Western Times News

Gujarati News

સલમાનના ઘર પર ફાયરિંગ કરનારાને પકડવા પોલિસ પદયાત્રી બની મંદિરમાં પ્રવેશી

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા બે શૂટર્સ ભૂજથી ઝડપાયા-મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને કચ્છ પોલીસનું મોડી રાતે સંયુક્ત ઓપરેશન

(પ્રતિનિધિ)અમદાવાદ, અભિનેતા સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનાર બે શૂટરને મોડી રાત્રે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુજરાત પોલીસની મદદ લઈને ભૂજ ખાતેથી ઝડપી પાડયા છે. ફાયરિગ કર્યા બાદ બન્ને આરોપી વેશ પલટો કરીને ભૂજમાં આવી ગયા હતા પરંતુ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેમને દબોચી લીધા છે.

બે દિવસમાં મહારાષ્ટ્ર અને ગુજરાત પોલીસ સફળ ઓપરેશન પાર પાડીને બન્ને આરોપીને ઝડપી પાડયા છે. બન્ને આરોપી બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા છે કે નહીં તે મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભૂજમાં આવેલા માતાના મઢ મંદિરના પરિસરમાં બન્ને આરોપી રોકાયા હતા જ્યાં પોલીસે ઓપરેશન પાર પાડીને ધરપકડ કરી છે. પોલીસ બંને આરોપીઓને લઈને મુંબઈ પહોંચી હતી. જ્યાં બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

૧૪ એપ્રિલે સવારે પાંચ વાગ્યે બ્રાન્દ્રામાં સલમાન ખાનના ગેલેકસી એપાર્ટમેન્ટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાઈક પર આવેલા બે હુમલાખોરોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ સમયે સલમાન તેના ઘરે હતો. સલમાન ખાનના ઘર પર ફાયરિંગ થતાંની સાથે જ તેના ઘરની બહાર સુરક્ષા વધારી દેવાઈ હતી.

ફાયરિંગની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બન્ને આરોપીએ સ્પોર્ટસ કેપ પહેરેલી હતી અને તેમના ખભા પર બેગ લટકતી હતી. સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું છે કે, આરોપીઓ સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરી રહ્યા છે. સલમાન ખાનને લોરેન્સ-ગોલ્ડી બ્રાર ગેંગ તરફથી જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી હતી.

ફાયરિંગની ઘટના બાદ લોરેન્સના ભાઈ અનમોલે એક ઓનલાઈન પોસ્ટમાં આ ઘટનાની જવાબદારી લીધી હતી. તેણે આ ઘટનાને ટ્રેલર ગણાવી સલમાનને ચેતવણી આપી હતી. જો કે, પોલીસે આ પોસ્ટની પુષ્ટિ કરી નથી. લોરેન્સ હાલમાં અનેક હાઈપ્રોફાઈલ લોકોની હત્યામાં આરોપમાં તિહાર જેલમાં છે.

મોડી રાત્રે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કચ્છ પોલીસની મદદ લઈને બન્ને આરોપીની ભૂજમાંથી ધરપકડ કરી છે. બન્ને આરોપી પૈકી એકનું નામ વીકી સાહેબ ગુપ્તા અને બીજાનું નામ સાગર શ્રી જોગેન્દ્ર પાલ છે બન્ને આરોપી બિહારના રહેવાસી છે અને તેઓને મુંબઈ લઈ જવાયા છે. બન્ને આરોપી પનવેલના રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા હતા.

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર સલમાનના ઘર પર હુમલા થાય તે પહેલાં બન્નેએ લોનાવાલા સ્થિત તેના ફાર્મ હાઉસની રેકી પણ કરી હતી. ફાયરિંગની આ ઘટનામાં પોલીસે આરોપીનું એક બાઈક પણ કબજે કર્યું હતું. ફાયરિંગ કર્યા બાદ આ બાઈકને સલમાનના ઘરથી એક કિલોમીટર દૂર માઉન્ટ મેરી ચર્ચ પાસે મૂકી દેવામાં આવ્યું હતું. પોલીસનું કહેવું છે કે, આ બાઈક પનવેલમાં રહેતા એક વ્યક્તિના નામે નોંધાયેલું હતું. જેણે થોડા દિવસ પહેલાં વેચી દીધું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.