Western Times News

Gujarati News

દુબઈમાં કરાયેલું ‘કલાઉડ સીડીંગ’ આખરે છે શું? જાણો છો

ગલ્ફના દેશો અને પાકિસ્તાનમાં મેઘતાંડવઃ ૬૯નાં મોત-ઓમાનમાં ૩ દિવસના વરસાદમાં ૧૮નાં મોત, ૧૦ શાળાનાં બાળકોનો સમાવેશ, બહેરીનમાં ભારે વરસાદ, મનામામાં પૂર, દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૪૫ ફ્‌લાઈટ્‌સ રદ કરવામાં આવી, પાકિસ્તાનમાં સૌથી વધુ જાનહાનિ

(એજન્સી)દુબઈ, દુબઈ, ઓમાન સહિતના ગલ્ફ દેશોમાં અને પાકિસ્તાનમાં મેઘતાંડવથી ૬૯ વ્યક્તિનાં મોત નિપજ્યા છે. જ્યારે કેટલાંક ગામો સંપર્કવિહોણા બન્યાં છે. ફસાયેલાં નાગરિકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. રાત-દિવસ ધમધમતા દુબઈ એરપોર્ટમાં પાણી ઘુસી ગયાં છે. પરિણામે ૪૫થી વધુ ફ્લાઈટો રદ કરવામાં આવી છે. ઓમાન અને પાકિસ્તાનમાં વધુ જાનહાનિ થઈ છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવતાં તંત્ર વધુ એલર્ટ થયું છે.

છેલ્લા ૨ દિવસથી ખરાબ હવામાનને કારણે પાકિસ્તાન અને ગલ્ફ દેશોમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. પાકિસ્તાન, ઓમાન અને યુએઈમાં અત્યાર સુધીમાં ૬૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં ભારે વરસાદને કારણે પાકિસ્તાનમાં ઈમર્જન્સી લાદવામાં આવી છે. ત્યાં અત્યારસુધીમાં ૫૦ લોકોનાં મોત થયાં છે.

બ્લુમબર્ગે જણાવ્યું છે કે, ‘કલાઉડ સીડીંગ’ (વાદળો પર કરેલા છંટકાવ)ને લીધે આટલો વરસાદ થયો હશે. વાસ્તવમાં યુ.એ.ઈ.એ ૨૦૦૨થી કલાઉડ સીડીંગ શરૂ કર્યું છે તેમાં વાદળો ઉપર વિમાનમાંથી રસાયણો અને ઝીણાં કણો છાંટવામાં આવે છે. તેમાં પોટેશ્યમ કલોરાઈડ મુખ્ય છે. આથી વાદળોમાં રહેલું પાણી છૂટું પડી વરસાદ રૂપે વરસી જાય છે.

એ જ સમયે દુબઈમાં ખરાબ હવામાનને કારણે ભારતથી ૨૮ ફ્‌લાઈટ્‌સ રદ કરવામાં આવી છે. એમાં ભારત આવતી ૧૩ ફ્‌લાઈટ્‌સ અને ભારતથી દુબઈ જતી ૧૫ ફ્‌લાઈટ્‌સનો સમાવેશ થાય છે. પાકિસ્તાની અખબાર ડૉન અનુસાર, પાકિસ્તાનના તમામ પ્રાંતોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યાં ૩૨ લોકો ગંભીર રીતે ઘાયલ છે. ખરાબ હવામાનની સૌથી ખરાબ અસર ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં જોવા મળી રહી છે.

સંયુક્ત આરબ અમીરાતના અબુધાબી, દુબઈ અને અલ આઈન જેવાં શહેરોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. ત્યાં આખા વર્ષનો વરસાદ ૨ દિવસમાં પડી ગયો. મંગળવારે રોડ, રેલવે અને ફ્‌લાઈટને અસર થઈ હતી. આ શહેરોમાં ઓફિસો અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. લોકોને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે.

ખલીજ ટાઈમ્સે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ટાંકીને લોકોને કહ્યું હતું કે જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી એરપોર્ટ પર ન આવે. ઘણી ફ્‌લાઈટ્‌સ રદ કરવામાં આવી છે અને ઘણી ફ્‌લાઈટ ડાઇવર્ટ કરવામાં આવી છે. દુબઈ એરપોર્ટ પરથી મુસાફરી કરનારાઓ માટે ચેક-ઈન પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે.

બહેરીન, કતાર અને સાઉદી અરેબિયામાં ભારે વરસાદને કારણે પણ સ્થિતિ ખરાબ છે. ઓમાનમાં ભારે વરસાદને કારણે ૧૮ લોકોનાં મોત થયાં છે.
વરસાદના કારણે વિશ્વના સૌથી વ્યસ્ત દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનોની અવરજવર બંધ થઈ ગઈ છે. દુબઈ એરપોર્ટના પ્રવક્તાએ ગલ્ફ ન્યૂઝને જણાવ્યું હતું કે મંગળવારે ૪૫ ફ્‌લાઈટ્‌સ રદ કરવામાં આવી હતી. ૩ ફ્‌લાઈટને અન્ય એરપોર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવી હતી.

મસ્કત સહિત દેશના ઘણા વિસ્તારોમાં સ્થિતિ વધુ ખરાબ છે. અહીં ત્રણ દિવસમાં ૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે પવન અને ભારે વરસાદના કારણે ૧૮ લોકોનાં મોત થયાં છે, જેમાં ૧૦ સ્કૂલનાં બાળકો પણ સામેલ છે, જેઓ બસમાં મુસાફરી કરી રહ્યાં હતાં. અચાનક પૂરના પાણીને કારણે બસ ધોવાઈ ગઈ હતી.

ગલ્ફના દેશોમાં બદલાયેલાં હવામાન માટે ગ્લોબલ વો‹મગ જવાબદાર છે. દુબઈમાં કૃત્રિમ વરસાદ પાડવામાં આવતો હતો પરંતુ છેલ્લા બે વર્ષથી દુબઈ સહિતના ગલ્ફ દેશોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. જેના પગલે હવે સ્થાનિક પ્રશાસન તંત્રએ વરસાદી પાણીના નિકાલ માટેની સિસ્ટમ ડેવલોપ કરવી પડે તેમ છે. દુબઈમાં રસ્તાઓ ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.