Western Times News

Gujarati News

જે બીજા માટે શુભ વિચારે છે, એને સૌ નમન કરે છે

માનવ્યની માવજત -‘એક ચિંગારી, કહીં સે ઢુંઢ લાઓ દોસ્તો ,

ઇસ દીયે મેં તેલ સે ભીગી હુઈ બાતી તો હૈ ..!’

જયારે માનવી દરેક સંબંધમાં સહૃદય સભાનતા કેળવે છે ત્યારે ,એ માનવ્યની માવજત કરવાની કળા શીખી રહ્યો છે ,એવું કહી શકાય.

વ્યક્તિમાં વતા- ઓછા અંશે સત્યની ખુમારી હોય છે, એ ખુબ સારી અને સાચી વાત છે , પણ … સમય પ્રમાણે સહજતાથી વહી જવાથી સફળતા ચોક્કસ મળે છે .એકલા સત્ય સાથે જીવવું અઘરું તો છે , પણ માનવ બનીને જીવવાથી બીજા માનવના મન સુધી પહોંચી શકાય છે .

પૃથ્વીએ સૌ માટે એક આશ્ચર્યલોક છે . કેવી રીતે જીવન જીવવું ,એ કોઈ કોઈને ના કહી શકે.ભલે લોકો આ પૃથ્વીને મૃત્યુલોક કહે , મારે મન એ એક અનોખાં આશ્ચર્ય સાથેનું જીવનલોક છે .આ જીવનલોકમાં જીવવાનો પ્રામાણિકપણે પ્રયત્ન કરનાર લોકોના માપદંડો વગર સફળતાને પામવા આગળ વઘી શકે છે.

વ્યક્તિ સમાજ સાથે જોડાયેલો રહે , તો પણ એની પરીક્ષાઓ રોજ બદલાતી રહે છે. કરુણા ,પરોપકાર કે પછી સદ્દભાવના જેવાં ભારેખમ શબ્દો એની આસપાસ ભરડો લેતાં રહે છે . વ્યક્તિની ભાવસૃષ્ટિ તેમજ એની મનોદશા ધીરે ધીરે સૌને ખબર પડે છે .

તકલાદી સજ્જનતા વ્યક્તિમાં ક્યારેક આક્રમતા લાવી શકે છે ,પણ સત્યાગ્રહની વેધકતા બતાવવા જીવનના રણમેદાનમાં વ્યક્તિએ નીડર બનીને જાતે ઉતરવું પડે છે.પણ આ નીડરતાનો અતિરેક ક્યારેક માનવીમાંથી પૃથ્વીતત્વમાં સમાયેલી સહિષ્ણુતા ઘટાડી દે છે અને અપરિચિત અતડાપણું એની આસપાસ રોપી દે છે.આકાશમાં ભટકતા જલતત્વરૂપી લાગણીની ભીનાશ આપણા જીવનમાંથી જયારે સુકાતી જાય ત્યારે અગ્નિતત્વનું પ્રમાણ વધે છે ,એટલે કે અસંતોષનો અગ્નિ વિકરાળ બને છે ,…. હું એવું માનું છું.

વ્યક્તિ પોતાનાં જીવનમાં લાખો વાર અગ્નિપરીક્ષા આપતો રહે છે …. પણ જયારે તેના નિકટવર્તીઓ એની પર વિશ્વાસ દાખવે તો તેનો એ પરીક્ષા પાર કરવાનો જુસ્સો વધુ નિખરે છે .અગ્નિપરીક્ષા ભલે માત્ર સીતામાતાએ આપી હોય ,શ્રી રામને એ સમયે પોતાની પત્નિ પર રાખેલા દ્રઢ વિશ્વાસની કસોટી જરૂર થઇ હશે.

ઇતિહાસના પાના આવી વિશ્વનિયતાના અજવાળાથી જ દીપે છે.માનવ્યની કેળવણીની શરૂઆત એકબીજા પર રાખેલા વિશ્વાસ સાથે થાય છે .

અન્યાય સામે બોલવાની કિંમત ઘણાં બધાએ ચૂકવી હશે ,અને દુન્યવી વીંટબણાઓના ધસમસતા પ્રવાહમાં સામા વ્હેણે તરવાની હિંમત પણ ઘણાંએ બતાવી હશે …. બસ આવો જુસ્સો તમને માનવતાની નજીક લઇ જાય છે.કારણકે મુશ્કેલીઓમાંથી માણસ ઘડાય છે. બીજાને સમજવા અને મદદ કરવા તૈયાર થાય છે.ખુબ તકલીફો ઝીલીને જીવનારો વ્યક્તિ અન્યને સાચી રીતે સમજી શકે છે એવું હું માનું છું.

માનવ્યની માવજત કરવી ભલે થોડી અઘરી હોય પણ અશક્ય તો નથી.પોતાની અંદરના પૂર્વગ્રહો અને અસંતોષના વિશાળ ધૂઘવતા સાગર સાથે પોતાનાં મનની ભીતર ઉતરીને આંખો બંધ કરીને પોતાનાં અસ્તિત્વને સાત્વિક બનાવવાની જહેમત ઉઠાવવી પડે છે.બીજાને ઉગવાની તક આપી ખુશ રહેતા હશો તો ,એ તમને વધુ પરિપક્વ માનવી બનાવશે.

પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે ,એટલે ઋતુઓ થાય છે …. એવું ભૂગોળ કહે છે.જે બીજા માટે નમે છે , જે બીજા માટે શુભ વિચારે છે ,એને સૌ નમન કરે છે. જેમ ઋતુઓ વગર માનવજીવનની કલ્પના અશક્ય છે એવી જ રીતે સદ્દભાવના વિનાનો માનવ તાડના ઝાડ સમાન છે.

પૃથ્વીના એ ઝુકાવને નમન છે ,માનવીની સંવેદનાને આવકાર છે. માનવ્યની માવજતની અર્થપૂર્ણ રજુઆત છે.

ઉગતા સૂરજની તેજોમય કિરણો જાણે વૃક્ષના પાનને પંપાળે છે , પૃથ્વી પર પાંગરનાર હરેક જીવને તે કશુંક સમજાવે છે , પક્ષીઓનાં ભારને પ્રેમથી સ્વીકારજે ,એવું કહેણ મોકલાવે છે …!

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.