Western Times News

Gujarati News

પતિએ પત્નિ હોવા છતાં બીજા લગ્ન કર્યાઃ નવી પત્નીને નોકરાણી બતાવી

પ્રતિકાત્મક

પતિએ નવી પત્નીને નોકરાણી તરીકે દર્શાવી, પોલીસે ભાંડો ફોડયો

અમદાવાદ, પતિ છૂટાછેડા વગર જ નવા લગ્ન કરી બીજી પત્ની સાથે રહેવા લાગ્યો હતો તેથી પહેલી પત્નીએ કોર્ટમાં કેસ કર્યો હતો. કોર્ટે પોલીસ પાસેથી તપાસ રિપોર્ટ મંગાવ્યો હતો.

બીજી તરફ પતિ અને નવી પત્ની તરફથી એવો બચાવ કરાયો કે, તે (નવી પત્ની) તો ઘરની કામવાળી છે અને કામ કરવા માટે રહે છે. જો કે, પોલીસ રિપોર્ટમાં એવો ભાંડો ફૂટયો હતો કે બન્ને લગ્ન કરી પતિ-પત્ની તરીકે સાથે રહે છે.

આ મામલે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી.જે.પરમારે ફરિયાદી પત્નીની ફરિયાદ યોગ્ય રજિસ્ટરે નોંધવાનો હુકમ કર્યો હતો. ઉપરાંત પતિ અને નવી પત્નીને સમન્સ જારી કરી બન્નેને ૧૩મી મેએ અદાલત સમક્ષ હાજર રહેવા ફરમાન કર્યું છે.

અમદાવાદમાં રહેતી રેખાએ મોહિત સાથે લગ્ન હિન્દુ શાસ્ત્રોકત વિધિ અનુસાર રપ ફેબ્રુઆરી ૧૯૯૪ના રોજ લગ્ન કર્યા હતા. રેખાનો પતિ આઠેક વર્ષ પહેલાં તેને તરછોડીને જતો રહ્યો હતો અને શારીરિક-માનસિક ત્રાસ આપી છૂટાછેડા દબાણ કરતા હતા. પતિ અને સાસુ પતિને બીજે લગ્ન કરવા હોઈ આ પ્રકારનું કૃત્ય કરતા હતા.

આ વાતને લઈ પતિ-પત્ની બન્ને વચ્ચે કાયદાકીય ન્યાયિક કાર્યવાહીઓ અને બાદમાં સમાધાન થયું હતું. ર૦૧૭માં સમાધાન થતાં પતિ ર૦૧૮માં રેખા સાથે રહેવા આવી ગયો હતો અને તે પણ નવી પત્નીને લઈને. પતિ તરફથી એવું જણાવાયું હતું કે, તેને પ્રતિવાદી મહિલા સાથે સંબંધ નથી તે તો માત્ર ઘરકામ કરવા આવી છે.

જો કે, થોડો સમય રહ્યા બાદ પતિ અને નવી પત્ની બન્ને અલગ રહેવા જતા રહ્યા હતા. દરમિયાન રેખાને જાણવા મળ્યું હતું કે, તેમનું પ્રથમ લગ્ન જીવન હયાત હોવા છતાં અને રેખા કાયદેસરના પત્ની હોવા છતાં મોહિત નવી પત્ની સાથે ૭ ઓકટોબર ર૦૧૯ના રોજ કાલુપુર વિસ્તારમાં ધનાસુથારની પોળ ખાતે લગ્ન કરી લીધા હતા જેથી પત્નીએ આઈપીસીની કલમ ૪૯૪ (પત્ની હોવા છતાં બીજી પત્ની સાથે રહેવું) સહિતની કલમ હેઠળ કોર્ટમાં ફરિયાદ કરી હતી.

જેમાં જૂની પત્ની તરફથી આ અંગેના મજબૂત પુરાવા તરીકેના બન્નેના લગ્નનું પ્રમાણપત્ર પણ રજૂ કર્યું હતું. એટલું જ નહીં નવી પત્નીનું પાન કાર્ડ પણ પુરાવા તરીકે કોર્ટના રેકર્ડ પર રજૂ કરાયું કે જેમાં પત્ની રેખાના પતિનું નામ તેના પતિ તરીકે પણ લખાવતી હોવાનું સામે આવ્યું હતું.

આમ કેસના પુરાવા અને હકીકતો ધ્યાને જૂની પત્ની તરફથી આરોપી પતિ અને નવી પત્ની વિરૂદ્ધ પ્રોસેસ ઈશ્યુ કરી કેસ ચલાવી દાદ માંગી હતી. ફરિયાદી પત્ની દલીલો અને કેસના પુરાવા ધ્યાને લઈ કોર્ટે પતિ અને નવી પત્નીને કોર્ટ રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.