Western Times News

Gujarati News

અમદાવાદમાં ૩૫ મુમુક્ષનું દીક્ષા પહેલાં ભવ્ય સ્વાગત

ઘોડાગાડી, બગી, બેન્ડવાજા સાથે નગર પ્રવેશનો કાર્યક્રમ યોજાયો, રાજસ્થાનની ઝાંખી કરાવતો ડોમ તૈયાર કર્યો

અમદાવાદ, અમદાવાદ શહેરના સદીઓના ઇતિહાસમાં પહેલી વખત યોજાઈ રહેલા ૩૫ દીક્ષાના મહોત્સવ માટે પધારેલા ૧૫ આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો ઉપરાંત ૩૫ મુમુક્ષુઓ અને તેમના પરિવારજનો આજે ભવ્ય સામૈયા સાથે રિવર ફ્રન્ટ ઉપર બનેલી ભવ્ય અધ્યાત્મ નગરીમાં પ્રવેશ્યા હતા.

તેમની શોભાયાત્રા સુવિધા ચાર રસ્તાથી શરૂ થઈને પ્રીતમ નગર અખાડા થઈને સાબરમતી રિવર ફ્રન્ટ પહોંચી ત્યારે ૧૨ ગજરાજ ઉપર બિરાજેલા મુમુક્ષુઓ પણ અધ્યાત્મ નગરીમાં પ્રવેશ્યા હતા. રિવર ફ્રન્ટ ઉપર ભવ્ય અધ્યાત્મ નગરી તૈયાર કરવા માટે આશરે ૧,૦૦૦થી વધુ કારીગરો અને મજૂરો દિવસરાત કામ કરી રહ્યા હતા.

અધ્યાત્મ નગરીમાં આશરે ૧૦,૦૦૦ ચોરસ ફૂટના ભવ્ય મહેલ જેવા જિનમંદિરમાં ૨૩માં તીર્થંકર શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ ભગવાનની નયનરમ્ય મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. અધ્યાત્મ નગરીમાં આશરે ૯૦,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં ભવ્ય સભા મંડપની રચના કરવામાં આવી છે, જેમાં આશરે ૨૫,૦૦૦ શ્રધ્ધાળુઓ બેસીને દીક્ષાનો મહોત્સવ માણી શકશે.

અધ્યાત્મ નગરીમાં આશરે ૩,૦૦,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં ભોજન કક્ષની રચના કરવામાં આવી છે, જેમાં એક પંગતમાં બેસીને ૩,૨૦૦ ભાવિકો ભોજન કરી શકાશે.અધ્યાત્મ નગરીમાં પહેલી વખત નર્કની આબેહૂબ રચના કરવામાં આવી છે, જેમાં પરમાધામી દેવો નર્કના જીવોને કેવી યાતના આપે છે, તેના જીવંત દૃશ્યો જોવા મળશે.

અધ્યાત્મ નગરીમાં એક ભવ્ય થિયેટર બનાવવામાં આવ્યું છે, જેમાં જૈન શાસનની શૌર્ય ગાથાઓ લઘુ નાટીકાના સ્વરૂપમાં દર્શાવવામાં આવશે.અધ્યાત્મ નગરીમાં એક પુસ્તકની પરબ ખોલવામાં આવી છે, જેમાં જૈન ધર્મનું તત્વજ્ઞાન પીરસતા પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.