ એસી મશીન છે. આ ઉપરાંત સી-બ્લોકમાં ૩ર૦ એચપી એસી પ્લાન્ટ પણ ઉપલબ્ધ છે. જયારે ગાંધી હોલમાં સાડા આઠ ટનના ૮ નંગ અને ૬૮ ટન એસી પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.